અમેરિકામાં હાલમાં એક કિશોરે શાળામાં ગોળીબારથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા. વારંવાર ત્યાં આવું બનતું રહે છે, ત્યારે આપણા દેશમાં પણ ગન – કલ્ચરને ઉજાગર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 16 વર્ષના દિકરાએ તેની માતાને એટલા માટે ગનથી મારી કે તે તેને PUBG ગેમ રમવા માટે રોકતી હતી. તેની સંવેદન – બધિરતા તો જુઓ કે રાત્રે 2 વાગ્યે મારેલ ગોળીથી બપોરે 12 વાગ્યા સુધી તે તડપતી રહી અને દીકરો વારંવાર રૂમનો દરવાજો ખોલી તેને જોઇ ખાતરી કરતો રહ્યો કે તે મરી ગઇ કે નહીં? રે કળિયુગ…!
આજના ટેકનોલોજીકલ યુગમાં સોશિયલ મિડિયાનું એક માધ્યમ એવો મોબાઇલ એક એવું નાનકડું ઉપકરણ છે કે જે થકી જાણે ‘દુનિયા મારી મુઠ્ઠીમાં’ એવું પ્રતીત થઇ રહ્યું છે. પહેલા તો પ્રશ્ન એ થાય કે આમાં દોષિત કોણ? નાની વયમાં હાથમાં મોબાઇલ પકડાવી દેતા માબાપ, દીકરો કે પછી ખુદ મોબાઇલ? દરેક સિકકાની 2 બાજુ હોય છે. તેમ આજે મોબાઇલ ફકત જરૂરી જ નહિ, અનિવાર્ય ઉપકરણ બની ગયું છે. ચોર, ગુનેગારોનું પગેરું મોબાઇલ લોકેશન દ્વારા પકડવું આસાન બન્યું છે. અજાણી જગ્યાએ GPS દ્વારા કોઇને પૂછયા વિના લોકેશન શોધી શકાય છે.
કોઇ પણ ક્ષેત્ર વિષયક માહિતીનો ખજાનો પળવારમાં ગુગલ ખોલી દે છે. સંતાનોને મોબાઇલ અપાવીને બેફિકર થઇ જતા માબાપોએ ચેતવા જેવું છે. દીકરા – દીકરી મોબાઇલમાં શું કરે છે તે ચકાસતાં રહી યોગ્ય માર્ગદર્શનને અવકાશ છે. અગાઉ પણ મોબાઇલ – ગેમમાં ઘણાએ જીવ ગુમાવ્યાના કિસ્સા બન્યા જ છે. તો શું આવી ગેમને બેન ન કરી શકાય? મોબાઇલનો વિવેક, બુદ્ધિયુકત યોગ્ય ઉપયોગ જ્ઞાનની ક્ષિતિજ ખોલી નાંખે છે, પરંતુ તેનો ગલત ઉપયોગ વિનાશ જ સર્જે છે…!
સુરત – કલ્પના બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.