એપ્રિલ 2018માં UNની સામાન્ય સભાએ 3 જૂનના દિવસને ઇન્ટરનેશનલ બાઈસિકલ-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી તે પછી સુરતમાં નિયમિત રીતે બાઈસિકલ-ડેની ઉજવણી પર્યાવરણની જાળવણી, જીવદયા અને સ્વાસ્થ્યની જાળવણીના હેતુસર કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ અને વ્હીકલ પ્રદૂષણ વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધતા જુદાં જુદાં સંગઠનો મહત્તમ બાઈસિકલનો ઉપયોગ કરવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. સાઈક્લિસ્ટ એસોસીએશન ઓફ સુરત ડિસ્ટ્રિકટના સેક્રેટરી પરીક્ષિત ઇચ્છાપોરીયા કહે છે કે કોવિડ-19 કોરોના સંક્રમણ દરમિયાન જીમ અને ફીટનેસની તમામ એકટીવીટી બંધ થઇ જતા લોકો બાઈસિકલ તરફ વળ્યા છે. પાંચ-સાત વર્ષ પહેલાં બાઈસિકલનું કોઇ ખાસ મહત્ત્વ ન હતું. આજે તેનું ટ્રાન્સપોર્ટ અને ફીટનેસ વાઇસ મહત્ત્વ છે. કોવિડ દરમિયાન ફીટનેસની જાળવણી માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું હોય તેવી એક માત્ર સુવિધા બાઈસિકલ હતી. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા અને વડોદરા ગ્રામ્યમાં સાઈક્લિસ્ટ એસોસીએશન સક્રિય છે. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની ટીમ માટે 30 સાઈક્લિસ્ટની પસંદગી થાય છે તેમાં 21 થી 22 સાઈક્લિસ્ટ સુરતના હોય છે. ચેમ્પિયનશીપ માટે સુરતમાં ઘણાં કોચીંગ સેન્ટર ચાલે છે. અન્ડર-14, 15, 17 અને 18 કેટેગરીની સ્પર્ધાઓમાં સુરતનો દબદબો છે. ઇચ્છાપોરીયા કહે છે કે અમારું એસોસીએશન વર્ષ દરમિયાન સ્કૂલ ગેમ્સ, ખેલ મહાકુંભ અને રાજ્ય સરકારની સ્પર્ધાઓમાં ભાગ લે છે. સુરતમાં ઘણાં એસોસીએશન આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે
સુરતમાં બાઈસિકલ ક્રેઝ વધતા પાલિકાએ 66 કિ.મી.નો સાઈકલ ટ્રેક ઊભો કર્યો
કોરોનાકાળ દરમિયાન સુરતમાં બાઈસિકલનો ક્રેઝ વધતા સુરત મહાનગરપાલિકાએ શહેરના પીપળોદ અને પાલ ગૌરવપથ વિસ્તારમાં 66 Km. સાઈકલ માટેનો ટ્રેક ઊભો કર્યો હતો. ગૌરવપથ પર પાલિકાએ બનાવેલા સાઈકલ ટ્રેક પર ઇ-સાઈકલ મીનીમમ દરે ફેરવવા લઇ જઇ શકાય છે. નાના વરાછાથી કામરેજ ચાર રસ્તા સુધી 10 કિ.મી.નો સાઈકલ ટ્રેક હવે તૈયાર કરાશે. સુરત મનપા ઇ-સાઈકલ પ્રોજેકટ પણ લાવી રહી છે તથા સાઈકલ ટ્રેકનો વિસ્તાર વધારી 80 કિ.મી. કરશે. ઇ-સાઈકલ માટે સાઇકલનું ભાડું પ્રતિ માસ 3500થી 4000 રૂ. નક્કી કરવામાં આવ્યું છે. ઇ-સાઈકલ એક જ ચાર્જમાં 25 કિ.મી. ચાલશે. 15 મિનિટનું ભાડું 30 થી 50 રૂ. રહેશે. સુરત મનપાએ સ્વ. સુનીલ જૈનને બાઈસિકલ કલબના પ્રથમ મેયર ઘોષિત કર્યા હતા.
- સુરતમાં આટલા સાઈક્લિસ્ટ એસોસીએશન સક્રિય છે
- સાઈક્લિસ્ટ એસોસીએશન ઓફ સુરત ડિસ્ટ્રિકટ
- સાઈક્લિસ્ટ કલબ ઓફ સુરત
- સુરત સાઈક્લિસ્ટ
- લાઇટ સાઈક્લિંગ ગ્રીન એસોસીએશન
- પી.ટી સાયન્સ સાઈક્લિંગ ક્લબ
કોરોના કાળમાં સેકન્ડહેન્ડ બાઈસિકલ પણ મળતી ન હતી: વિજય મેવાવાળા
સાઈક્લિંગ કલબ ઓફ સુરતના ફાઉન્ડર પ્રમુખ વિજય મેવાવાળા કહે છે કે કોવિડ-19 કોરોના કાળમાં સાઈકલના વેચાણમાં સર્વાધિક તેજી હતી તે સમયે સેકન્ડહેન્ડ સાઈકલ પણ મળતી ન હતી. ભારત સરકારની નીતિને લીધે ચીનથી બાઈસિકલનો ઇમ્પોર્ટ અટકી જતા આજે નવી બાઈસિકલનો ભાવ 35 થી 40 હજાર પર પહોંચ્યો છે. સામાન્ય સાદી સાઈકલ 12 થી 15 હજાર રૂપિયામાં વેચાય છે. જયારે જૂની બાઈસિકલ 20 થી 25 હજારની કિંમતની થઇ છે. મેવાવાળા કહે છે કે અમારી સંસ્થા પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમોમાં ભાગ લે છે. 12 થી 15 વર્ષના કિશોર માટે વર્ષમાં એક-બે વાર ડાંગ, નવસારી, ચીખલીની 75 થી 100 કિ.મી. સુધીની લોંગ રાઇડ ઈવેન્ટ રાખવામાં આવે છે.
ત્રણ પ્રકારની બાઈસિકલનો ક્રેઝ વધુ છે
સાઈક્લિસ્ટ કલબ ઓફ સુરતના ફાઉન્ડર પ્રમુખ વિજય મેવાવાળા કહે છે કે સુરતમાં ત્રણ પ્રકારની બાઈસિકલનો ક્રેઝ છે. માઉન્ટેન 21 ગિયરની હોય છે જેના ટાયર ખૂબ પહોળા હોય છે. આ પ્રકારની સાઈકલ સાપુતારા જેવા ઊંચાણવાળા વિસ્તારમાં ચલાવવામાં આવે છે. બીજી સાઇકલને રેસીંગ બાઇક કહેવામાં આવે છે. જે ખરાબ રસ્તાઓ પર પણ દોડી શકે છે જયારે હાઇબ્રિડ સાઇકલના ટાયર નોર્મલ હોય છે જે કોઇ પણ સાઈકલ ટ્રેક પર ઝડપથી ચાલી શકે છે.