વ્યારા: વ્યારાના (Vyara) ભાનાવાડી ગામે ગામઠાણ ફળિયામાં પ્રિતેશ ચંપક ગામીત લગ્નમાં (Marriage) નાચવા બાબતે છોકરાઓમાં થયેલા ઝઘડામાં વચ્ચે પડતાં તેમને ચાર જણાએ ઘરે જઈ ઢોર માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર (Father-Son) સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઇ છે. જ્યારે સામે પક્ષે પણ દીકરાને મારવા બદલ પિતાએ ફરિયાદ નોંધાવી હોવાથી બંને પક્ષે સામસામે ગુનો નોંધી પોલીસે (Police) વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાનાવાડીના પ્રિતેશ ગામીત પોતાના કુટુંબી અભય બચુ ગામીતના ઘરે લગ્નપ્રસંગમાં ગયા હતા. એ વખતે તા.૯/૬/૨૦૨૨ના રોજ મધ્ય રાત્રિના ૧:૩૦થી ૨ વાગ્યાના અરસામાં બાદલ સંદીપ ગામીતનો ગામના છોકરાઓ સાથે લગ્નમાં નાચવા બાબતે બોલાચાલી થતાં તેઓ છોડાવવા માટે ગયા હતા. જેમાં બાદલ ગામીતે પોતાના પિતા સંદીપ ગુમાન ગામીતને આ મામલે ફરિયાદ કરતાં તેઓ સવજી ચેમટા ગામીત તથા અનિલ રંગજી ગામીત સાથે પ્રિતેશ ગામીતના ઘરે જઇ તેની પત્ની ગીતાબેન તથા દીકરી શ્રુતિ સાથે ગાળાગાળી કરી હતી. એ દરમિયાન પ્રિતેશ ગામીત ત્યાં આવી જતાં સંદીપે પ્રિતેશે જ તમને લગ્નમાં માર્યો છે. તેને મારો તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. પ્રિતેશની પત્ની ગીતાબેન તથા દીકરી શ્રુતિ છોડાવવા વચ્ચે પડતાં તેઓની સાથે પણ હાથાપાઇ કરી હતી. અનિલે શ્રુતિને ધક્કો મારી દેતાં તે ગટરમાં પડી ગઈ હતી, જેમાં તેને જમણા પગે ઇજા થઇ હતી.
સંદીપે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ મામલે હુમલો કરનારા અનિલ રંગજી ગામીત, સવજી ચેમટા ગામીત, બાદલ સંદીપ ગામીત, સંદીપ ગુમાન ગામીત વિરુદ્ધ પ્રિતેશ ગામીતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સામે પક્ષે સંદીપ ગામીતે પ્રિતેશ ચંપક ગામીત વિરુદ્ધ પોતાના દીકરા બાદલને લાફો માર્યો હોવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ ફરિયાદ આપતાં તેઓ વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો હતો
ઝઘડિયાનાં લીંબેટ ગામે પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યા
ઝઘડિયા: ઝઘડિયાના લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા બાદમાં ઇજાગ્રસ્ત પિતાને પુત્ર સારવાર માટે લાવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પોલીસે મૃતકના સગા દીકરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામે રહેતા સંજય વસાવા પોતાના જ પિતા છનાભાઈ વસાવાને કોઈ બાબતે ઝઘડો કરી સગા દીકરાએ જ ગુસ્સામાં આવી લાકડાના સપાટા મારી દેતાં પિતાને ગંભીર ઇજા પહોંચાડી દીધી હતી. જો કે, બાદમાં હુમલો કરનાર પુત્ર સંજય વસાવા પોતે જ પોતાના પિતાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા એક રાત્રિની સારવાર બાદ વહેલી સવારે મોત થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજપારડી પોલીસે અત્યારે પુત્ર સંજય વસાવાની ધરપકડ કરી હતી.