Editorial

અલ-કાયદા કાશ્મીરમાં સક્રિય થવા સળવળી રહ્યું છે?: ભારતે પુરતી સતર્કતા રાખવી પડશે

દેશને આઝાદી મળી ત્યારથી કાશ્મીર એ ભારત માટે એક તનાવનો વિષય છે. ભાગલા પછીથી તરત જ પાકિસ્તાન આ પ્રદેશને હડપવા માટે પેંતરા ભરવા માંડ્યું. ધરતી પરના સ્વર્ગ કહેવાતા આ પ્રદેશ માટે અનેક સંઘર્ષો થયા છે. જો કે એક લાંબા સમય સુધી અહીં રાજકીય ગરમીઓને બાદ કરતા શાંતિ પણ રહી છે પરંતુ ૧૯૯૦ના સમયથી મામલો બગડવા માંડ્યો, ત્રાસવાદે જોર પકડવા માંડ્યું અને એક તબક્કે તો સ્થિતિ ખૂજ વણસી ગઇ. પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી જે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી હતી.

કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો રદ કરવામાં આવ્યો અને તેને સંઘપ્રદેશનો દરજજો અપાયો. આ પગલાથી ખાસ્સો વિવાદ ઉભો થયો અને વૈશ્વિક મંચો પર આ મુદ્દો ઉપાડીને પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સજીવન રાખવા પ્રયાસ કરી રહ્યું છે. વર્તમાન સરકારે ત્રાસવાદને ડામવા કેટલાક સખત પગલાઓ ભર્યા તે છતાં હજી કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનાઓ ચાલુ જ છે અને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો તો ત્યાં સક્રિય છે જ ત્યારે અલ-કાયદા જેવું ઝનૂની વૈશ્વિક ત્રાસવાદી સંગઠન કાશ્મીરમાં લડવા માટે કૂદી પડવાની તૈયારી કરી રહ્યું હોવાના ચોંકાવનારા અહેવાલ આવ્યા છે.

યુએનનો તાજેતરનો એક અહેવાલ જણાવે છે કે અલ-કાયદા કાશ્મીરમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય ઉપખંડમાં સક્રિય એવા અલ-કાયદાના મેગેઝીનનું નામ બદલવામાં આવ્યું છે જે સૂચવે છે કે આ ત્રાસવાદી જૂથ હવે તેનું ધ્યાન અફઘાનિસ્તાન પરથી કાશ્મીર પર કેન્દ્રિત કરી રહ્યું છે એમ આ અહેવાલે જણાવ્યું છે.એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરિંગ ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલો ૧૩મો અહેવાલ શનિવારે જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલ યુએનના ઠરાર ૨૬૧૧(૨૦૨૧)ના સંદર્ભમાં છે જેમાં તાલીબાન તથા અન્ય સંલગ્ન વ્યક્તિઓ અને સંસ્થાઓ અંગેની વિગતો છે જે અફઘાનિસ્તાનની સ્થિરતા અને સુરક્ષા અંગે ખતરારૂપ છે.

આ અહેવાલ જણાવે છે કે અલ-કાયદાનું પેટા જૂથ અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ(અકીસ) અફઘાનિસ્તાનમાં લો-પ્રોફાઇલ રહીને કાર્ય કરે છે. અકીસ પાસે ૧૮૦થી ૪૦૦ લડવૈયાઓ હોવાનું કહેવાય છે. આ લડવૈયાઓમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના નાગરિકોનો સમાવેશ થાય છે અને તેઓ અફઘાનિસ્તાનના ગઝની, હેલમંદ, કંદહાર, નિમરૂજ, પાકતિકા અને ઝુબેલ પ્રાંતોમાં હોવાનું જણાયું છે. અહેવાલમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે ઓકટોબર ૨૦૧૫માં અમેરિકા અને તે સમયના અફઘાન પ્રશાસન દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીને કારણે અકીસ નબળું પડ્યું છે અને તે નાણાકીય તંગીનો પણ સામનો કરી રહ્યું છે અને તેને પરિણામે તેને ઓછો આક્રમક અભિગમ અખત્યાર કરવાની ફરજ પડી છે.

અકીસના મેગેઝીનનું નામ અગાઉ નવા-એ-અફઘાન જિહાદ હતું તે બદલીને ૨૦૨૦માં નવા-એ-ગઝવા-એ-હિન્દ કરવામાં આવ્યું છે તે સૂચવે છે કે અકીસ તેનું ધ્યાન હવે અફઘાનિસ્તાન પરથી કાશ્મીર પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ મેગેઝીન તેના વાચકોને યાદ અપાવે છે કે અલ-ઝવાહીરીએ એપ્રિલ ૨૦૧૯માં દાએશના શ્રીલંકાના હુમલા પછી કાશ્મીરમાં જિહાદની હાકલ કરી હતી. આ ઝવાહીરીએ હાલના કર્ણાટકના હિજાબ વિવાદમાં પણ નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા હતા. ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી અલ-કાયદાના વડા બનેલા આ ડો. અયમાન અલ-ઝવાહીરીનું પણ મૃત્યુ થઇ ગયું હોવાનું કેટલાક સમયથી મનાતું હતું પણ ઝવાહીરીએ હાલમાં ફરીથી પોતાના જીવીત હોવાનો પુરાવો આપી દીધો છે અને કાશ્મીરમાં જિહાદની તેની હાકલ ભારત માટે એક ચિંતાની વાત છે.

કાશ્મીર મૂળ તો એક રાજકીય વિવાદ હતો પરંતુ ત્યાંની મુસ્લિમ બહુલ વસ્તીને કારણે પાકિસ્તાને પોતાના લાભ ખાતર તેને ધાર્મિક રંગ પણ આપવા માંડ્યો અને તેને કારણે જિહાદની વાતો કરતા ઉગ્રવાદી જૂથો તેમાં લડવા માટે સર્જાયા અને હવે કેટલાક બહારના જૂથો પણ કાશ્મીરમાં સક્રિય થવા સળવળી રહ્યા છે. એક તબક્કે તો આઇએસઆઇએસ પણ કાશ્મીરમાં સક્રિય થવા પ્રયાસ કરી ચુક્યું હોવાના અહેવાલ હતા, હાલ તો સદભાગ્યે આ જૂથ મૃતપ્રાય જેવી હાલતમાં છે ત્યારે અલ-કાયદા કાશ્મીરમાં ઝંપલાવવા સળવળી રહ્યું હોય તો તે બાબતે ભારતે પૂરતી મુસ્તેદી રાખવાની જરૂર છે. આવા ધર્મઝનૂની જૂથો પોતાની માન્યતાઓને ખાતર લડવામાં મૂર્ખાઇની હદે પણ જતા હોય છે અને તેઓ ગમે તેવા આંધળુકિયા કરી શકે છે. આ બાબતો જોતા ભારતે કાશ્મીરમાં સંપૂર્ણ સતર્કતા રાખવી પડશે.

Most Popular

To Top