Sports

સફળતાનો નશો ઉતરતા વાર નથી લાગતી એ રિયાન પરાગ અને ઈશાન કિશને સમજવું પડશે

ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. ભારતમાં આ રમત પ્રત્યે લોકોમાં ગાંડપણના હદ સુધીનો પ્રેમ છે. 1990 પછીની પેઢીએ જ્યારે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું હશે ત્યારે તેમણે એવા ખેલાડીઓ જોયા જ હશે કે જો અમ્પાયરે આઉટ ન આપ્યો હોય અને તેમને ખબર પડે કે હું આઉટ છું તો તેઓ અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વગર ક્રિઝ છોડીને જતા રહેતા હતા. તેથી જ આજે પણ તે ખેલાડીઓ મહાન ખેલાડી કહેવાય છે. એક મહાન ખેલાડી માત્ર રેકોર્ડ અને તેની શ્રેષ્ઠ રમતથી જ મહાન નથી ગણાતો પણ મહાન ખેલાડી એ કહેવાય છે જેણે પોતાના આચરણથી દુનિયાનું દિલ જીતી લીધું હોય. એવા ખેલાડીઓ કે જેમણે ઘણી મેચ રમી છે પરંતુ આજ સુધી તેમનું નામ ક્યારેય વિવાદોમાં નથી જોડાયું. આજે પણ જ્યારે આ ખેલાડીઓનો સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ થાય છે ત્યારે દરેક દેશના લોકો તેમને પ્રેમ અને સન્માન આપે છે.

સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, મેથ્યુ હેડન, કેન વિલિયમસન, બ્રાયન લારા, એડમ ગિલક્રિસ્ટ, એબી ડી વિલિયર્સ અને બીજા ઘણા ખેલાડીઓ જેમના નામ હું અહીં લખી શક્યો નથી, પણ તેમની ઇનિંગ્સ જુઓ અને સાથે જ તેમનું આચરણ પણ જુઓ. આ એવા ખેલાડીઓ છે જેમની સામે સારા બેટ્સમેન કે બોલરો ટકી શક્યા નથી. પરંતુ તેમનામાં કોઈપણ પ્રકારનું ખોટું આચરણ જોવા મળતું નહોતું. આટલી મોટી પ્રસ્તાવના બાંધવાની અહીં એટલે જરૂર પડી છે કે હાલમા રમાઇ રહેલી IPLમાં બે ખેલાડીઓએ થોડું અભદ્ર કહેવાય તેવું કામ કર્યું છે. આ ખેલાડીઓ ભારતના છે અને તેને ભારતીય ક્રિકેટનું ભાવિ ગણવામાં આવતા હતા.. પરંતુ આ બંને ખેલાડીએ કંઇક એવું કર્યું કે કહ્યું છે કે જેનાથી લાગે છે કે તે ભારત કે વિશ્વના મહાન ખેલાડીઓ પાસેથી કંઈ શીખ્યો નથી. આ બે ખેલાડી છે રિયાન પરાગ અને ઇશાન કિશન.

સૌથી પહેલા રિયાન પરાગની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રિયાન પરાગે કેટલીક ઇનિંગ્સ એવી રીતે રમી કે એવું લાગી રહ્યું હતું કે ભારતને એક સારો ખેલાડી મળી ગયો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેદાન પર તેનું બેટ શાંત રહ્યું છે છતાં મેદાન પર આ ખેલાડીએ તાજેતરમાં એવું વર્તન એવું હતું કે ક્રિકેટ ચાહકો પણ રોષે ભરાયા હતા. વાત ગત રવિવારની છે. 15મેના રવિવારે બે મેચ હતી. જેમાં બીજી મેચ લખનૌ સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગની છેલ્લી ઓવર ચાલી રહી હતી. રાજસ્થાન રોયલ્સનો વિજય લગભગ નિશ્ચિત જણાતો હતો.

માર્કસ સ્ટોઈનિસ મેદાન પર એકમાત્ર એવો હતો, જે કંઈ પણ કરી શકતો હતો. પ્રસિદ્ધ કૃષ્ણના પહેલા બોલ પર તેણે સિક્સર ફટકારી, પછી બીજા બોલ પર પણ તેણે લોફ્ટેડ શોટ માર્યો. જો કે, બોલ લોંગ-ઓન બાઉન્ડ્રીની નજીક રિયાન પરાગના હાથમાં ગયો. તેનો કેચ પકડી બાદ રિયાન પરાગે એક અજીબ કૃત્ય કર્યું, જે કોમેન્ટેટર્સને પણ ગમ્યુ નહોતું. તેણે કેચ પકડ્યા પછી બોલને જમીનની નજીક લઇ ગયો હતો અને પછી ઊભા થઈને અમ્પાયરને સંકેત આપ્યો કે બોલ જમીનને સ્પર્શ્યો નથી. આમ કરીને તેણે ખરેખર તો અમ્પાયરની મજાક ઉડાવી હતી. આ પહેલા સ્ટોઇનીસનો તેણે એક કેચ પકડ્યો હતો, જેને થર્ડ અમ્પાયરે જમીન સાથે અડ્યો હોવાનું માનીને નોટઆઉટ આપ્યો હતો.

જો કે રિયાન પરાગે કરેલું આ કૃત્ય કોઈને પસંદ આવ્યું નહોતું. મેચ બાદ તેને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. ટ્રોલર્સે તેને સારો ક્રિકેટર બનવાની સલાહ પણ આપી હતી. પણ રિયાન પરાગે તેને કાને ધરી નહોતી. કારણ કે તે પોતાને એક મોટો ક્રિકેટર માનવા લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડને પણ તેના વર્તનની ટીકા કરી હતી. હેડને કહ્યું, ‘મારી પાસે તમારા જેવા યુવાનો માટે સલાહ છે, ક્રિકેટ ખૂબ લાંબી રમત છે અને તેની સાથે આપણે બધાની ઘણી યાદો જોડાયેલી છે.

હેડન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપ પણ પરાગની એક્શનથી નારાજ હતો, તેણે કહ્યું કે તમારા ક્રિકેટનું ભવિષ્ય પણ તમારી ક્રિયાઓથી નક્કી થાય છે. રિયાન પરાગ પોતાની ભૂલ સ્વીકારીને પોતાને સારો ક્રિકેટર સાબિત કરી શક્યો હોત, પરંતુ એમ કરવાને બદલે તેણે હેડનને વળતો જવાબ આપ્યો હતો. રિયાન પરાગે ટ્વીટ કરીને હેડનને જવાબ આપતો હોય તેમ લખ્યું હતું કે આગામી 20 વર્ષોમાં કોઈ કોઈની પરવા કરવાનું નથી. જીવનમાં જે કંઇ છે તે હાલમાં જ છે અને તેનો આનંદ લેતા રહો.. જો કે રિયાન પરાગે આવું વર્તન કરીને એ દાખવી દીધું છે કે તે ક્યારેય શ્રેષ્ઠ ખેલાડી બનવા માગતો નથી.. દરેક ખેલાડીને પોતાના દેશ માટે રમવાની ઈચ્છા હોય છે.

બ્લુ જર્સી માટે યુવા ખેલાડીઓ દિવસ-રાત મેદાનમાં પ્રેક્ટિસ કરતા રહે છે અને મેદાનમાં કંઈક ચમત્કાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ રિયાન પરાગની આ સ્ટાઈલ જોઈને આપણે કહી શકીએ કે ક્યાં તો તેણે એવું માની લીધું છે કે તેનો કદી ટીમ ઇન્ડિયામાં ચાન્સ લાગવાનો નથી અથવા તો તે કદાચ એવું સમજી બેઠો હશે તે તે કોઇ મોટો ખેલાડી છે અને એ અભિમાનમાં રાચીને તે આવી વાતો કરી રહ્યો છે. હવે વાત કરીએ ઈશાન કિશનની. IPLની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ રકમ ખર્ચીને ઇશાન કિશનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાલની આઇપીએલમાં ઈશાન કિશન શરૂઆતમાં સારું રમ્યો પણ તે પછી તે સતત ફેલ ગયો હતો અને તેના કારણે સૌથી મોંઘો ખેલાડી બનેલો ઈશાન કિશન આ સિઝનમાં ફ્લોપ રહ્યો છે એવું કહી શકાય.

જ્યારે ઈશાન કિશનને તેના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે શ્રેષ્ઠ ખેલાડીઓને પણ કોઈને કોઈ સમયે ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું છે. મેં ક્રિસ ગેલને પણ સેટલ થવામાં સમય લેતા જોયો છે. જો કે અહીં વાંધો એ છે કે ઇશાને પોતાના ફોર્મને જસ્ટીફાય કરવા માટે ક્રિસ ગેલ જેવા ખેલાડીનું નામ લીધું હતું. અહીં તમારે બીજી એક વાત સમજવાની છે. ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ છેલ્લા બે વર્ષથી તેના ફોર્મ મામલે સંઘર્ષ કરી રહ્યો છે.

પરંતુ જ્યારે પણ તેને તેના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ સરળ રીતે જવાબ આપ્યો. તેણે કોઈપણ ક્રિકેટરનું નામ લીધું નથી. આ બંને ખેલાડીઓએ જે વર્તન કે વ્યવહાર દર્શાવ્યો છે તે યોગ્ય તો નથી જ. આ બંનેએ અંબાતી રાયડુનો દાખલો લેવાની જરૂર છે. અંબાતી રાયડુ આ બે ખેલાડીઓ કરતાં ઘણો સારો ખેલાડી રહ્યો છે. પરંતુ તે પણ પોતાના સ્વભાવના કારણે ક્યારેય ભારતીય ટીમનો મુખ્ય ભાગ બની શક્યો નહીં. 28 વર્ષની ઉંમરે તેને પહેલીવાર ભારતીય જર્સી પહેરવાનો મોકો મળ્યો. પરંતુ તે તેને જાળવી શક્યો નહીં. IPL દરમિયાન હરભજન સિંહ સાથે ઝઘડો થયો હતો.

Most Popular

To Top