ભારતની આજની શિક્ષણવ્યવસ્થાની ખામીઓ માટે આજથી 200 વરસ અગાઉ થઈ ગયેલા લોર્ડ મેકોલેને જવાબદાર ગણાવાય છે. જેમને પોતાની આઠમી કે દસમી પેઢીનાં નામ યાદ નથી. તેઓ સ્ટેજ પર લોર્ડ મેકોલેને જરૂર યાદ કરે. આપણને કલાર્ક બનાવ્યા એ માટે પણ એ 200 વરસ અગાઉ શું હતું? અને 200 વરસમાં આપણે શું કર્યું તેનો કોઈ વિચાર કરવો જરૂરી કે નહીં? માત્ર 100 વરસમાં શું નું શું થઈ જાય. સોવિયેત સંઘ રચાય અને એ તોતિંગ તૂટી પડે. ચીન આખું સામ્યવાદી બની જાય. ઈંગ્લિશ જેક (વાવટો) સંકેલાઈ ગયો અને આપણે કામના કે નકામા બન્યા તે માટે મેકોલે જવાબદાર. 200 વરસમાં આપણે જે કંઈ કર્યું તે માટે આપણે જ જવાબદાર. કમ સે કમ મેકોલેની શિક્ષણપદ્ધતિએ વાંચતા, લખતાં શિખવ્યું. એ પછી શું વાંચવું અને ભણવું એ આપણી જવાબદારી છે.
હમણાં આદિત્યનાથ યોગીની સરકારે શિક્ષકોની ક્ષમતાની તપાસ કરાવી તો અમુક શિક્ષકોને એટલું જ આવડતું હતું જેટલું તેઓ તેમની માતાના પેટમાં હતા ત્યારે આવડતું હતું. ઉત્તરપ્રદેશમાં ધડ ઉપર માથું અને એ માથું યાદવ કૂળનું હોય તે શિક્ષક બનવાની લાયકાત હતી. દેશમાં દરેક સ્થળે મા-બાપો પરીક્ષા કેન્દ્રો પર બાળકોને ચોરી કરાવવા માટે ટોળે વળીને જાય તેને મેકોલેએ જરૂરી ગણાવ્યું નથી. આખી વ્યવસ્થા જ ભ્રષ્ટાચારનો ભોગ બની છે. અગાઉ કોઈ બહેન વિધવા બને એટલે શિક્ષિકા બનાવી દેતા. આ સમાચાર જ એ વાત ઠસાવી દે છે કે પાલિકાની કે સરકારી શાળાઓમાં ભાગ્યે જ કોઈ સફળ બને. પગાર તો બંને પ્રકારની શાળાઓમાં એક સરખો અપાય છે.
આપણી શાળાઓમાં વિદ્યાર્થીઓના બે વર્ગ પડી જાય છે. એક, 4થી 5% તેજસ્વીઓ અને બાકીના 90 થી 95 % વિદ્યાર્થીઓ, તેઓ તરફ ખાસ ધ્યાન ન અપાય. તેઓ અરધેથી શિક્ષણ પડતું મૂકે. રઝળતાં થઈ જાય. આ જે 90 % વિદ્યાર્થીઓ છે તેમને શ્રેષ્ઠ અને કાર્યક્ષમ નાગરિકો બનાવવા એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. વિકસિત દેશોમાં એ હેતુ મહત્ત્વનો રખાયો છે. ભારતમાં અને અવિકસિત કે વિકસી રહેલા દેશોમાં ઓછા સ્માર્ટ વિદ્યાર્થીઓને નાસીપાસ કરાય છે. આ ફરક દેશનું ભવિષ્ય નક્કી કરે છે.નાણાંકીય બાબતો સિવાયની બીજી સમસ્યાઓ પણ નડે છે.
રાજકીય વ્યવસ્થાપન શિક્ષણને જેટલું મહત્ત્વ આપે, શિક્ષણ માટે જે સમય ફાળવવામાં આવે, શિક્ષણ માટે જે ફિલોસોફી અપનાવવામાં આવે તે બધાની શિક્ષણ પર અસર પડે છે. ધાર્મિક સંસ્થાઓમાં ભણેલા વિદ્યાર્થીઓ મોટા થઈને મૌલવી કે કર્મકાંડી બને છે અને વર્તમાન વિશ્વથી તેઓનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે. દક્ષિણ કોરિયાના બાળકો વરસમાં 220 દિવસ શાળામાં હાજરી આપે છે. તેની સામે અમેરિકામાં બાળકોએ 180 દિવસ હાજર રહેવાનું હોય છે. વરસ 2010માં શાળામાંથી કોલેજોમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ દુનિયાના 27 દેશોમાંથી અમેરિકાનો ક્રમ પાંચમો હતો. પણ કોલેજનો અભ્યાસ પૂરો કરી ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ USAનો ક્રમ સોળમો હતો.
મતલબ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેતા હતા. તેનું એક કારણ એ પણ કે ત્યાં હરકોઈને યોગ્યતા અનુસાર આસાનીથી નોકરી મળી જાય છે. આથી કોલેજના બોરડમ કરતાં વિદ્યાર્થીઓ ઓછા પગારની નોકરીઓ સ્વીકારી લે છે. અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં કોલેજનો અભ્યાસ ખૂબ ખર્ચાળ હોય છે. અશ્વેત સમુદાયના વિદ્યાર્થીઓ નાનીમોટી નોકરી કરી આવક પસંદ કરે છે. વિદ્યાર્થીઓમાં અન્ય દૂષણો પણ વ્યાપક છે.
અમેરિકામાં પણ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત (કે બદનામ) શાળા-કોલેજોના બે વર્ગ હોય છે. બહારથી ઈમારત ખૂબ સુંદર હોય પણ આબરૂ શૂન્ય હોય. આ વધુ પડતી લોકશાહી અને તેમાંથી નીપજતી સ્વછંદતાનું પરિણામ છે. વિશ્વમાં વિજ્ઞાન અને ગણિતના રેન્કીંગમાં એક સમયે અમેરિકાના વિદ્યાર્થીઓનો ક્રમ પંદરમો હતો તે ઘટીને 2010માં ચ્ચીસમો થયો હતો. તેનો અર્થ સાવ એ નથી કે શિક્ષણ કથળ્યું છે. આજે વિજ્ઞાન અને ગણિતની બાબતમાં ચીનનું શાંઘાઈ, ફિનલેન્ડ, હોંગકોંગ અને સિંગાપુરમાંથી દુનિયાના શ્રેષ્ઠ સ્નાતકો બહાર પડે છે.
ભારતમાં દર વરસે વિદેશોમાંથી લગભગ 30 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પણ 8 લાખ જેટલા વિદેશોમાં ભણવા જાય. રશિયા, યુક્રેન, લિથુઆનીઆ, ચીન, ફિલિપાઈન્સ જેવા દૂરદરાજના નાનામોટા દેશોમાં દાકતરીના અભ્યાસ માટે ખાસ જાય. ભારતમાં છેલ્લા બે દસકમાં હાઈસ્કૂલોના શિક્ષણ અને માળખામાં ખૂબ મોટો સુધારો થયો છે. હાઈસ્કૂલોની બાબતમાં અમેરિકા, ચીન પછી ભારતનો ત્રીજો ક્રમ આવે છે. હજારો યુનિવર્સિટીઓ ખૂલી છે. કેટલીક સરકારી કેટલીક ખાનગી. પસંદગી માટેના વિષયો પણ ઘણા વધ્યા છે. 2018માં QS હાયર એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રેંથ રેકિંગ્સમાં ભારતની હાયર એજ્યુકેશન સિસ્ટમ 26મા ક્રમે હતી. એન્જિનીઅરિંગ અને ટેકનોલોજીના વિષયોમાં ભારતે દુનિયામાં સારી નામના મેળવી છે.
જુદાં જુદાં શહેરોમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) અને બેંગ્લોર ખાતેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISC) ની જગતમાં ઊંચી પ્રતિષ્ઠા છે. ભારતમાં હાલમાં 23 IIT સંસ્થા દેશના વિવિધ શહેરોમાં છે. ‘QS ઈન્ડિયા યુનિવર્સિટી રેંકીગ્સમાં ભારતની 75 યુનિવર્સિટીઓ છે જેમાં પ્રથમ દસમાં મુખ્યત્વે IITઝ છે. યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો સાતમો, દિલ્હી યુનિવર્સિટીનો આઠમો, કોલકતાનો અગિયારમો અને જાદવપુર યુનિવર્સિટીનો બારમો ક્રમ છે. રાજસ્થાનનું કોટા આજે ટેકનોલોજી અને વિજ્ઞાનના અભ્યાસ માટેનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. IIT મુંબઈ ભારતમાં પ્રથમ ક્રમાંક છે પરંતુ વિશ્વમાં 172મી રેન્ક પર છે. આમ છતાં 2019માં લગભગ પોણા આઠ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા ગયા હતા અને એક ગણતરી મુજબ 2024માં 18 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જશે. તેઓ વિદેશમાં શિક્ષણ પ્રાપ્તિ માટે લગભગ 80 અબજ ડોલરનો ખર્ચ કરશે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષણમાં શ્રેષ્ઠતા બાબતે સ્કેન્ડિનેવિયન અર્થાત ઉત્તરીય યુરોપના દેશોનું નામ મનભેર લેવાય છે. તેમાંય ફીનલેન્ડ અવ્વલ દરજ્જા પર આવે છે. સાંસ્કૃતિક રીતે તો ફીનલેન્ડ અને અમેરિકામાં વધુ સામ્ય છે પરંતુ ફીનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા શ્રેષ્ઠતમ ગણાય છે. શા માટે? એટલા માટે કે છેલ્લા ત્રણ દસકથી ફિનલેન્ડે પોતાનાં બાળકોને ઉત્તમ શિક્ષણ આપી શ્રેષ્ઠતમ નાગરિકો પેદા કરવાનું જાણે કે વ્રત લીધું છે. વિદ્યાર્થીઓને ખૂબ વધુ કલાકો ભણાવવાનો આગ્રહ પણ ન રાખ્યો. દક્ષિણ કોરિયા અને સિંગાપુરમાં બાળકોએ હજી પ્રમાણમાં વધુ કલાકો આપવા પડે છે. ફીનલેન્ડે મારિયા મોન્ટેસરીની કેટલીક પદ્ધતિઓ અપનાવી છે. નવાઈની વાત એ છે કે મારિયાએ ભારતમાં અનેક વરસો ગાળ્યાં અને મોન્ટેસરીનો મજબૂત પાયો નાખ્યો પણ નર્સરીમાં મારિયાના આદર્શ નિયમોનું પાલન કરીને ચાલતી ભાગ્યે જ કોઈ નર્સરી સ્કૂલ છે. જ્યારે અમેરિકામાં મોન્ટેસરી પદ્ધતિ પ્રમાણે ચાલતું મોન્ટેસરી ઓર્ગેનિઝેશન જગતનું સૌથી મોટું બાળશિક્ષણ ઓર્ગેનિઝેશન છે.
ગાયકવાડના સમયમાં મનાતું કે ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રૂમઝુમ’ અમિતાભ બચ્ચને પણ દૂન સ્કૂલમાં શિક્ષકનો માર ખાધો હતો તેની વાત હળવી શૈલીમાં કરી છે. ઘણા માને છે કે બાળકો શિક્ષા કરો તો જ શીખે. અગાઉ શિક્ષકો બાળકોને મારે તો કોઈ ફરિયાદ કરતું ન હતું અને ગાયકવાડની શાળાઓનો પ્રતાપ અને પરિણામ સારા જોવા મળ્યા હતા. વડોદરા (બરોડા) યુનિવર્સિટીની જગતમાં એક સમયે ખૂબ ઊંચી આબરૂ હતી. એ સમયે ગુજરાતના ઘણા મહાનુભાવો અમરેલીમાં ભણ્યા હતા. જેમ કે ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા, કવિ કાન્ત, કલાપી ઝવેરચંદ મેઘાણી, અનકચન્દ્ર ભાયાવાળા, સુમિત્રાબેન ભટ્ટ, નરભેરામ પાણેરી. દ્વારકાદાસ પટેલ વગેરે. આ સિવાય ઘણાં નામો છે એટલે ત્યારની શિક્ષણપદ્ધતિ સારી ન હતી એમ કહી ન શકાય. પણ આજે વિદ્યાર્થીને મારવાની છૂટ નથી. અમેરિકા કે યુરોપમાં તમે ઘરમાં પણ તમારા બાળકને મારી શકતા નથી.
ભારત કે અન્ય દેશોની શિક્ષણવ્યવસ્થામાં, બાળકોને શિક્ષા કરવી, વર્ગની બહાર કાઢી મૂકવો વગેરે સહજ અને સ્વાભાવિક ગણાય તે ફીનલેન્ડની શિક્ષણ વ્યવસ્થામાં અસહજ અને અસ્વાભાવિક છે. આપણી રોજબરોજની માન્યતાઓ ત્યાં અસ્વીકાર્ય છે. ત્યાં બાળક 7 વરસનું થાય ત્યાર બાદ જ સ્કૂલમાં દાખલ થઈ શકે. બાળકોને વધુ સમય માટે રિસેસ મળે અને શાળામાં પ્રમાણમાં ઓછો સમય ગાળવાનો હોય. અમેરિકાના બાળકો પ્રાથમિક શાળામાં જેટલા કલાકો વરસમાં ગાળે તેના પ્રમાણમાં ફીનલેન્ડના બાળકો 300 કલાક ઓછા ગાળે.
તેઓને ખાસ હોમવર્ક આપવામાં આવતું નથી. ફિનલેન્ડમાં કોઈ ખાસ શાળા નથી અને રાષ્ટ્રીય સ્તરે, અવ્વલ દરજ્જાની ગણાતી કોઈ નિર્ધારિત જ્ઞાનની ટેસ્ટ કે પરીક્ષા હોતી નથી. ફીનલેન્ડના અગત્યતાક્રમો અમેરિકાથી પણ જુદા પડે છે. ફીનલેન્ડમાં એ વાત પર જોર અપાય છે કે ઉચ્ચ દરજ્જાના શૈક્ષણિક અને રાષ્ટ્રીય સંસાધનો, સાધનો એ લોકોના ફાળે જવા જોઈએ જેમને તેની ખાસ જરૂર છે. એ વિદ્યાર્થીને મદદ અને તમામ પ્રકારની સહાયતા પૂરી પાડવી જેની પાસે તે નથી. ફીનલેન્ડમાં એવા લોકોને શિક્ષકો તરીકે પસંદ કરાય છે જેઓ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીમાં ટોચની 10 % વિદ્યાર્થીઓમાં ઉત્તીર્ણ થયા હોય. ફીનલેન્ડમાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની સમતુલા જાળવવામાં આવી છે. અમુક ફાયદાઓ શિક્ષણના કેન્દ્રીયકરણને કારણે મળતા હોય છે.
ફિનલેન્ડની સરકારના એક શિક્ષણ મંત્રીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘‘1960ના દસકમાં અમે નક્કી કર્યું કે અમે તમામને મફતમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપીશું. ત્યાં સુધી કે યુનિવર્સિટીનું શિક્ષણ પણ મફતમાં અપાય છે. શિક્ષકો માટે પણ ફિનલેન્ડમાં અલગ માપદંડો અપનાવવામાં આવ્યા છે. ત્યાં શિક્ષકોની પરીક્ષાઓ કે કસોટીઓ લેવામાં આવતી નથી. તેઓની પાસેથી તેઓના જ્ઞાનના પુરાવા માગવામાં આવતા નથી. એક વખત તેઓ શિક્ષક બની ગયા પછી તેઓને ફરી ફરીને ટ્રેનિંગ આપવામાં સમય કે નાણાં વેડફવામાં આવતાં નથી. માસ્ટર ડિગ્રી ધરાવતા શ્રેષ્ઠ 10%ના લોટમાંથી શિક્ષકો પસંદ કરાયા હોય તેથી કોઈ આમજી ભામજી શિક્ષક બની શક્તા નથી.
જે બને છે તે પોતાની યોગ્યતાને સજ્જ રાખતા હોય છે. ફીનલેન્ડની શાળાના બાળકો હંમેશાં નિપુણ જ બને એવું નથી. પરંતુ જે વ્યવસ્થા છે તેમાં લગભગ તમામ બાળકોને યોગ્યતા પ્રાપ્ત કરવાની તક મળે છે. એટલે એવું નથી બનતું કે ગામમાં કે શહેરમાં 20 જણ ભણેલા કે જ્ઞાની હોય અને બાકીના ઠોઠ હોય. ભણેલાઓનો એક વધુ મજબૂત સમુદાય ફીનલેન્ડમાં પેદા થયો છે. એ રીતે આ શિક્ષણપદ્ધતિ મજબૂત અને સ્વસ્થ છે. તમામ બાળકોનો એમની યોગ્યતા, ક્ષમતા પ્રમાણે પોતાની પસંદગીના ક્ષેત્રમાં વિકાસ થાય છે. દરેકને સમાન તકો મળે અને આદર્શ શિક્ષકો પસંદ કરવામાં આવે તો જ આ શક્ય બને. તેના સારા પરિણામો મળ્યા છે. થોડા વરસ અગાઉ OECDના દેશોના 16 વરસથી માંડીને 65 વરસની ઉંમરના લોકોના સર્વગ્રાહી જ્ઞાનનો અભ્યાસ થયો હતો. તેમાં આજના ટેકનોલોજીમય યુગના પ્રશ્નો અને કોયડાઓ ઉકેલવાના હતા. તમામ વિષયોમાં ફીનલેન્ડ લોકો સૌથી મોખરે રહ્યા હતા.