Columns

કિલ્લાની તોતિંગ દીવાલોમાં કેદ વર્ષો સુધી રડતી રહી એક સુંદર રાજકુમારી ઝેબુન્નિસા!

ઇતિહાસના સૌથી ભયંકર મુઘલ શાસકોમાંના એક ઔરંગઝેબના અતિરેકનો ભોગ બન્યા તે સૌ પારકા ન્હોતા તેમના પોતાના પણ હતા. ઔરંગઝેબનો અતિ જુલ્મ તેની સગી દીકરીએ પણ સહન કર્યો હતો! લોકો શાહજહાં અને મુમતાઝ વચ્ચેના પ્રેમની વાતો જીવે છે. બંનેનો ત્રીજો પુત્ર ઔરંગઝેબ હતો, જે એક ક્રૂર મુઘલ શાસક તરીકે પણ છાપ ધરાવતો હતો. ઈતિહાસકારોના મતે રાજકુમારી ઝેબુન્નિસા બે દાયકા સુધી કિલ્લામાં કેદ રહી હતી અને શેર-ઓ-શાયરી સાથે તેના હૃદયનું મનોમંથન ચાલુ રાખ્યું હતું. 1707માં તે ત્રાસને કારણે મૃત્યુ પામી પરંતુ તેમના મૃત્યુ પહેલાં તેઓ શ્રીકૃષ્ણમય ભક્ત તરીકે જાણીતા બન્યા. ઝેબુન્નિસા મુઘલ શાસક ઔરંગઝેબ અને બેગમ દિલરસ બાનોની સૌથી મોટી સંતાન હતી. 15 ફેબ્રુઆરી, 1638ના રોજ જન્મેલી ઝેબુન્નિસાના બાળપણનો બહુ ઓછો ઉલ્લેખ છે. તેણીની સગાઈ તેના પિતરાઈ ભાઈ સુલેમાન શિકોહ સાથે થઈ હતી પરંતુ સુલેમાનના સમય પહેલા અવસાનને કારણે નિકાહ થઈ શક્યા ન હતા.

મહેલમાં રહેતી ઝેબુન્નિસાનો પ્રેમ વાંચન તરફ વધતો ગયો. ફિલસૂફી, ઈતિહાસ જેવા વિષયોમાં ઝડપથી નિપુણતા પ્રાપ્ત કર્યા પછી તેનું મન સાહિત્ય તરફ આગળ વધ્યું. ઝેબુન્નિસાના ઉસ્તાદ હમ્માદ સઈદ અશરફ મઝંધરાની હતા. જેઓ પોતે પર્શિયન શાયર હતા. આ રીતે રાજકુમારીમાં કવિતા, શેરો-શાયરી પ્રત્યે પ્રેમ વધ્યો. તેણીએ ખૂબ જ નાની ઉંમરે તેના મહેલના વિશાળ પુસ્તકાલયની શોધ કરી હતી અને પછી બહારથી પણ તેના માટે પુસ્તકો મંગાવવામાં આવ્યા હતા. ઝેબુન્નિસા પોતે શ્રેષ્ઠ કવયિત્રી તરીકે ઉભરી. મુશાયરાઓમાં પણ તેમને બોલાવવા લાગ્યા. ધર્મ ઝનૂની અને કટ્ટર ઔરંગઝેબને આ સ્વીકાર્ય ન હતું. તેથી પુત્રીએ મેળાવડાઓમાં ગુપ્ત રીતે હાજરી આપવાનું શરૂ કર્યું.

એવું કહેવાય છે કે ઔરંગઝેબના દરબારી કવિ પોતે ઝેબુન્નિસાને આ મેળાવડામાં બોલાવતા હતા. ઝેબુન્નિસા પોતાનું નામ છુપાવવા માટે ફારસી ભાષામાં અને ‘મખ્ફી’ તખલ્લુસથી કવિતાઓ લખતી હતી. ઝેબુન્નિસા ઊંચા કદના એક સ્તરની કવિતાની તીવ્ર સમજ ધરાવતી હતી. તેઓ સામાન્ય રીતે સાદા હતા પરંતુ મુશાયરા માટે અલગ રીતે પોશાક પહેરતાં હતા. તે સફેદ પોશાક પહેરતા અને માત્ર સફેદ મોતી પસંદ કરતા. તેણીનો મોતીઓ સિવાય અન્ય કોઈ રત્નથી શણગાર ન હતો. એવું કહેવાય છે કે ઝેબુન્નિસાએ એક ખાસ પ્રકારની કુર્તીની શોધ કરી હતી, જે તુર્કસ્તાનના પોશાકને મળતી આવે છે. તેને ‘અન્યયા કુર્તી’ કહેવામાં આવે છે. ઝેબુન્નિસાના પ્રેમ વિશે જુદા જુદા ઉલ્લેખો છે.

એવું કહેવાય છે કે મેળાવડામાં જતાં તેમને હિન્દુ બુંદેલા મહારાજ છત્રસાલ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઔરંગઝેબને બુંદેલા મહારાજા સાથે કટ્ટર દુશ્મની હતી. ઔરંગઝેબ ધાર્મિક રીતે ખૂબ જ કટ્ટરપંથી કોઈ પણ સંજોગોમાં તેના પરિવારના કોઈ પણ સભ્યને હિંદુ રાજા સાથે સંબંધ હોવો જોઈએ તે સ્વીકાર્યું ન હતું. ઈતિહાસકારોનું કહેવું છે કે જ્યારે ઝેબુન્નિસાએ બુંદેલા મહારાજા છત્રસાલને કોઈ કાર્યક્રમ દરમિયાન જોયો ત્યારે તેણે પોતાનું હૃદય તેમને આપ્યું હતું. આ વાતથી ઔરંગઝેબને ગુસ્સો આવ્યો કારણ કે તે મહારાજા છત્રસાલને પોતાનો દુશ્મન માનતો હતો. ઔરંગઝેબે ઠપકો આપ્યો અને ઝેબુન્નિસાને ચૂપ કરી દીધી. રાજા છત્રસાલ મસ્તાનીના પિતા હતા.

કહેવાય છે કે જુવાનીના ઉંબરે ઉભેલી ઝેબુન્નિસાએ મરાઠા છત્રપતિ શિવાજીની બહાદુરીની ઘણી વાતો સાંભળી હતી. મહિનાઓ પછી ઝેબુન્નિસાએ જ્યારે શિવાજીને આગ્રામાં જોયા ત્યારે તે તેમની બહાદુરીથી મોહિત થઈ ગઈ હતી. દરમિયાન જ્યારે તક મળી ત્યારે ઝેબુન્નિસાએ તેણીની પ્રેમની વિનંતી શિવાજી મહારાજને મોકલી. પરંતુ જ્યારે અપેક્ષા મુજબ જવાબ ન આવ્યો તે પછી ઝેબુન્નિસા કવિતાની દુનિયામાં ડૂબી ગઈ. ઝેબુન્નિસાનું હૃદય એટલું તૂટી ગયું કે તે શેર-ઓ-શાયરીમાં એટલી મશગુલ થઈ ગઈ કે તેણે મુશાયરા અને મેળાવડામાં હાજરી આપવાનું શરૂ કર્યું.

એક મુશાયરા દરમિયાન બે વાર પ્રેમમાં હતાશ થયેલી ઝેબુન્નિસાને કવિ અકીલખાન રાઝી મળ્યા અને તે મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. હવે લોકો બંનેના પ્રેમની વાતો કરવા લાગ્યા. ઔરંગઝેબ પોતાની પુત્રીનો અકીલખાન રાઝી પ્રત્યેનો આ પ્રેમ સહન ન કરી શક્યો. આ પ્રેમ પણ જલ્દી જ ચર્ચામાં આવી ગયો. કહેવાય છે કે દિલ્હીનો સલીમગઢનો કિલ્લો તેમના પ્રેમનો સાક્ષી બન્યો હતો. ઔરંગઝેબ અકીલખાન રાઝી અને પુત્રી ઝેબુન્નિસાના પ્રેમને સહન કરી શક્યો નહીં અને 1691માં અકીલખાન રાઝીને સલીમગઢ કિલ્લામાં કેદ કરવામાં આવ્યો.

પછી ઝેબુન્નિસાના પ્રેમી અકીલખાન રાઝીને તે જ સલીમગઢ કિલ્લામાં ઔરંગઝેબે નજર સામે હાથીઓના પગ તળે કચડીને મારી નાખવામાં આવ્યો હતો. તેને કોઈ અજાણી જગ્યાએ દફનાવ્યો. ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસાને તેના પિતાની ઇચ્છા વિરુધ્ધ પ્રેમની સજા સલીમગઢ કિલ્લામાં કેદની મળી! તેણી બે દાયકા સુધી કિલ્લામાં કેદ રહી હતી અને શેર-ઓ-શાયરીથી તેમનું દિલ ખુશ રાખ્યું હતું.ઝેબુન્નિસાનું મૃત્યુ 3 માર્ચ, 1707ના થયું હતું. પરંતુ તેણી મૃત્યુ પામ્યા તે પહેલાં કૃષ્ણના ભક્ત તરીકે જાણીતી બની ગઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબે ઝેબુન્નિસાને તેના પ્રેમીથી અલગ કરી અને તેને જેલમાં બંધ કરી દીધી ત્યારે તેણે કવિતા લખવાનું શરૂ કર્યું. તે જીવનભર અપરિણીત રહી. તેમના બંદીવાસ દરમિયાન ઝેબુન્નિસાએ 5000થી વધુ ગઝલો, શેર અને રૂબૈયાં અને કવિતાઓનો કાવ્યસંગ્રહ ‘દીવાન-એ-મખ્ફી’ લખ્યો. વાલિદ હિંદુઓને નફરત કરતા પરંતુ પુત્રી ઝેબુન્નિસા શ્રીકૃષ્ણના પ્રેમમાં પડી. પ્રેમ રતન ધન પાયો!

ઈતિહાસ સાક્ષી છે, ઔરંગઝેબ પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મ તેના અનુરાગીઓથી નફરત કરતો હતો પરંતુ તેની પુત્રી ઝેબુન્નિસાએ નફરત સામે બળવો કર્યો અને શ્રીકૃષ્ણને અપનાવી લીધા. ઝેબુન્નિસાએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમી માની તેમની લગનીમાં શેર-ઓ-શાયરી સમર્પિત કરી હતી.ઝેબુન્નિસાના વ્યક્તિત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે મુઘલ પરિવારમાં તેમના છેલ્લા શાસક બહાદુરશાહ ઝફર અને દુનિયા ઝેબુન્નિસાની કવિતાની પ્રશંસા કરતી. મિર્ઝા ગાલિબ પહેલા તે એકમાત્ર કવયિત્રી હતી, જેમની રૂબૈયાં, ગઝલો અને શેરોનો અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી સહિત ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે!

ઈતિહાસકારોના મતે સલીમગઢનો કિલ્લો 1526માં શેરશાહ સૂરીના શહજાદા ઈસ્લામ શાહ સૂરી ઉર્ફે સલીમ શાહે બંધાવ્યો હતો. સલીમગઢ કિલ્લો ઉત્તર-પૂર્વમાં યમુના નદીના કિનારે છે. તેમાં કાંકરાથી ચણાયેલી વિશાળ દીવાલો છે. ઔરંગઝેબના શાસન દરમિયાન સલીમગઢનો ઉપયોગ જેલ તરીકે થતો હતો. મુઘલો બાદ આ જગ્યાને અંગ્રેજોએ પણ જેલ બનાવી હતી. 1945માં આઝાદ હિંદ ફોજના ઘણા નેતાઓને આ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ઈતિહાસકારોના મતે ઔરંગઝેબે પોતાની દીકરી ઝેબુન્નિસાને આજીવન કેદ કરી રાખી હતી. 20 વર્ષ સુધી કેદમાં રહ્યા પછી ઝેબુન્નિસાનું અહીં મૃત્યુ થયું. તેણીને કાબૂલી દરવાજાની બહાર તીસ હજારા બાગમાં દફનાવવામાં આવી હતી.

મહેલોમાંથી સીધી કેદ થયેલી રાજકુમારીની હિંમત પછી પણ ઓછી ન્હોતી. કિલ્લામાં કેદ થયા પછી પણ તેણીએ ગઝલો, શેર અને રૂબૈયાં લખવાનું ચાલુ રાખ્યું. ઝેબુન્નિસા શ્રીકૃષ્ણ અનુરાગી હતી. સુફિયાના કવયિત્રી હતી. ઉર્દૂ સાહિત્યમાં તેમનું સ્થાન મીરાંબાઈ જેટલું જ હતું! આ ક્રૂર મુઘલ શાસકની પુત્રી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન હતી. જુલ્મની કોઈ સીમા હોતી નથી, કટ્ટરવાદ માનવતાની દરેક હદ પાર કરી ખાનદાનનું નિકંદન હાથે કરે છે. જેણે ફકત પુસ્તકોમાં જ શ્રીકૃષ્ણ નિહાળ્યા હતા તે ઝેબુન્નિસા પણ પ્રેમનો અર્થ ત્યાંથી પામી!

Most Popular

To Top