નવી દિલ્હી: પંબાજના (Punjab) મૂસેવાલાની હત્યા (Murder) પછી હવે બોલીવુડના (Bollywood) ભાઇજાન સલમાન ખાનને જાનથી મારવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. મળતી માહિતી મુજબ સલમાન ખાનના પિતા સવારે જ્યારે જોગિંગ પર ગયા હતા ત્યારે જોગિંગ કરી તેઓ જે બેંચ પર આરામ કરવા બેઠા હતા ત્યાં તેઓને એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં તેઓના અને તેમના પુત્ર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.
આ લેટરમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત પણ પંજાબના સિદ્ધૂ મૂસેવાલા જેવી કરવામાં આવશે એટલેકે તેઓને પણ જાનથી મારી નાંખવામાં આવશે. આ અંગે પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકી ભરેલો પત્ર સવારે 7:30 થી 8:00 વાગ્યાની આસપાસ સલીમ ખાનને મળ્યો હતો.
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી
નવી દિલ્હી: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala)ની 29 મેના રોજ દિવસે દિવસે ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. સમગ્ર દેશ હજુ પણ આ ઘટનામાંથી બહાર આવી શક્યો નથી. સિદ્ધુનું નિધન સમગ્ર દેશ માટે મોટો આઘાત છે. સિદ્ધુ પર આ હુમલાના એક દિવસ પહેલા તેમની સુરક્ષા(Security)માં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે હવે આ સિંગરના મોત બાદ અનેક સેલિબ્રિટીઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
તાજેતરમાં જ સિદ્ધુ મુસેવાલાના મોત બાદ ગાયક મીકા સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સાવચેતી તરીકે, મુંબઈ પોલીસે સલમાનની એકંદર સુરક્ષા વધારી દીધી છે, જેથી સુપરસ્ટારને ગેંગસ્ટર બિશ્નોઈ અને તેની ગેંગથી સુરક્ષિત રાખી શકાય.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન પહેલેથી જ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. જ્યારે કાળિયાર શિકારના મામલામાં સલમાનનું નામ આવ્યું ત્યારે બિશ્નોઈ સમુદાયના લોકોની ભાવનાઓને ઘણી ઠેસ પહોંચી હતી. બિશ્નોઈ સમુદાયના લોકો કાળા હરણ માટે ઘણું માન ધરાવે છે અને આ શિકારને કારણે તેમને ઘણું નુકસાન થયું હતું. જેથી કાળિયારના શિકાર બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.