પલસાણા: કેન્દ્ર સરકારના અતિ મહત્ત્વકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની (Project) કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. ત્યારે સોમવારે કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કામગીરીની સમીક્ષા માટે સુરત (Surat) પહોંચ્યા હતા. તેમણે જિલ્લાના અંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સહિત અલગ અલગ સાઇટ્સની (Site) મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાલી રહેલી કામગીરીની વખતોવખત ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને અધિકારીઓ મુલાકાત લેતા રહ્યા છે. ત્યારે હાઇસ્પીડ રેલવે સ્ટેશન પણ સુરતમાં બની રહ્યું હોવાથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અંત્રોલીમાં કામગીરીની સમીક્ષા કરી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સુરતના ચોર્યાસીના વકતાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગ્મેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (Ch.૨૫૪)ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગ્મેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.
રેલવે મંત્રીએ નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયાં હતાં. આ પ્રસંગે રેલવે મંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો હતો. અને જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો ‘વન નેશન, વન રેશન’ યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળી પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું. તેમણે સૌ શ્રમિકોને કોરોના વેક્સિન ન મુકાવી હોય તો સત્વરે મુકાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એલ.એન્ડ ટી.ના એન્વાયરો, હેલ્થ અને સેફ્ટીના હેડ નાઈઝલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં
પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 61 કિલોમીટર સુધીમાં પીલર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. લગભગ 150 કિ.મી. પર એકસાથે કામ ચાલી રહ્યું છે. રેલવેની ચાલી રહેલી કામગીરી જોતાં દેશના વડાપ્રધાને જોયેલા 130 કરોડ ભારતીયોનું સપનું સાકાર થતું નજરે પડી રહ્યું છે. તેમણે કહ્યું કે, 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક છે. કામની પ્રગતિ જોતાં અમારું આ લક્ષ્યાંક અવશ્ય પૂરું થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.