અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડી ઓવરબ્રિજ (Overbriedge) પાસે ઇકો કાર (Eco car) લઇ પસાર થતા એક નિવૃત્ત પોલીસકર્મીએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, અને એક રિક્ષા, બે બાઈક તેમજ ફ્રૂટની લારી અને રોડની બાજુમાં બેઠેલા પથારાવાળાને અડફેટે લેતાં એક મહિલા (Women) સહિત ૫ વ્યક્તિને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝડપી લઇ પોલીસને (Police) હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર-૪૮થી પીરામણ ગામ તરફ આવતી ઇકો કારના ચાલકે રેલવે અંડરબ્રિજ પાસે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, અને કારચાલકે એક રિક્ષા, બે બાઈક, એક ફ્રૂટની લારી અને રોડની બાજુમાં બેસી વેચાણ કરતા એક પથારાવાળાને અડફેટે લીધો હતો. આ અકસ્માતને પગલે આસપાસના લારીવાળા અને વાહનચાલકો તેમજ સ્થાનિકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇકો કારચાલક સ્થળ પરથી ભાગવા જતાં સ્થાનિકોએ ઝડપી લીધો હતો.
ઇકો કારચાલકની તપાસ કરતાં તે નિવૃત્ત પોલીસકર્મી ગુલાબ સાકરે હોવાનું બહાર આવ્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા શહેર પોલીસ સ્ટેશને જાણ કરી ગુલાબ સાકરેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત ૫ વ્યક્તિને ઈજા પહોંચતાં તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે, શહેર પોલીસે વાહનોને ખસેડી નિવૃત્ત પોલીસ કર્મચારી ગુલાબ સાકરેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
માયપુર પાસે માર્ગ ક્રોસ કરતાં એકનું મોત
સુરત: વ્યારાના માયપુર પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર રોડ ક્રોસ કરી રહેલા મહારાષ્ટ્ર ડેપોની બસના કંડક્ટરને અજાણ્યા વાહન અડફેટે લેતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યોગ્ય સારવાર મળે એ પહેલાં તેનું મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના બુલડાણા ડેપોથી બસ નં.(એમએચ ૪૦ એન ૯૫૮૮) મુસાફરો લઇ સુરત તરફ જતી હતી. બસના ડ્રાઈવર શ્યામ સુખદેવ કરાડે અને કંડક્ટર તરીકે પ્રમોદ દાદારાવ માળોદે તા.૧૩મી મેના રોજ બસ લઇ વ્યારાના માયપુર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા. એ અરસામાં રાત્રિ દરમિયાન બસ બગડી જતાં તમામ મુસાફરોને મહારાષ્ટ્ર ડેપોની અન્ય બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. બસનો જોઈન્ટ બ્રેકેટ તૂટી ગયો હોવાથી બસ રિપેર થઇ શકે તેમ ન હતો. ગેરેજની શોધખોળ કરતાં હતા, એ સમયે હાઈવે ક્રોસ કરતી વેળા બસ ડ્રાઈવર શ્યામ કરાડે હાઈવે ક્રોસ કરી નીકળી ગયો હતો. પણ લાલ કલરની કારના ચાલકે પાછળ આવતાં બસના કંડક્ટર પ્રમોદ માળોદેને અડફેટે લીધો હતો. અકસ્માત થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અને ઈમરજન્સી ૧૦૮માં વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. પણ સારવાર દરમિયાન પ્રમોદનું મોત નીપજ્યું હતું.