Comments

મનફાવે એટલી રજા લો..પગાર સાથે!

એ તો તમને ખબર જ છે કે સ્પ્રિંગને જેટલી જોરથી દબાવો એનાથી બમણી એ ઊછળે. કોઈ પર પણ પ્રતિબંધ મૂકો એટલે એનો અનાદર વધુ જ થાય પછી એ પુસ્તક હોય – ફિલ્મ હોય કે પછી કોઈ વેબસાઈટ હોય. આ માનવસહજ સ્વભાવ છે કે ના કરવાનું પહેલાં કરે. …દરેક ઑફિસમાં નિયત કરેલી સત્તાવાર રજા મળે તેમ છતાં કેટલાકની આદત હોય કે એક યા બીજા બહાનાસર ઑફિસથી ગુટલી મારે એટલે મારે.

એમાં બૉસના પૂજ્ય પિતાશ્રી પણ એને કદાચ ટોકી શકે પણ રોકી તો ન જ શકે.… આવા બહાનાંબાજ ગુટલીખોરો માટે આનંદથી ઊછળી પડે એવા સમાચાર હમણાં એ આવ્યા છે કે ઑફિસમાંથી તમે ધારો- ઈચ્છો એટલી રજા લઈ શકો અને એ પણ પગાર કપાયા વિના! પ્યુનથી લઈને સીનિયર સહકર્મીને – બધાને અનલિમિટેડ લીવ આપતી-મંજૂર કરતી આ ઑફિસની એક માત્ર શરત એટલી જ કે આગોતરા કહીને રજા લેવાની પછી એ 2 દિવસની હોય-5 દિવસની હોય કે પછી 15!  આવા ‘નો લિમિટ’ લીવના ‘બ્રેકિંગ ન્યૂઝ’ મળતાં બધા કર્મચારીઓ જબરા ગેલમાં આવી ગયા. ન માન્યામાં આવે એવા સમાચાર હતા એટલે શરૂઆતમાં બધા રજા લેતા પહેલાં થોડા સંકોચ સાથે એના ઉપરીને સામેથી પૂછવા જાય : ‘‘સર, 5 દિવસ ઑફિસે ન આવું તો ચાલે ને?!’’

 ‘‘અરે,ચાલે …ચાલે. જા, મોજ કર!’’ એવા જવાબ બૉસ પાસેથી મળવા માંડ્યા પછી બધાને થયું : ‘‘મારું બેટું, આ સપનું નથી -સાચું છે…. આવી ‘નો લિમિટ લીવ’ આપતી પેલી ઑફિસના બૉસ પણ કહે છે : ‘‘અમારી કંપનીએ સ્ટાફ પર આવો ભરોસો મૂક્યો છે કે રજા જોઈએ એટલી લો …પણ અમારાં કામનો ટાર્ગેટ પૂરો કરો એટલે પત્યું!’’  કોઈને ઠાંસી ઠાંસીને- ભરપેટ જમાડી દો પછી ભૂખ ન લાગે એવું જ અહીં રજાનું થયું છે. આવી રીતિ-નીતિને લીધે આજે સ્ટાફવાળા જરૂર ન હોય તો વધારાની લીવ -રજા લેતા નથી ને આ કંપની ધમધોકાર ચાલે છે ને નફો પણ કરે છે.  સૉરી, મિત્રો… આ કોઈ ભારતીય કંપની નથી. આવી ‘નો લિમિટ લીવ’ આપે છે ન્યૂઝિલેન્ડની ‘ઍકશન સ્ટેપ’ નામની એક સોફટવેર કંપની…!

વિવાદમાં ય માસ્ટર મિસ્ટર મસ્ક
વિશ્વના સૌથી વધુ શ્રીમંત ઈલોન મસ્ક પાસે એક વિશેષ આવડત છે કે હંમેશાં કઈ રીતે સમાચારમાં છવાઈ રહેવું. આ ખાસિયતને લીધે એમને જેટલા ફાયદા થાય છે એટલા જ એ વાદ-વિવાદમાં પણ રહે છે. એક તરફ, હમણાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ‘ટ્વિટર’ને ખરીદી લીધી પછી એના વિવાદમાં ઈલોન અટવાયા છે તો બીજી તરફ એમનું નામ અન્ય એક કિસ્સામાં પણ સંડોવાયું છે. તમે જાણો છો તેમ હૉલિવૂડના સુપરસ્ટાર જૉની ડેપ અને એની ભૂતપૂર્વ એકટ્રેસ વાઈફ એમ્બર હર્ડ વચ્ચે છેલ્લાં છ અઠવાડિયાંથી ચકચારભર્યો બદનક્ષીનો કેસ ચાલતો હતો. આ માનહાનિના કેસમાં એમ્બર હર્ડ પરાજિત થતાં એણે પોતાના ભૂતપૂર્વ પતિ જૉની ડેપને બદનક્ષી પેટે અભૂતપૂર્વ 15 મિલિયન ડોલર(આશરે 1 અબજ 16 કરોડથી વધુ રૂપિયા) ચૂકવવા પડશે.

 તમને થશે આ કેસમાં પેલા સૌથી વધુ ધનવાન મિસ્ટર ઈલોન મસ્ક વળી કયાંથી સંડોવાઈ ગયા? વેલ, આ કેસમાં એવું પણ બહાર આવ્યું કે ઈલોન એક જમાનામાં ફૂટડી અભિનેત્રી એમ્બર હર્ડના પ્રેમમાં પાગલ હતા અને એમ્બરના મેરેજ જૉની ડેપ સાથે થઈ ગયા પછી પણ ઈલોન-એમ્બરનું ઈલ્લુ..ઈલ્લુ ચાલુ હતું. એક અહેવાલ મુજબ, એમ્બર-ઈલોન અને કારા ડેલેવિંગન નામની અન્ય એક જાણીતી મોડલ- અભિનેત્રી જૉની ડેપના જ બેડરૂમમાં રાત સાથે ગાળતાં હતાં જ્યારે જૉની શૂટિંગ માટે બહારગામ જતો…!  સત્તાવાર રીતે તો ઈલોન મસ્ક કે એમની કહેવાતી પ્રેમિકા એમ્બર હર્ડે આ ‘થ્રી સમ’ના સમાચારને નથી સ્વીકાર્યા કે નથી રદિયો આપ્યો. હવે જોવાનું એ રહે છે કે આ કાંડને લઈને ચોથી વ્યક્તિ એટલે કે જૉની ડેપ કોઈ નવા બદનક્ષીના આરોપ સાથે એમાં ઝુકાવે છે કે નહીં?

સ્પેનમાં હમણાં એક નવો કાયદો અમલમાં આવ્યો છે. જો કોઈ દંપતીનું લગ્નજીવન ભંગ થાય અને કોર્ટ તરફથી એમને સત્તાવાર ડિવોર્સ મળે પછી એમનાં સંતાનની સંભાળ કોણ રાખે એનો પણ ચુકાદો અપાય છે. જો કોઈ દંપતીએ શ્વાન- બિલાડી-અશ્વ કે પછી અન્ય કોઈ પ્રાણી-પક્ષી પાળ્યાં હોય તો સંતાનની જેમ જ આ મૂંગાં પ્રાણીની વેદના-સંવેદનાને ધ્યાનમાં રાખીને એમની સંભાળ પણ છૂટા પડતાં યુગલે ફરજિયાત લેવી પડશે.… આવો કાયદો ફ્રાન્સ-જર્મની- સ્વિત્ઝર્લેન્ડ- ઓસ્ટ્રલિયા જેવા દેશમાં થોડાં વર્ષથી અમલમાં છે. હવે એમાં સ્પેન પણ જોડાયું છે… ઘર-રહેઠાણને નંબર આપવાની પ્રથા સૌ પ્રથમ પેરિસમાં 1463માં શરૂ થઈ હતી. ‌લંડનમાં પણ આ શિરસ્તો શરૂ થયો છેક 300 વર્ષ પછી…!
અનુકૂળ સંજોગ આપણને સુખી કરી શકે પણ સંજોગોને અનુકૂળ બનાવીને આપણે જીવીએ તો અચૂક વધુ સુખી થઈ શકીએ…!!

Most Popular

To Top