SURAT

મહિલાઓ સાથે મજા કરવા અને પૈસા કમાવા સુરતના યુવકને બનવું હતું પ્લેબોય, પણ તેની સાથે એવું થયું કે..

સુરત(Surat) : કતારગામમાં રહેતા યુવકને પ્લેબોય (Play Boy) કંપનીમાં નોકરી આપવાના બહાને અલગ અલગ ત્રણ યુવતીઓએ ફોન કરીને મહિલા કસ્ટમર (Customer) સાથે એક મીટીંગના રૂા.15 થી 25 હજાર આપવાની લાલચમાં 1 લાખ પડાવી લીધા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં રહેતો રાજેશ (નામ બદલ્યું છે) ઉપર એપ્રિલ મહિનામાં ત્રણ દિવસ સુધી ત્રણ અલગ અલગ યુવતીઓએ ફોન કરીને પ્લેબોય કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી હતી. સૌપ્રથમ ધારા, ત્યારબાદ માનસી અને ત્રીજા દિવસે પ્રિયંકા નામની યુવતીઓએ એકબીજાનો રેફરન્સ આપીને રાજેશને પ્લેબોય કંપનીમાં નોકરી આપવાની સાથે સાથે જે મહિલા કસ્ટમરો હોય તેઓની એક મીટીંગના રૂા.15 થી 25 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હતી.

ત્રણ દિવસ સુધી રાજેશ ઉપર ફોન આવતા રાજેશ લલચાયો હતો. રાજેશે ત્રણેય યુવતીની વાતમાં આવીને ગુગલ પે તેમજ અન્ય ઓનલાઇન ટ્રાન્સફર મારફતે રૂા.1.07 લાખ કેથોલિક સીરીયન બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ રાજેશે ત્રણેયને મળવાની સાથે નોકરીની વાત કરી ત્યારે અચાનક જ ત્રણેયએ પોતાના મોબાઇલ ફોન સ્વીચઓફ કરી દીધા હતા. પોતાની સાથે ઠગાઇ થઇ હોય રાજેશે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમરોલીમાં યુવકે ફ્લીપ કાર્ડ પર મંગાવેલો 10 હજારનો મોબાઈલ પરત કરવાના ચક્કરમાં 1.70 લાખ ગુમાવ્યા
સુરત: શહેરના અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા એલએન્ડટીના કર્મચારીને ફ્લીપ કાર્ડમાંથી ખરીદેલો 10 હજારનો મોબાઈલ પર કરવાનું 1.70 લાખમાં પડ્યું હતું. ભેજાબાજે એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય તેજસ રાજેશ પટેલ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફિટરનું કામ કરે છે. અઢી મહિના પહેલાં ફ્લીપ કાર્ડ ઉપરથી 10 હજારની કિંમતનો મોબાઈલ ખરીદ્યો હતો. મોબાઈલની ડીસ્પ્લે ખરાબ હોવાથી મોબાઈલ રિટર્ન કરવા ઓનલાઈન અરજી કરી હતી. ગત તા.22 માર્ચે તેમના ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો અને પોતાની ઓળખ ફ્લીપ કાર્ડ કંપનીના કર્મચારી તરીકે આપી બે કલાકમાં ટેક્નિશિયન ઘરે આવીને મોબાઈલ પરત લઈ જશે તેવું કહી ફોન કાપી નાંખ્યો હતો. બાદ પરત ફોન આવતાં તેમની પાસે એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર 1.70 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top