Columns

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ અને સપ્લિમેન્ટરી પરીક્ષાઓ

12 સામાન્ય પ્રવાહનું પરિણામ આર્ટસ અને કોમર્સનું 86.91 % આવ્યું, જે ગત વર્ષ કરતાં 3 % વધુ પરિણામ છે. આ પરિણામની ધ્યાન ખેંચે એવી મુખ્ય હાઇલાઇટસ, છોકરાઓ કરતાં છોકરીઓએ વધુ બાજી મારી. ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમવાળા વધુ વિદ્યાર્થી પાસ થયા. (કારણોનું પૃથક્કરણ કોઇક વખત કરીશું) સાથે સાથે 41,000 જેટલા વિદ્યાર્થી માત્ર કોઇ એક વિષયમાં નાપાસ થયા, જયારે 24,000 જેટલા બે વિષયમાં નાપાસ થયા અને 12,000 જેટલા ત્રણ વિષયમાં નાપાસ થયા. આમાંથી 15,000+ જેટલા વિદ્યાર્થીઓ સ્ટેટેસ્ટીકસમાં, 11,000+ જેટલા એકાઉન્ટન્સીમાં અને 12000+ જેટલા કોમ્પ્યુટર વિષયમાં નાપાસ થયા. આ ત્રણે વિષયો વાણિજ્ય શાખા માટે હાર્દ સમાન હોય છે. હવે એકબે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી પરીક્ષાની તક આપી કારકિર્દીના પંથે આગળ જવાની તકો મળશે પરંતુ સ્ટેટેસ્ટીકસ અને એકાઉન્ટન્સી જેવા વિષયમાં સપ્લિમેન્ટરી પરીક્ષાના પરિણામ(ગત વર્ષ) બતાવે છે કે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ પાસ કરી શકે છે. જેના વિવિધ કારણો છે.

સૌ પ્રથમ તો જરૂરી કુશળતા ખાસ કરીને સ્ટેટેસ્ટીકસ અને એકાઉન્ટન્સી જેવા વિષયોને સમજવાની, ગણતરી કરવાની કેમ કે આ વિષયોમાં વર્ણનાત્મક સામગ્રી ઓછી હોય છે અને Logical Steps Formulaનો ઉપયોગ વધુ હોય છે. માટે જેમનો ગણિતનો પાયો નબળો હોય, તેઓ વિજ્ઞાન છોડી વાણિજય પર પસંદગી ઢોળે છે અને એવું માનવામાં આવે છે કે ભણવામાં નબળા વિદ્યાર્થીને માટે વાણિજય સારું પડે. આ એક ગેરમાન્યતા વાલી વિદ્યાર્થીઓમાં પ્રવર્તે છે. તો દરેકે પોતાની ક્ષમતાનો તાગ મેળવી ભવિષ્યમાં પડનારી મુશ્કેલીઓનો તાગ મેળવી લેવો જોઇએ.

જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન જૂથ પસંદ ના હોય અને વાણિજયમાં જતા હોય તો ત્યાં પણ વિવિધ વિષયોની પસંદગી મળી રહેતી હોય છે, ત્યાં વિચાર-વિમર્શ કરી વિષય પસંદગી કરી શકાય છે. કોમ્પ્લેક્સિટિ(Complexity) ઓફ સબ્જેકટ પર વધારે માહિતી મેળવાતી નથી. વિદ્યાર્થીઓ પોતાનામાં પણ ધ્યાનપૂર્વક વિભાવના સમજવાના પ્રયત્ન ઓછા પડતા હોય છે, ત્યારે શિક્ષકો દ્વારા સમયસરનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી થઇ પડે છે. ખાસ કરીને આગળ જતા UG, PG પછી નોકરી / વ્યવસાયના વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ વિષયની માસ્તરીની બોલબાલા હોય છે. જેમ કે હ્યુમન રીસર્ચ ટેક્સેસનમાં ગણિત કે એકાઉન્ટન્સીની ઓછી જરૂર પડતી હોય છે.આ વાણિજ્યની મુખ્ય શાખાઓ છે. જે વિવિધ વિષયોનાં કોમ્બિનેશનથી થઇ શકાય છે અને દરેક શાખામાં ખૂબ જ વિકલ્પો મળી રહે છે.

ટીપ્સ ટુ પાસ સપ્લિમેન્ટરી એકઝામ
સૌ પ્રથમ તો તમારે થોડા સમયમાં વધુ માર્કસ મેળવવાનું ધ્યેય રાખવું જોઇએ. એ માટે જરા પણ નાસીપાસ થયા વગર પૂરેપૂરા પ્રયત્નો કરવાની શરૂઆત કરી દેવી જોઇએ. એ માટે પસંદગીના પાઠોમાંથી પૂછાતા પ્રશ્નોની પેટર્ન સમજવી જરૂરી બને છે. સ્ટેટ અને એકાઉન્ટમાં બંનેમાં પ્રેકટીકલ અને વર્ણનાત્મક પ્રશ્નો પૂછાતા હોય છે, ત્યારે વર્ણનાત્મકમાં સૌથી વધુ ધ્યાન આપી વધારેમાં વધારે માર્કસ સ્કોર કરવાની મહેનત કરવી જોઇએ.

સ્ટેટસમાં વિભાવના (concept)ઓ સમજવાની જરૂર છે, તો જ તેમાં સ્કોરીંગ કરી શકાય. કોઇ પણ વિષયની વિભાવના સમજવાનું કાર્ય મેન્ટલ વર્ક હોય છે. એમાં માત્ર ગોખાપટ્ટીથી ન ચાલે. ઘણા વિદ્યાર્થીઓ દાખલાઓ ગોખી કાઢતા હોય છે પછી ગોખેલા દાખલામાં જરાક ટ્વિસ્ટ આવે એટલે ગાડી પાટા પરથી ગબડી જાય માટે વિભાવનાઓ પધ્ધતિપૂર્વક સમજી એની પ્રેકટીસ કરી જ લેવી, જેથી હથોટી બેસી જાય અને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તકલીફ ન પડે. વિભાવના સમજાય પછી કેસ સ્ટડીઓનો અભ્યાસ કરવો જરૂરી બને છે કેમ કે દરેક કેસ સ્ટડી એની રીતે અલગ હોય છે. જેટલી કેસ સ્ટડીની પ્રેકટીસ વધુ એટલી ચોકસાઇ વધશે અને સ્કોરીંગ મેળવી શકાશે.

વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ પસંદગી પાઠના ઊંડાણપૂર્વક વાંચનથી 1 માર્કસવાળા, 2 માર્કસવાળા ટૂંકા પ્રશ્નોના જવાબો સહજતાથી ચોકસાઇપૂર્વક લખી શકાય છે. આખા અભ્યાસક્રમને પ્રશ્ન પુછાતા હોય એવા અલગ અલગ સેકશનમાં વિભાજીત કરી દેવાથી મીનીમમ માર્કસ કરતાં વધુ માર્કસ લાવી શકાય છે. ટયુશન શિક્ષક, મિત્રો અને તમારા પોતાના પ્રયત્નોથી સઘન પ્રેકટીસ કરી શકાય છે. છતાં પણ તકલીફ હોય તો તમારા વિષયમાં મળતા યુટયુબ વીડિયોઝ પણ મદદગાર થતા હોય છે. સપ્લિમેન્ટરી પરીક્ષામાં મહેનત કરી પાસ થઇ જવાથી તમારું એક વર્ષ બચી જશે. સાથે જ હમણાંનું ભણેલું તાજું હશે તો પીક અપ કરતા વાર ન લાગશે.

ખાસ કરીને નકારાત્મક વલણ ધરાવતી હોય એવી વ્યકિતના સંસર્ગથી દૂર રહેવું. જેઓ પોતાની જિંદગીમાં સ્ટેટ જેવા વિષયમાં સફળ ન રહ્યા હોય તેઓ મોટે ભાગે બીજાને પોતાના નકારાત્મક અનુભવો કહ્યા કરે અને ડરાવ્યા કરે કે ‘આ આપણું કામ નહીં’ સાથે જ જેમને તમારા પ્રત્યે નકારાત્મક અભિગમ છે, એમને ખોટા પાડવાની તમારી પાસે તક છે એમ માનીને સ્વપ્રોત્સાહિત રહી સપ્લિમેન્ટરી પરીક્ષાની તૈયારીઓ કરી આગળ વધો. જે વિદ્યાર્થીઓને સ્ટેટ/ એકાઉન્ટસીનો ડર હોય તેમણે વિચારવાનું કે છેલ્લી પરીક્ષા છે અને એ લાસ્ટ મારે પાસ કરી જ લેવી છે. એક વાર પાસ થયા પછી સ્ટેટ /એકાઉન્સટસ / મેથ્સ વગર પણ ઘણી બધી શાખાઓ છે, જેમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો.

Most Popular

To Top