Vadodara

16 થી 18 જુન સુધી પાવાગઢ મંદિરે ભક્તોને પ્રવેશ મળશે નહી

પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 18 મી જૂન શનિવાર ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પાવાગઢ ખાતે પધારી મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરી દાયકાઓ બાદ માતાજીના મંદિરના શિખર પર થનાર ઐતિહાસિક ધ્વજારોહણ પોતાના વરદ્દ હસ્તે કરશે. જેને લઇને સમગ્ર રાજ્યના માઈ ભક્તો સહિત સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત હાલોલ પાવાગઢની પ્રજામાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં 18મી જૂનના રોજ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પધારવાના હોય ગુજરાત રાજ્યન વહીવટી તંત્ર, પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર સ્થાનિક વહીવટી તંત્ર અને પાવાગઢ મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા તેઓના સત્કાર અને સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે.

18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પાવાગઢ આગમનને અનુલક્ષીને 14મી જુને મહાકાલી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાકાલી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંડ્યાએ 18મી જૂનના રોજ નરેન્દ્ર મોદીના પાવાગઢ પ્રવાસને લઇને વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ૧૮મી જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પધારનાર હોઈ તેઓના આગમનને લઇને મહાકાલી મંદિર ટ્રસ્ટ અત્યંત ઉત્સાહિત છે અને તેઓના સત્કાર અને સ્વાગતની તમામ તૈયારીઓ આરંભી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જેમાં 18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ પાવાગઢ ખાતે પધારનાર હોઇ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તારીખ 16/06/2022 ના રોજ બપોરના 3:00 કલાકથી તારીખ 18/06/2022 ના રોજ નરેન્દ્ર મોદી તમામ કાર્યક્રમ પત્યા બાદના 3 કલાક સુધી તમામ માઈ ભક્તો માટે મંદિર પરિસર સહિત મહાકાળી માતાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ બાબતે તેઓએ માઇ ભક્તોની દિલગીરી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ચેનલના માધ્યમથી માઇભકતો વડાપ્રધાનના હસ્તે થનાર ઐતિહાસિક ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો લાઈવ જોઈ શકશે.

જ્યારે 18મી જૂને વડાપ્રધાન પાવાગઢ ખાતે પધારી સૌ પ્રથમ ભૈરવ દાદાના દર્શન કરી મહાકાળીની પૂજા-અર્ચના કરી તેમના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવશે. પૂજારીઓ દ્વારા નરેન્દ્ર મોદીને સરસ પૂજા કરવાની તમામ તૈયારીઓ આરંભવામાં આવી છે. ત્યારબાદ મંદિર પરિસરમાં મંદિર ખાતે થનાર ઐતિહાસિક ધ્વજારોહણમાં ધજાજીની પૂજા કરી આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દાયકાઓ બાદ મંદિરના શિખર પર સોનાના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરાશે. જેમાં ધ્વજારોહણના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરશે સહિતની માહિતી આપવામાં આવી હતી.

બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું
પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસે બોમ્બ ડિટેકશન એમ ડિસ્પોઝલ સ્કવોડની ટીમને સાથે રાખી પાવાગઢના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ તેમજ પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા પાવાગઢ બસ સ્ટેન્ડ, માચી વિસ્તાર, મહાકાળી માતાજીના મંદિર પરિસર, જામા મસ્જિદ, પાવાગઢ ખાતે આવેલ તમામ હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, તેમજ અન્ય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં આધુનિક સાધનો સાથે સજ્જ બીડીડીએસ ટીમને સાથે રાખીને એસ.ઓ.જી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને આવેલા બહારના રાજ્યના યાત્રિકોના ઉતારાના સ્થાન તેમજ તેના સરસામાન અને યાત્રિકોના ઓળખપત્રનું પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. (તસવીર-ચિંતન પટેલ)

Most Popular

To Top