Dakshin Gujarat

સાપુતારામાં ખૂંખાર દીપડાને કુતરાએ બહાદુરી પૂર્વક ભગાડ્યો

સાપુતારા : રાજ્યનાં એક માત્ર ગિરિમથક સાપુતારા(Saputara)માં સાંઈલીલા બંગલોમાં મકાન માલિકે સુરક્ષા માટે બાંધેલા પાળતુ શ્વાન(Dog)નો શિકાર કરવા ધીમા પગે ચપળતા પૂર્વક આવેલો દીપડો(Panther) સીસીટીવી(CCTV)માં કેદ થયો હતો.

  • વેકેશનમાં સાપુતારા ફરવા જતા પ્રવાસીઓ રાત્રે બહાર નીકળતા પહેલા ચેતે
  • સાપુતારાના સાંઈલીલા બંગલોમાં શ્વાનનો શિકાર કરવા ધીમા પગલે આવેલો દીપડો સીસીટીવીમાં કેદ
  • સાપુતારામાં કૂતરો બાંધેલો હોવા છતાં દીપડાનો સામનો કરી ભગાડી દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં આવેલા રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં સાંઈલીલા બંગલોના કંપાઉન્ડમાં મકાન માલિકે સુરક્ષા માટે પાળતુ સ્વાનને સાંકળથી બાંધી રાખ્યો હતો. બુધવારની રાત્રે શિકારની શોધમાં ફરતો દીપડાએ સાંકળથી બાંધેલા આ શ્વાન ઉપર હુમલો કરતા શ્વાને દીપડાનો સામનો કર્યો હતો. અને પોતાનો બચાવ કર્યો હતો.

પ્રવાસીઓનાં સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંજરા ગોઠવાયા
શ્વાનનાં ભસવાનાં અવાજથી મકાન માલિકે બારી ખોલીને જોયુ તો દીપડો તેમના શ્વાનને પોતાનો શિકાર બનાવવા માટે મથતો હતો. જ્યારે શ્વાન સાંકળથી બંધાયેલો હોવા છતાંય પોતાનો જીવ બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી રહ્યો હતો. જોકે શ્વાનનાં વળતા પ્રહારને કારણે કદાવર દીપડાને ભાગવાની નોબત ઉભી થઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સાપુતારામાં પ્રવાસે આવતા સહેલાણીઓ રાત્રે મોડે સુધી નિર્ભય રીતે ફરતા હોય છે. ગિરિમથકમાં અત્યાર સુધી કોઈપણ પ્રવાસીઓને હિંસક પ્રાણીનો સામનો કરવો પડ્યો નથી. તેમ છતાં શ્વાન સાથે દીપડાની આ ઘટનાને જોતા પ્રવાસીઓનાં સુરક્ષાને ધ્યાનમાં રાખી દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજ દ્વારા પાંજરા ગોઠવી વધુ તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top