શિશ્નના કદ, આકાર ક્ષમતામાં બદલાવ
મરની અસર શિશ્ન સહિત વ્યક્તિના શરીરના દરેક ભાગ પર વર્તાય છે. વ્યક્તિ જેવો ચાલીસીમાં પહોંચે કે તેના અંડકોષ દ્વારા કરાતા ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન તમારા શિશ્નને તરુણાવસ્થા દરમિયાન વધવામાં મદદ કરે છે અને તમારી સેક્સ ડ્રાઇવને વેગ આપે છે. વધતી ઉંમરને લગતી અન્ય બાબતોની સાથે સાથે ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો એ સૌથી મહત્ત્વપૂર્ણ અંગના કદ, આકાર અને કાર્યમાં ફેરફાર કરી શકે છે.
પ્યુબિક હેરના રંગમાં બદલાવ આવે છે
તમારા માથા પરના વાળની જેમ જ દરેક પ્યુબિક હેરના ફોલિકલની અંદરના રંગદ્રવ્ય કોષો મેલેનિન નામનું રસાયણ ઉત્પન્ન કરે છે. જે તમારા વાળના બ્લોન્ડ, બ્રાઉન કે કાળા રંગ માટે જવાબદાર છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ મેલેનિનનું ઉત્પાદન ધીમું થાય છે અને તમારા પ્યુબિક વાળ ભૂખરા અથવા સફેદ થઈ જાય છે. તમારા પ્યુબિક હેર 35 વર્ષે સફેદ થાય છે કે 65 વર્ષની ઉંમરે તેનો ઘણો ખરો આધાર તમારા માતાપિતા પાસેથી વારસામાં મળેલા જનીનો પર રહેલો છે.
શિશ્નના કદમાં સંકોચન થાય છે
શિશ્નના કદમાં ઘટાડો વય સંબંધિત પરિસ્થિતિઓને કારણે હોઈ શકે છે. જેમ કે હાઈ બ્લડપ્રેશર અથવા રક્તવાહિનીઓમાં એથોરોસ્ક્લેરોસિસને લીધે તેમાં લોહીના પ્રવાહમાં ઘટાડો થાય છે. ટેસ્ટોસ્ટેરોનના નીચા સ્તરની સાથે લોહીના પ્રવાહમાં ઘટાડો થવાથી આ અંગ નાનું થઈ શકે છે. શરીરની ચરબીમાં વધારો થવાથી પણ લંબાઈમાં ઘટાડો થયાનો ભ્રમ પેદા થાય છે. પેટની ચરબીના સ્તર શિશ્નને આંશિક રીતે છુપાવે છે. જેના કારણે તે ખરેખર છે તેના કરતાં નાનું દેખાય છે.
શિશ્ન વળી જાય છે
કેટલાક પુરુષોમાં વધતી ઉંમરની સાથે સાથે શિશ્નમાં વળાંક આવી જાય છે. જેનાથી શિશ્નની લંબાઈ, આકાર તથા કામગીરી પર અસર થાય છે. આ સ્થિતિને પેરોનીસ ડિસીઝ કહે છે. આ સ્થિતિને સર્જરી દ્વારા અથવા દવાઓ દ્વારા સુધારી શકાય છે પરંતુ સૌથી અગત્યનું છે વળાંકને આગળ વધતો અટકાવવાનું.
અંડકોષમાં સંકોચન
ટેસ્ટોસ્ટેરોનમાં થતાં ઘટાડાના કારણોસર તમારું શિશ્ન ઉંમર સાથે સંકોચાય છે અને સાથે સાથે તમારા અંડકોષમાં પણ સંકોચ થાય છે. ઈજા, લોહીનો ઓછો પ્રવાહ અને એનાબોલિક સ્ટેરોઇડ (કૃત્રિમ ટેસ્ટોસ્ટેરોન)નો ઉપયોગ પણ કદમાં ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે. નાનું અંડકોષ ક્યારેક અંડકોષના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમને અન્ય લક્ષણો હોય જેમ કે સોજો, ગઠ્ઠો અથવા અંડકોષમાં ભારેપણું લાગતું હોય તો સેક્સોલોજિસ્ટની સલાહ લો.
વૃષણ કોથળી શિથિલ થઈ જાય છે
જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચા કુદરતી રીતે ઓછી સ્થિતિસ્થાપક બને છે. તમારા ચહેરા અને ગરદનની કરચલીની જેમ જ અંડકોષને આવરી લેતી ત્વચા પણ ઢીલી પડે છે. જો શિથિલ થઈ લબડી પડેલા અંડકોષને જોઈને તમને ચિંતા થતી હોય અથવા તેના જાંઘ પર ઘસાવાથી દુખાવો થતો હોય તો તમે વૃષણ કોથળીને ચુસ્ત બનાવવા સ્ક્રોટલ કાયાકલ્પ સર્જરી કરાવી શકો છો.
શિશ્નના અગ્રભાગના રંગમાં ફેરફાર થાય છે
જેમ જેમ તમારી ઉંમરમાં વધારો થશે તેમ તેમ તમારી રક્તવાહિનીઓની દીવાલોની અંદર ચરબીના સ્તર જમા થશે અને તેમાંથી વહેતા લોહીનો જથ્થો મર્યાદિત થવા લાગે છે. શિશ્નની આગળના ટોચના ભાગનો ગુલાબી રંગ લોહીને આભારી છે.
જેમ જેમ લોહીનો પ્રવાહ ધીમો પડે છે તેમ તેમ શિશ્નના અગ્રભાગનો રંગ આછો થતો જાય છે. શિશ્નના રંગમાં ફેરફાર એ કેન્સરની નિશાની ભાગ્યે જ હોય છે. જો તમને પણ શિશ્ન પર સોજો અથવા દુખાવો કે અન્ય લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.
પ્યુબિક વાળ જતાં રહે છે
પ્યુબિક વાળની જાડાઈ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે અને તમે તેની કેટલી માવજત કરો છો તેના પર તેનો આધાર રહેલો છે. તમારા શિશ્નની આસપાસના વાળ, તમારા માથા પરના વાળની જેમ ઉંમર સાથે પાતળા થાય છે. માથાના વાળની તુલનાએ નીચેના વાળ બહુ ઓછા જોવામાં આવતા હોઈ તમને ત્યાં કંઈ કરવાની જરૂર નહીં જણાય.
તેની ક્ષમતામાં ઘટાડો થાય છે.
જુવાનીમાં તો માત્ર એક નાનો સરખો નોટી વિચાર પણ તમને ઉત્તેજિત કરવા માટે કે શિશ્નોત્થાન માટે પૂરતો હતો પણ હવે ઉંમર વધવાને કારણે તમારા હોર્મોનના સ્તરમાં ઘટાડો થયો છે. લોહીના પરિભ્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઘણી વાર ડાયાબિટીસના લીધે જ્ઞાનતંતુઓને નુકસાન થઈ રહ્યું હોવાથી હવે શિશ્નોત્થાન કરવામાં મુશ્કેલી અનુભવાય છે. વધતી ઉંમરની સાથે શિશ્નોત્થાનની સમસ્યામાં વધારો થાય છે. 60 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 65 % પુરુષોને શિશ્નોત્થાનમાં તકલીફ પડતી હોય છે. સદનસીબે સેક્સોલોજિસ્ટ પાસે આ સમસ્યાની સંખ્યાબંધ દવાઓ, ઉપકરણો અને સર્જિકલ સોલ્યુશન્સ છે જેથી હવે પુરુષ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે.