Dakshin Gujarat

‘હું તો આજે જ બાથરૂમ બનાવીશ, તારાથી થાય તે કરી લે’ મહિલાએ પાડોશીને આપી ધમકી

નવસારી : ઘેલખડીમાં ઘણા સમયથી જગ્યા બાબતે વિવાદ ચાલતા પાડોશી (Neighbor) એ જગ્યાની માપણી કર્યા વિના બાથરૂમ બનાવતા ઝઘડો (Quarrel) થયો હતો. જેમાં બે યુવાનો લોહીલુહાણ થઇ જતા મામલો નવસારી (Navsari) ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 7 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • ઘેલખડીમાં જગ્યાની માપણી કર્યા વિના બાથરૂમ બનાવતા પાડોશી ઝઘડ્યા, બે લોહીલુહાણ
  • મારામારી થતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ 7 સામે ગુનો નોંધ્યો

મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી ભગત ફળીયામાં રહેતા બાબુભાઈ રમણભાઈ સોલંકીના ઘરની બાજુમાં આશાબેન ભરતભાઈ ચાવડાનું ઘર આવ્યું છે. જેની સાથે ઘરની બાજુમાં આવેલી જગ્યા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. બાબુભાઈ અને આશાબેનના ઘરની વચ્ચેની જગ્યામાં આશાબેન બાથરૂમ બનાવવાની વાત કરતા હતા. પરંતુ બાબુભાઈએ સીટી સર્વેમાંથી માપણી કરવાવાળા આવનાર છે, તેઓ માપણી કરી ઘરની વચ્ચેની જગ્યા બાબતેની માલિકીનો ખુલાસો કરે પછી તું બાથરૂમ બનાવજે તેમ જણાવ્યું હતું.

ગત 11મીએ આશાબેન બાથરૂમ બનાવવા માટે ના પાડી હોવા છતાં તેણે કડિયાને બોલાવી બાથરૂમ બનાવવાનું કામ ચાલુ કરી દીધું હોવા બાબતે બાબુભાઈના પુત્ર યશે બાબુભાઈને જાણ કરી હતી. જેથી બાબુભાઈ આશાબેન પાસે જઈ આપણી વચ્ચે જમીનની માપણી થયા બાદ બાથરૂમ બનાવવાની માટેની વાત થયેલી છે તું કેમ અત્યારે માપણી થયા પહેલા બાથરૂમ બનાવે છે તેમ કહેતા આશાબેન બાબુભાઈ પર ગુસ્સે થઇ હું તો આજે જ બાથરૂમ બનાવીશ તારાથી થાય તે કરી લે. તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોકે બાબુભાઈ તેમના ઘરે જતા રહ્યા હતા. દરમિયાન બપોરે ભગત ફળીયામાં રહેતા રમણભાઈ, સુનીલભાઈ, વિશાલભાઈ અને અંકુશભાઇ બાબુભાઈના ઘરે જઈ રમણભાઈએ બાબુભાઇને પાછળથી પકડ્યો હતો. ત્યારે સુનીલભાઈએ તીક્ષ્ણ પંચ વડે જમણી આંખ પાસે મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું.

ત્યારે બાબુભાઈનો દીકરો રાજને વિશાલે લોખંડની પાઈપ વડે માથાના ભાગે મારી દેતા તેને પણ લોહી નીકળવા લાગ્યું હતું. જોકે છોડાવવા આવેલા રોહિત પરમારને અંકુશભાઈએ લોખંડના પંચ વડે કપાળના ભાગે માર મારતા લોહી નીકળવા લાગ્યું હતું. તે સમયે અન્ય પાડોશીઓ ભેગા થઇ જતા રમણભાઈ, સુનીલભાઈ, વિશાલભાઈ અને અંકુશભાઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જ્યારે બાબુભાઈ, રાજ અને રોહિતને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે બાબુભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે રમણભાઈ, સુનીલભાઈ, વિશાલભાઈ અને અંકુશભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામે પક્ષે બાબુભાઈ, રાજ અને રોહિતે આશાબેન અને તેમના દીકરા અંકુશને માર માર્યો હતો. જે બાબતે આશાબેને નવસારી ટાઉન પોલીસ મથકે બાબુભાઈ, રાજ ઉર્ફે અર્જુન અને રોહિત ઉર્ફે રાહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 7 સામે ગુનો નોંધી આગળની તપાસ હે.કો. સુરેશભાઈને સોંપી છે.

Most Popular

To Top