સુરત: સુરતના (Surat) સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી યુનિવર્સલ જેમ્સના કરોડોના ડાયમંડના (Diamond) મિસ ડેક્લેરેશન કેસમાં નાસતા ફરતા મિત કાછડિયાની ધરપકડ પછી કસ્ટમની (Custom) સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે (Branch) યુનિવર્સલ જેમ્સના મિત કાછડિયાએ એક્સપોર્ટ કરેલા 3000 કરોડના અસલી હીરા કોના હતા? એને લઈ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કસ્ટમ વિભાગે પકડી પાડેલા બે કન્સાઈનમેન્ટમાંથી 204 કરોડના હીરા મળ્યા હતા. જ્યારે 30 કન્સાઈનમેન્ટ વિદેશ મોકલ્યાં તે કોનાં હતાં અને કોને મોકલાયાં એની તપાસ શરૂ કરવામાં આવી છે. મિતના નામે માત્ર 2 કાર અને ફ્લેટ જ મળ્યા છે. તો 3000 કરોડના એક્સપોર્ટ થયેલા અને 204 કરોડના પકડાયેલા હીરા મિતના નથી એવી શંકા કસ્ટમ વિભાગ કરી રહ્યો છે.
- 30 કન્સાઈનમેન્ટ વિદેશ મોકલ્યાં તે કોનાં હતાં, અને કોને મોકલાયાં એની તપાસ શરૂ કરાઈ
- કસ્ટમ વિભાગે પકડી પાડેલા બે કન્સાઈનમેન્ટમાંથી 204 કરોડના હીરા મળ્યા હતા
સુરત કસ્ટમ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ 205 કરોડની કિંમતના 60,000 કેરેટ અસલ હીરા જપ્ત કરી 30 દિવસમાં હાજર થવા મિત કાછડિયાને વિભાગે શો-કોઝ નોટિસ ફટકારતાં જ તે એક વર્ષ પછી ભારત આવી પહોંચ્યો હતો. સચિન સ્થિત સુરત એસઇઝેડમાં લેબગ્રોન ડાયમંડની રફ ઈમ્પોર્ટ કરી લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડને બદલે અસલ નેચરલ હીરા એક્સપોર્ટ કરી, મિસ ડેક્લેરેશન સાથે કરોડોની ડ્યૂટી ચોરીનો કેસ પકડી પાડવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ આ કેસ કસ્ટમ ડ્યૂટી ચોરીનો હોવાથી સુરત કસ્ટમ વિભાગને જાણ કરી હતી. કસ્ટમ વિભાગે એક વર્ષ અગાઉ 205 કરોડની કિંમતના 60,000 કેરેટ હીરા એટેચ કર્યા હતા.
આ કેસમાં સુરતની જાણીતી જેમોલોજિકલ લેબ દ્વારા ડાયમંડની ચકાસણી કરવામાં આવતાં એક્સપોર્ટ માટે દર્શાવેલા લેબગ્રોન ડાયમંડ, અસલ હીરા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલામાં મુખ્ય શકમંદ મિત કાછડિયા છેલ્લા એક વર્ષથી લાપતા હોવાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે મિત કાછડિયાની કંપની યુનિવર્સલ જેમ્સને શો-કોઝ નોટિસ આપી જણાવ્યું હતું કે, ટેક્સ અને પેનલ્ટીની વસૂલાત માટે હીરા જપ્ત કરી, એની હરાજીથી ટેક્સની વસૂલાત શા માટે ન કરવી? એ પછી મિત ફિલ્મી સ્ટાઇલમાં દુબઈથી દિલ્હી એરપોર્ટ પર આવતાં પકડાયો હતો. કસ્ટમનું માનવું છે કે, સમગ્ર એક્સપોર્ટ કૌભાંડમાં માત્ર 24 વર્ષનો મિત કાછડિયા પ્યાદું હોવાનું તથા તેની પાછળ મોટાં માથાં હોઈ શકે છે.