આણંદ : આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના બે પુત્ર રણજીત અને મહેન્દ્રએ ઓવરટેક મામલે બાઇક ચાલક સાથે ઝઘડો કરી તેને રોકી લાકડીથી માર મારી લોહી લુહાણ કરી મુક્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે ધારાસભ્યના બન્ને પુત્ર સામે ફરિયાદ આપતા આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. vઆણંદના વાંસખીલીયા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા જગદીશભાઈ રાવજીભાઈ પટેલ (ઉ.વ.61) 1લી જૂનના રોજ સાંજે બાઇક પર અંધારીયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં.
આ સમયે તેમની પાછળ કારમાં આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્ર રણજીત અને મહેન્દ્ર ગાડી લઇને નિકળ્યાં હતાં. જોકે, કોઇ કારણસર તેઓ જગદીશભાઈની બાઇકની ઓવરટેક કરવા કોશિષ કરી હતી. પરંતુ ઓવરટેક કરી શક્યાં નહતાં. દરમિયાન અંધારીયા ચોકડી પાસે જગદીશભાઈને આંતરિ તેમને રોક્યા હતા. બાદમાં રણજીત, મહેન્દ્ર અને ગાડીના ચાલકે લાકડી અને દંડાથી મારમારી જગદીશભાઈને ગંભીર ઇજા પહોંચાડી લોહી લુહાણ કરી મુક્યાં હતાં. આ હુમલામાં ઘવાયેલા જગદીશભાઈને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે જગદીશભાઈએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે રણજીત, મહેન્દ્ર અને ગાડીના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવને લઇ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસમાં હજુ ભરતસિંહના વિડીયોની ઘટનાના પડઘા શાંત પડ્યાં નથી ત્યાં આણંદ ધારાસભ્યના પુત્રના મારામારી કેસને લઇ કોંગ્રેસના મોવડી મંડળ પણ ચિંતામાં પડી ગયાં છે. ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. બન્ને પક્ષો સામસામે પ્રચારમાં લાગી ગયાં છે. ચૂંટણી જીતવા ખાંડા ખખડાવી રહ્યાં છે. ત્યારે આવા બનાવોએ ચર્ચા જગાવી છે.
મહેન્દ્ર વાંસખીલીયાનો સરપંચ છે
આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનો પુત્ર મહેન્દ્ર વાંસખીલીયા ગ્રામ પંચાયતમાં સરપંચ છે અને થોડા સમય પહેલા જ યોજાયેલી ચૂંટણીમાં વિજય થયો હતો. જોકે, આ હુમલામાં ચૂંટણી અદાવત છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.