વલસાડ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના (Narendra Modi) કાર્યક્રમ માટે વલસાડથી (Valsad) ચીખલી (Chikhli) જઇ રહેલી બસ (Bus) હાઇવે પર કુંડી ગામની હદમાં એક ઢાબા પાસે રોડથી નીચે ઉતરી ગઇ હતી. એસટી બસના ચાલકે શરાબના નશામાં બસ આડેધડ ચલાવતા બસ રોડ પરથી નીચે ઉતરી જતા સ્પાર્ક થતા બસ આકસ્મિક રીતે સળગી (Fire) ઉઠી હતી. જેના પગલે દોડધામ મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
- વલસાડથી ચીખલી જઇ રહેલી બસના ચાલકે શરાબના નશામાં આડેધડ બસ હંકારતા રોડ પરથી નીચે ઉતરી ગઇ
- બસમાં સ્પાર્ક થતા આખી બસ આગની ચપેટમાં આવી ગઈ, ડ્રાઇવરની ધરપકડ
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વલસાડથી ચીખલી જઈ રહેલી એક એસટી બસના ચાલક નરેન્દ્રસિંહ રાઠોડે શરાબના નશામાં પોતાની બસ આડેધડ હંકારતા બસ હાઈવેથી નીચે ઉતરી ગઇ હતી. જેને પગલે બસમાં સ્પાર્ક થતા તે સળગી ઉઠી હતી. જેથી આજુબાજુના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. જેમણે બસમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ઓલવાઈ ન હતી અને આખી બસ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાના પગલે ડુંગરી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમણે બસના ડ્રાઇવર નરેન્દ્રસિંહને દારૂના નશામાં પકડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને મોડી રાત્રે તેની વિરુધ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
વડાપ્રધાનના કાર્યક્રમમાં બારડોલી ડેપોની 40 બસ ફાળવી દેવાતાં મુસાફરોને હાલાકી
બારડોલી: ચીખલી તાલુકાના ખુડવેલ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જનમેદની ભેગી કરવા માટે ગુજરાત એસ.ટી.ની બસો ફાળવવામાં આવી છે. બારડોલી ડેપોમાંથી 40 જેટલી બસ ગુરુવારે બપોરથી જ ફાળવી દેવામાં આવતાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શુક્રવારે પણ નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને બસો ન મળવાથી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
શુક્રવારના રોજ યોજાનાર વડાપ્રધાનના આ કાર્યક્રમમાં તંત્ર દ્વારા અંદાજિત 4.50 લાખ લાભાર્થીઓને ભેગા કરવાનો લક્ષ્યાંક છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભીડ ભેગી કરવા માટે એસ.ટી. બસો ઉપરાંત ખાનગી વાહનો પણ ફાળવવામાં આવ્યાં છે અને વિવિધ રૂટ બનાવી વાહનો દોડાવવામાં આવશે. બારડોલી ડેપોમાંથી પણ 40 જેટલી બસો આ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. બારડોલીની તમામ બસો મહુવા તાલુકા મથકે ગુરુવારે બપોરથી જ મોકલી આપવામાં આવી છે. જ્યાંથી તાલુકાના અલગ અલગ રૂટો પર રાત્રે જ બસ મોકલી આપવામાં આવશે.
એકસાથે 40 બસ ફાળવી દેવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવશે. ખાસ કરીને નોકરિયાત વિદ્યાર્થી વર્ગને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે. બીજી તરફ બારડોલી એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસાફરોને તકલીફ ન પડે એ માટે મુખ્ય રૂટો પર વધુ બસો દોડાવી લોકોની હાલાકી ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત એક્સપ્રેસ બસોને પણ લોકલ મુસાફરોને બેસાડવા માટે સૂચના આપી હોવાનું એસ.ટી.ના અધિકારીએ જણાવ્યું હતું. લોકોને મુશ્કેલી ન પડે એ માટે ડ્રાઇવર-કંડક્ટરને ડબલ ડ્યૂટીની સૂચના આપી વધુમાં વધુ શિડ્યુલ કાર્યરત રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું એ.ટી.એસ. ઇકબાલ દૌલાએ જણાવ્યું હતું.