ઝઘડિયા: ઝઘડિયાના લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ (Son) પિતાને (Father) માર મારતા બાદમાં ઇજાગ્રસ્ત પિતાને પુત્ર સારવાર માટે હોસ્પિટલ લઈ આવતા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત (Death) થતાં પોલીસે (Police) મૃતકના સગા દીકરા સામે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તેની ધરપકડ (Arrest) કરી છે.
ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામે રહેતા સંજય વસાવા પોતાના જ પિતા છનાભાઈ વસાવાને કોઈ બાબતે ઝઘડો કરી સગા દીકરાએ જ ગુસ્સામાં આવી લાકડાના સપાટા મારી દેતાં પિતાને ગંભીર ઇજા પહોંચાડી દીધી હતી. જો કે, બાદમાં હુમલો કરનાર પુત્ર સંજય વસાવા પોતે જ પોતાના પિતાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા એક રાત્રિની સારવાર બાદ વહેલી સવારે મોત થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજપારડી પોલીસે પુત્ર સંજય વસાવાની ધરપકડ કરી હતી.
વ્યારાની નવી વસાહતમાં જૂની અદાવતે થયેલી મારામારીમાં ઘવાયેલા યુવકનું મોત
વ્યારા: વ્યારાના કાનપુરાના નવી વસાહતમાં જૂની અદાવતે કુશવાહ પરિવારે બે દિવસ પહેલાં જે યુવાનને માથામાં લાકડાંના સપાટા માર્યા હતા, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ પ્રકરણમાં બે ભાઇ અને તેમનાં માતા-પિતા મળી કુલ ચાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલામાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે આ યુવકને સુરત સિવિલ ખસેડાયો હતો. જે-તે સમય તેની હાલત ખૂબ જ ગંભીર હતી.
વ્યારાના કાનપુરાની નવી વસાહતમાં ગત તા.૧૧/૦૬/૨૦૨૨ના રોજ રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં સંજુ રામરતન કુશવાહે ઘર સામે બાકડા પર બેસેલા સિટી લાઇટ ટાવરના યુવક આશિષ સંતોષ પરદેશી સાથે ઝઘડો કર્યો હતો. અગાઉ બાકડા ઉપર બેસવા બાબતે આશિષ સાથે બોલાચાલી થઇ હોવાથી જૂની અદાવત રાખી હાથમાં લાકડાના ડંડા લઇ સંજુ કુશવાહ, ભાઈ સંતોષ કુશવાહ, મમ્મી સરોજ કુશવાહ અને પિતા રામરતન કુશવાહ ત્યાં દોડી આવ્યા હતા. જેમાં સંજુએ આશિષને માથામાં લાકડાના ફટકા મારતાં આશિષને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ગંભીર ઈજા પામેલા આશિષનું સુરત સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે બનાવમાં હત્યાની કલમ ઉમેરી છે. સંજુ રામરતન કુશવાહ, સંતોષ રામરતન કુશવાહ, સરોજ રામરતન શાહ, રામરતન કુશવાહ વિરુદ્ધ ભાવેશની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યા બાદ મંગળવારે હત્યાની કલમ ઉમેરી વધુમાં તપાસ હાથ ધરી છે.