Madhya Gujarat

શહેરા તાલુકા પંચાયત કચેરીમાં છૂટાહાથની મારામારી

શહેરા: શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા  ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થતા પોલીસને બોલાવવી પડી હતી.પોલીસ દ્વારા બે પક્ષની ફરીયાદ નોંધવાની તજવીજ હાથધરી છે. નાડા ગામમાં વિવિધ વિકાસલક્ષી કામો ચાલી રહ્યા હોય ત્યારે નરેગા યોજનાના મસ્ટરો પર ગ્રામ પંચાયત  સરપંચના સહિના અંગુઠા તેમજ સરપંચના ખોટા સિક્કા મારવામાં આવી રહ્યા હોવાનું સરપંચ નંદા બેન પટેલ ને જાણવા મળેલ હોવાથી તેઓ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત માટે ગયા  હતા.

નાડા ગામના સરપંચ નંદાબેન પટેલ એ  પોતાના પતિ વાલમ સિંહ પટેલ ને સાથે રાખીને મદદનીશ  તાલુકા  વિકાસ અધિકારીને નરેગા યોજનામાં  પેવર બ્લોક સહિતના કામગીરીના  મસ્ટરોમાં  સરપંચ ના ખોટા  સહી સિક્કા ગામના રતનસિંહ નાયકા , વણઝારા જયેન્દ્રસિંહ સહિતનાઓ દ્વારા મારવામાં આવતા હોવાના આક્ષેપ સાથે લેખિતમાં રજૂઆત કરી હતી. જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગામના સરપંચ ના પતિ વાલમ સિંહ પટેલ અને રતનસિંહ નાયકા વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી શરૂ થતા આ બંનેના અન્ય વ્યક્તિઓ પણ ઝગડવા માંડ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે જે રીતે મહિલા સરપંચના પતિ અને  માજી સરપંચ તેમજ  અન્ય વ્યક્તિઓ વચ્ચે છુટા હાથની મારામારી દસ મિનિટ કરતાં વધુ સમય શરૂ રહેતા કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા  સરપંચના પતિ  તેમજ માજી સરપંચ સહિતના ઓને પોલીસ મથક ખાતે લઇ જઇને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે રેફરલ હોસ્પિટલ ખાતે માજી સરપંચ રતનસિંહ નાયકા,દિલીપ નાયકા તેમજ સરપંચ નંદાબેન વાલમસિંહ પટેલ, વાલમ  મગનભાઈ પટેલ સારવાર અર્થે દાખલ થયા હતા. માજી સરપંચ નાયકા રતનસિંહ એ જણાવ્યું હતું કે અમારા દ્વારા કોઈ સરપંચના સિક્કા કે સહી કરવામાં આવી નથી. ગામમાં  વિકાસના કામો  અમારા દ્વારા કરવામાં આવતા હોવાથી સરપંચ દ્વારા અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે.જ્યારે  પોલીસ દ્વારા બન્ને તરફની ફરિયાદ  નોંધવાની તજવીજ હાથધરી હતી. પંચાયત કચેરી ખાતે ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત તેમના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થવા સાથે લોકોમાં ભારે ચર્ચાનો મુદ્દો આ બની જવા પામ્યો હતો.

Most Popular

To Top