Columns

પ્રિય સન્નારી

કેમ છો?
વેકેશન પૂરું થઇ ગયું? આજથી સ્કૂલ – કોલેજ – લંચબોકસ – ટિફિન અને ટયુશન અને હોમવર્કની દોડધામ શરૂ… નવું એકેડમિક યર આપ સહુને ફીવધારો, એકઝામ સ્ટ્રેસ અને બાળકોની ધમાલમસ્તી સામે અડીખમ ઊભા રહેવાનું સામર્થ્ય આપે એવી શુભેચ્છા…

સન્નારીઓ, 15મી જૂન ‘World Elder Abuse Awareness Day’ છે. જેઓ પરિવારના મજબૂત આધારસ્તંભ હતા, જેઓ જીવનમાં સામા પૂરે તરીને જીત્યા હતા, જેમણે પરિવાર માટે રાતદિવસ એક કર્યા હતા, જેમના અવાજથી ઘરમાં શાંતિ છવાતી અને જેમનો પડયો બોલ ઝીલાતો હતો એ વડીલો – વૃધ્ધો અબ્યૂઝનો ભોગ બને એ કેવી કરુણતા! જ્યાં માતા-પિતાને ભગવાનનો દરજજો મળ્યો છે, તેના કેવા હાલહવાલ! એક સામાજિક સંસ્થાના સર્વે મુજબ આપણે ત્યાં 82% વડીલો કોઇ ને કોઇ અબ્યૂઝનો ભોગ બને છે.

પરંતુ ઇજજત – શરમ અને ડરને કારણે તેઓ કશું બોલતાં નથી કે પરિવાર વિરુધ્ધ કોઇ એકશન લેતા નથી. WHOના સર્વે મુજબ દુનિયામાં દર 6 માંથી એક 60 વર્ષની ઉપરની વ્યકિત સંતાનો – સગાંસંબંધીઓ કે પાડોશીઓ દ્વારા શોષણનો ભોગ બને છે. આમ તો આ વડીલો જાત-જાતના અબ્યૂઝનો ભોગ બને છે અને ‘અવતાર’ તથા ‘બાગબાન’ મુવીની કથા અનેક ઘરોમાં ઘટે છે પણ વડીલો માટે સૌથી પડકારજનક છે ઇમોશનલ અબ્યૂઝ. જે સંતાનોની આગળ – પાછળ આખી જિંદગી વીતાવી હોય એ સંતાનો સાવ પરાયા જ નહીં, જાણે દુશ્મન હોય એમ વર્તે ત્યારે તેઓ લોહીનાં આંસુએ રડે છે.

જે વડીલોને પૂછયા વિના ઘરની એક સોય પણ હલતી નહોતી, એ વડીલોનું માર્ગદર્શન લેવાની વાત તો દૂર રહી પરિવારના મોટા – મોટા નિર્ણયોની પણ એમને જાણ કરવામાં આવતી નથી. નવું ઘર ખરીદાય કે પૌત્ર – પૌત્રીની સગાઇ નકકી કરવાની હોય એમને કોઇ પૂછતું નથી. આ ઉપરાંત એમની જરૂરિયાતોને અવગણવી એ પણ મોટું શોષણ છે. મોટાભાગનાં ઘરોમાં સાંજે સાદું ભારતીય ભોજન વિદાય લઇ ચૂકયું છે, ત્યારે એમના માટે બે ભાખરી કે ખીચડી બનાવતા પણ ઘરની સ્ત્રીઓને જોર આવે છે. અનેક ઘરોમાં વડીલોનો ઉપહાસ અને અવગણના સહજ છે.

બહાર જાય તો કહેવું નહીં, ઘરમાં પાર્ટી હોય તો રૂમમાંથી બહાર નહીં આવવું, તમ-તમારે ખાઇ-પીને એક ખૂણામાં પડયાં રહો ને તમારે અમારી લાઇફમાં ચંચુપાત કરવાની જરૂર નથી – એવા ઉપાલંભો આપવા, તેઓ કંઇ પૂછે તો ઉતારી પાડવા, એમની નિષ્ફળતા કે અમુક ખોટા નિર્ણયો માટે વારંવાર કટાક્ષ કરવો. અગર એમની પાસે પૈસા કે મિલકત છે, તો એ મેળવવા માટે દબાણ કરવું, એમને સગાં-સંબંધી તથા મિત્રો – સ્વજનોથી દૂર રાખવા જેવાં અનેક કૃત્યો એમને માનસિક રીતે તોડી નાંખે છે.

એ જ રીતે શારીરિક અબ્યૂઝ પણ અનેક ઘરોમાં જોવા મળશે. ગુસ્સામાં એમને ધકકો મારવો કે માર મારવા જેવા બનાવો પણ માતા-પિતાને ઇશ્વર માનતા દેશમાં બને છે. કેટલાંક સંતાનો એમને રૂમમાં પૂરીને જાય છે, તો પથારીમાં હોય એવાં માતા-પિતાની યોગ્ય દેખરેખ કરતા ન હોવાથી તેઓએ ગંદકીમાં સબડવું પડે છે. તેઓ શારીરિક રીતે સ્વસ્થ હોય અને કશું કરવા ઇચ્છે તો પણ એમને ચોખ્ખી ના પાડીને બેસી રહેવા મજબૂર કરાય છે. કયાંક એમને ડસ્ટબીન કે ઓલ્ડ ફર્નિચરની જેમ ટ્રીટ કરાય છે. અગર પડી જાય તો કોણ કરે? એવા ડર સાથે એમને ઘરની બહાર જ નીકળવા નથી દેવાતા.

સળિયા વિનાની જેલમાં તેઓ કોઇ સાથે બે શબ્દો બોલવા તડપે છે. નાની – નાની બીમારીઓ પર ભાગ્યે જ ધ્યાન અપાય છે. ઘર વડીલોનું હોય તો પણ એમનો રૂમ છીનવાઈ જાય છે. અરે! ઘણી વાર તો એમને બેઘર બનાવી વૃધ્ધાશ્રમમાં મોકલી દેવાય છે. માત્ર એમનો શ્વાસ ચાલે છે, જીવન જીવવાની ઇચ્છાનો દીપ તો કયારનો હોલવાઇ જાય છે.જે વડીલો આર્થિક રીતે સધ્ધર નથી, એમને તો પાઇ-પાઇ માટે તરસવું પડે અને જેમની પાસે પોતાના પૈસા છે અને એનો વહીવટ સંતાનો પાસે છે, તો પણ પૈસા માટે કરગરવું પડે. કયાંક બળજબરીથી તો કયાંક ધોખાથી એમના પૈસા છીનવાઇ જાય. પછી વડીલોએ દવા, પોતાના અંગત ખર્ચા કે વ્યવહાર માટે સંતાનો પર નિર્ભર રહેવું પડે.

પોતાની ઇચ્છા મારીને સંતાનોની ઇચ્છા પ્રમાણે વર્તવું પડે. એવું નથી કે દરેક ઘરોમાં આવું છે, પરંતુ ઘડપણમાં જે માનપાન અને કાળજી એમને મળવા જોઇએ એ મળતાં નથી. વ્હાલના બે શબ્દો માટે તેઓ તરસે છે. હવે તો માતાપિતાનું ભરણ – પોષણ ન કરનાર અને એમને હેરાન કરનાર સંતાનો સામે કેસ કરવાની કાયદામાં પણ જોગવાઇ છે, એમના શોષણ માટે તેઓ અવાજ ઉઠાવી શકે છે પણ ઢળતી ઉંમરે આવા તમાશા એમને યોગ્ય નથી લાગતા.

ઘણી વાર વડીલોની જીદ, ગુસ્સો અને દુરાગ્રહને કારણે સંતાનો પણ સામે એવું જ વર્તન કરે છે. આ ઉંમરે જરૂરી સંયમ અને સાક્ષીભાવ તેઓ કેળવી શકતા નથી. ઉંમરનો લિહાજ અને શારીરિક મર્યાદાને ધ્યાનમાં રાખી ખાણીપીણી કે અન્ય વ્યવહાર અપનાવી શકતા નથી. ઘણી વાર એમની આંખો પર પણ અવિશ્વાસ અને ગેરસમજની પટ્ટી બંધાયેલી હોય છે. બીજી બાજુ સંતાનો એમના પરિવારને સેટલ કરવાના સંઘર્ષમાં હોય છે. એમની પોતાની સમસ્યા છે, પ્રશ્નો છે… આ બધું યોગ્ય રીતે ન ઉકેલાય તો પણ એ ફ્રસ્ટ્રેશનનો ભોગ પેરન્ટ્‌સ બને છે. તો બીજી બાજુ સ્વાર્થ અને લાલચ એમના સંસ્કાર અને માનવતાનું નિકંદન કરી દે છે, તેથી તેઓ માવતર સાથે ક્રૂર રીતે વર્તે છે.

કારણ ગમે એટલું મજબૂત હોય પરંતુ પરિણામ આવું ન જ આવવું જોઇએ. સંતાનોને ખુશ રાખવા એ માબાપની ફરજ હતી અને મા – બાપને ખુશ રાખવા એ સંતાનોની ફરજ છે. બીમાર બાળકને – અપંગ બાળકને પણ માવતર કષ્ટો વેઠીને પાળે છે. એને તરછોડતા નથી તો સંતાનો પણ એમને તરછોડી ન શકે. જેણે તમને જીવન આપ્યું છે, એના ઉપકારનો બદલો તમારે એમની કાળજી દ્વારા વાળવાનો છે. એમણે તમને જે આપ્યું છે, એ તમારે પાછું એમને આપીને તમારું ઋણ ઉતારવાનું છે. જિંદગીનો આ સીધોસાદો નિયમ છે જો તમે એ નહીં પાળશો, તો તમારાં સંતાનો પણ નહીં પાળે. ‘હાથનાં કર્યાં હૈયે વાગે’ એ કહેવત તો સાંભળી છે ને?
સંપાદક

Most Popular

To Top