નડિયાદ: માતર ગ્રામપંચાયતની હદમાં આવેલ એક ફાર્મના માલિકે નજીકમાં આવેલ તળાવમાં ગેરકાયદેસર પુરાણ કરી અવરજવરનો રસ્તો બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૃત્ય કર્યું છે. તેમછતાં ભુમાફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પંચાયતના સત્તાધીશોની મનશા ઉપર સવાલો ઉઠ્યાં છે. જમીનો પચાવી પાડવાના વધતાં જતાં ગુનાઓને ધ્યાનમાં રાખી લેન્ડગ્રેબિંગનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. પરંતુ, સ્થાનિક રાજકારણીઓ તેમજ અધિકારીઓની રહેમનજરને પગલે કેટલાક ભુમાફિયાઓમાં હવે લેન્ડગ્રેબીંગ કાયદાનો ડર રહ્યો નથી.
આવા જ એક માથાભારે ભુમાફિયા સાદિકે માતરમાં આવેલ સર્વે નં ૪૭૦ વાળી તળાવની જગ્યામાં પુરાણ કરી, પોતાના ફાર્મમાં અવરજવર માટેનો ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હતો. આ મામલે જાગૃત નાગરિકોએ ગ્રામપંચાયતના સત્તીધીશોનું ધ્યાન દોર્યું હતું. જે તે વખતે પંચાયતમાંથી સાદિકભાઈને ઉપરા-ઉપરી બે નોટીસ ફટકારી ગેરકાયદેસર રસ્તો દૂર કરવા જણાવ્યુ હતું. જોકે, સાદિકભાઈએ નોટીસને અવગણતાં તંત્રનું બુલડોઝર આ ગેરકાયદેસર રસ્તા પર ફરી વળ્યુ હતું. પરંતુ, તેનાથી ભુમાફિયા સાદિકને કોઈ ફરક પડ્યો ન હતો.
તેણે થોડા દિવસો બાદ તે જ જગ્યા ઉપર ફરી વખત ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હતો. ત્યારે જાગૃત નાગરીકોની રજુઆત અને દબાણને પગલે માતર ગ્રામપંચાયતના સરપંચે તા.૧૪-૭-૨૧ ના રોજ ભુમાફિયા સાદિકને વધુ એક નોટીસ ફટકારી રસ્તો દૂર કરવા જણાવ્યું હતું અને જો રસ્તો દૂર કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે, આ નોટીસને ૧૦ મહિના વીતી ગયાં હોવા છતાં પણ ગ્રામપંચાયત દ્વારા ભુમાફિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે ગ્રામપંચાયતના સરપંચ, તલાટી તેમજ સભ્યોની કામગીરી ઉપર સવાલો ઉઠ્યાં છે.
પ્રધાનમંત્રીનાં આહ્વાનથી વિપરિત સ્થિતી સર્જાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવા આહ્વાન કર્યું છે. જેને પગલે કેટલાક જિલ્લાઓમાં તળાવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, બીજી બાજુ ખેડા જિલ્લામાં આવેલાં વર્ષો જુના અનેક તળાવોમાં ગેરકાયદેસર પુરાણ કરી સરકારી જમીન પચાવી પાડવાની હોડ જામી છે. ત્યારે આવા ભુમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટ તંત્ર તમાશા જોઈ રહ્યું છે. જેને પગલે ભુમાફિયાઓની હિંમત ખુલી છે અને જિલ્લાના અનેક મોટા તળાવો હાલ ખાબોચીયાં જેવા બની ગયાં છે.
ભુમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા ગ્રામજનોની માંગ
ભુમાફિયા સાદિકે પોતાના ફાર્મમાં અવરજવર માટે નજીક આવેલ સરકારી તળાવમાં ગેરકાયદેસર પુરાણ કરી રસ્તો બનાવ્યો છે. તેમછતાં ગ્રામપંચાયત દ્વારા સાદિકભાઈ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામપંચાયતે માત્ર નોટીસ પાઠવી સંતોષ માન્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલાની યોગ્ય તપાસ કરાવી, ભુમાફિયા સાદિક સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉચ્ચારી છે.
રાજકારણીઓ રહેમનજર હેઠળ ભુમાફિયાઓ બેફામ બની રહ્યાં છે
ખેડા જિલ્લામાં તળાવ સહિતની સરકારી જમીનો ઉપર ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવી, રહેણાંક તેમજ કોમર્શીયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક જાગૃત નાગરિકો આવા ભુમાફિયાઓની કાળી કરતુતો અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોરતાં હોય છે. પરંતુ ભુમાફિયાઓ ઉપર રાજકારણીઓની રહેમનજર હોવાથી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ, રાજકારણીઓ અને અધિકારીઓની રહેમનજર હેઠળ ભુમાફિયાઓ દિન-પ્રતિદિન બેફામ બની વધુને વધુ સરકારી તેમજ બિનસરકારી જમીનો ઉપર કબ્જો જમાવી રહ્યાં છે.