અવકાશી વંટોળ સામાન્ય રીતે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ફૂંકાતો જોવા મળે છે.
વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં પહેલી વાર ‘અવકાશી વંટોળ’ (સ્પેસ હરીકેન)ને શોધી કાઢ્યો છે. પૃથ્વીના વધારે ઉપરના વાતાવરણમાં ઉત્તર ધ્રુવની ઉપર 8 કલાક સુધી આ અવકાશી વંટોળ ઘૂમતો રહ્યો હતો. આવા વંટોળ સામાન્ય રીતે તો પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જોવા મળે છે. અત્યાર સુધી તો અવકાશી વંટોળ પૃથ્વીના વધારે ઉપરના વાતાવરણમાં કદીયે ફૂંકાતો જણાયો નથી.
નોર્વે, ચીન અને ઈગ્લેંડના વિજ્ઞાનીઓએ અવકાશી વંટોળનું નિરીક્ષણ કર્યું.
નોર્વે, ચીન અને ઈંગ્લેંડના વિજ્ઞાનીઓએ આ ઉપરના વાતાવરણમાં ફૂંકાઈ રહેલા અવકાશી વંટોળનું નિરીક્ષણ કર્યું હતું અને ‘અવકાશી હવામાન સંરક્ષણ કૃત્રિમ ઉપગ્રહ કાર્યક્રમ’(ડીફેન્સ મીટીઓરોજીકલ સેટેલાઈટ પ્રોગ્રામ-DMSP) કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ કરીને અને ‘ત્રિપરિમાણીય મેગ્નેટોસ્ફીયર મોડેલીંગ’ના સહારે આ અવકાશી વંટોળના ફોટા લીધા હતા.
અગાઉ અવકાશી વંટોળને 2014માં શોધવામાં આવ્યો હતો. અગાઉ અવકાશી વંટોળને ઓગસ્ટ 2014 દરમ્યાન વિજ્ઞાનીઓએ હાથ ધરેલા પુન:અવલોકન અને પૃથક્કરણ દરમ્યાન શોધવામાં આવ્યો હતો. જેનું નેતૃત્વ ચીનની શાન્ગડોન્ગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કર્યું હતું. આ અવકાશી વંટોળ અંગેની માહિતી ફેબ્રુઆરી 2021ના ‘નેચર કોમ્યુનિકેશન’ મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી.
આ અવકાશી વંટોળની ઊંચાઈ 110 Km.થી શરૂ થઈને 860 Km સુધી પહોંચી હતી.
હમણાં આ જે અવકાશી વંટોળ (સ્પેસ હરીકેન) પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જોવા મળ્યો છે, તે ઘણી બધી શાખાઓ સહિત ગરમ ગેસ (પ્લાઝમા)નો બનેલો છે. આ અવકાશી વંટોળની દિશા ઘડિયાળના કાંટાની (જમણા હાથથી ડાબા હાથની) દિશામાં હતી. આ અવકાશી વંટોળનો વ્યાસ (પટ) 1000 કિ.મી. હતો, જ્યારે તેની ઊંચાઈ 110 Kmથી શરૂ કરીને 860 Km સુધી પહોંચી હતી! તેની ઝડપ પ્રતિ સેકંડ 21 મીટર હતી!
નાસાએ એસ્ટરોઇડ ‘બેન્નુ’ તરફ મોકલેલું ‘ઓસીરીકસ રેકસ’ અવકાશયાન પૃથ્વી તરફ આવવા માટે રવાના થયું છે.
એસ્ટરોઇડ ‘બેન્નુ’ તરફ મોકલવામાં આવેલા નાસાના ‘ઓસીરીકસ રેકસ’ અવકાશયાને પૃથ્વી તરફ પરત ફરવા માટેની તેની 2 વર્ષની મુસાફરી શરૂ કરી છે. આ અવકાશયાન એસ્ટરોઇડ ‘બેન્નુ’ પર વર્ષ 2018માં પહોંચ્યું હતું. આ અવકાશયાને આ એસ્ટરોઇડની આસપાસ ઉડ્ડયન કરવામાં બે વર્ષ વીતાવ્યાં હતાં અને તેની જમીન પરથી ‘રબલ’ એકઠા કર્યા હતા. આ ‘રબલ’ એ પથ્થર, ઇંટ વગેરેના રફ નકામા ટુકડાઓ છે. આ અવકાશયાનને એસ્ટરોઇડ ‘બેન્નુ’નો અભ્યાસ કરવાના હેતુથી તેના તરફ રવાના કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાનીઓએ મંગળ, ગુરુ અને શનિ ગ્રહની નીચેના અવકાશમાં આવા અવકાશી વંટોળને શોધી કાઢયો છે.
મંગળ આપણી સૂર્યમાળાનો ચોથા ક્રમનો, ગુરુ પાંચમા ક્રમનો અને શનિ છઠ્ઠા ક્રમનો ગ્રહ છે. પ્લાઝમા (ગરમ ગેસ)નું વમળ લેતું દ્રવ્ય છે કે જે પૃથ્વીના આયનોસ્ફીયરમાં ઋણ ભારવાહી ઇલેકટ્રોનનો વરસાદ વરસાવે છે તે વમળ લેતાં દ્રવ્યને અવકાશી વંટોળ (સ્પેસ હરીકેન) કહેવામાં આવે છે. આ અવકાશી વંટોળ એક આશ્ચર્યજનક અસરમાં પરિણમે છે, જે ઝગારો મારતા લીલા રંગના તેજ પુંજ સ્વરૂપ હોય છે, જેને તેની નીચે જોઇ શકાય છે. અવકાશ વિજ્ઞાનીઓએ મંગળ, ગુરુ અને શનિ ગ્રહની નીચેના અવકાશમાં હરીકેન વંટોળને શોધી કાઢયો છે.
આ ‘અવકાશી વંટોળ’નો અભ્યાસ વિજ્ઞાનીઓને અગત્યની હવામાનની અસરો જેવી કે ઉચ્ચ આવૃત્તિ ધ્વનિતરંગ સંદેશાવ્યવહારમાં ખલેલ, અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહોની ગતિમાં અવરોધ, કૃત્રિમ ઉપગ્રહના સહારે નૌકાવિહાર (સેટેલાઇટ નેવિગેશન) ક્ષિતિજની ઉપર રાખેલા રડારના સ્થળમાં ખામીઓને સમજવામાં મદદરૂપ થશે.
એસ્ટરોઇડ ‘4660 નેરીઅસ’ કેવોક એસ્ટરોઇડ છે?
નાસાના વિજ્ઞાનીઓએ 2021માં આપેલી જાણકારી મુજબ એક ‘એફિલ ટાવર’ જેટલા મોટા કદનો એસ્ટરોઇડ આપણી પૃથ્વી તરફ ધસી રહ્યો છે પરંતુ અમેરિકન અવકાશ એજન્સીએ જણાવ્યા મુજબ આ પરિસ્થિતિથી લગીરે ય ગભરાવાની જરૂર નથી કારણ કે આ નવો એસ્ટરોઇડ 11મી ડિસેમ્બર, 2021ના રોજ તેના પૃથ્વીથી અત્યાર સુધીના સૌથી નજદિકી અંતરેથી પસાર થઇ જશે. હાલમાં તો તે એસ્ટરોઇડ આપણી પૃથ્વી માટે લગીરે ય જોખમી જણાતો નથી. તેમ છતાં આવનારા દસકાઓ દરમ્યાન હજુ પણ 12થી વધારે વખત આપણી પૃથ્વીથી નજદિકી અંતરેથી પસાર થનાર છે.
આ ‘4660 નેરીઅસ’ એસ્ટરોઇડ 330 મીટરની પહોળાઇ (પટ) ધરાવે છે. આ એસ્ટરોઇડને વિજ્ઞાની એલ એન હેલીને 28મી ફેબ્રુઆરી, 1982ના રોજ શોધી કાઢયો હતો. તે વખતે આ એસ્ટરોઇડ આપણી પૃથ્વીથી 41 લાખ Km દૂર રહીને પસાર થઇ ગયો હતો. આ એસ્ટરોઇડને 1.22 મીટરની લંબાઇ ધરાવતા ‘સેમ્યુઅલ ઓસચીન ટેલિસ્કોપ’ વડે શોધી કાઢવામાં આવ્યો હતો. આ એસ્ટરોઇડનો સૂર્યની આસપાસનો પરિભ્રમણ સમય 663 દિવસ 14 કલાકનો છે. વર્ષ 1900 અને વર્ષ 2100 વચ્ચેના સમયગાળામાં આ એસ્ટરોઇડ આપણી પૃથ્વીથી 50 લાખ Kmથી પણ ઓછા અંતરે રહીને પસાર થઇ ચૂકયો છે.