ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) આવતીકાલ તા. 10મી જુન-22ના રોજ ગુજરાત (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાનના નવસારી (Navsari) જિલ્લાના ખુડવેલ ગામ ખાતે સમરસતા સંમેલનને સંબોધશે અને બપોર પછી અમદાવાદમાં (Ahmedabad) ઇસરોના હેડક્વાર્ટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ નવસારી ખાતે અંદાજીત ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કરશે તેમજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ ખાતે ‘સમરસતા સંમેલન’ કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે. બપોરે નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૪ વાગ્યે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન શુક્રવારે 5 કરોડથી વધુનાં ખર્ચે તૈયાર કરાયેલા વઘઈ આઈ.ટી.આઈનાં નવા મકાનનુ લોકાર્પણ કરશે
સાપુતારા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે શુક્રવારે દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં કરોડો રૂપિયાનાં વિકાસકામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. ત્યારે છેવાડે આવેલા ડાંગ જિલ્લાને પણ તેનો ભરપૂર લાભ મળી રહ્યો છે. ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે સને 2014 થી કાર્યરત ઔધોગિક તાલીમ સંસ્થાનાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ પણ શુક્રવારે વડાપ્રધાનનાં હસ્તે થશે. અંદાજીત રૂ.5 કરોડ 1 લાખ 45 હજાર 480નાં ખર્ચે તૈયાર થયેલા વઘઈ આઈ.ટી.આઈનાં ગ્રાઉન્ડ પ્લસ વન માળનાં આ મકાન સાથે, ટ્રી પ્લાન્ટેશન, એક્સટર્નલ સેનેટરી એરેન્જમેન્ટ, સંપ અને પંપ રૂમ, એન્ટ્રન્સ ગેટ, ઈન્ટરનલ રોડ, પેવર બ્લોક, પાર્કિગ સહિત કમ્પાઉન્ડ વોલ, ઈલેકટ્રીફિકેશન તથા ફાયરની સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેનો ડાંગ જિલ્લાના આદિવાસી વિધાર્થીઓને લાભ મળી રહેશે.
ચીખલીમાં મોદીના કાર્યક્રમમાં લોકોને જવા માટે પારડીના 53 ગામોમાં બસો દોડાવાઈ
પારડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જૂને નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવશે ને કરોડોના વિકાસના કામોને લીલીઝંડી આપશે. વડાપ્રધાન અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 50 હજારની મેદની ભેગી કરવા માટે વલસાડ જિલ્લામાંથી 800 બસો ફાળવવામાં આવી છે. ત્યારે પારડી કુમાર-કન્યા શાળા ખાતેથી ગુરૂવારે પારડી તાલુકાના 53 ગામોમાં બસ રવાના કરવામાં આવી હતી. આ બાબતે મામલતદાર આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે કુલ 216 બસ અને 50થી વધુ ખાનગી વાહનો મોદીના કાર્યક્રમમાં રવાના થશે. જેમાં ફૂડ પેકેટ, પાણીની વ્યવસ્થા સાથે બસો રવાના કરાઈ હતી. આ કામગીરીમાં મામલતદાર આર.આર. ચૌધરી, ટીડીઓ સની પટેલ, હોમગાર્ડ, ગ્રામપંચાયતના તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.