સુરત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) 30 મે સુધી અરબી સમુદ્ર અને દરિયા (Sea) કિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં પલ્ટો આવવા સાથે સુરત શહેરમાં પણ તાપમાન નીચુ ગયું છે. વિતેલા ત્રણ ચાર દિવસથી સુરત શહેરમાં તાપમાનમાં 1-1 ડિગ્રીની વધઘટ થઇ રહી છે.
- હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું, સુરતમાં પણ છેલ્લા ચારેક દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે
- ભરૂચ, દહેજ, મગદલ્લા તેમજ દમણના માછીમારોએ 5 દિવસ માછીમારી નહીં કરવા હવામાન વિભાગની ચેતવણી
ભરૂચ, દહેજ, મગદલ્લા-દમણના માછીમારોને અરબી સમુદ્રમાં આગામી 5 દિવસ માછીમારી નહીં કરવા હવામાન વિભાગે એલર્ટ કર્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા દ.ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોને આગામી 5 દિવસ માટે એલર્ટ કરવા સાથે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે અરબી સમુદ્રમાં 30 મે સુધી 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ શકે છે. માછીમારોને દરિયો નહીં ખેડવા એલર્ટ કરવામાં આવ્યા છે. દરિયામાં તેજ ગતિએ પવન ફુંકાવાને કારણે દરિયો તોફાની બની શકે છે જેથી અરબી સમુદ્રમાં સફર નહીં કરવા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
12 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સાથે સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી
આજે શહેરનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 34 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાનનો પારો 27.7 ડિગ્રી રહ્યો હતો. હવાનું દબાણ 1004.9 મિલીબાર અને પવનની ગતિ 12 કિ.મી પ્રતિ કલાક નોંધાઇ હતી. પવનની ગતિ વધુ હોવા છતાં બપોરના સમયે ગરમી અનુભવાઇ હતી જોકે સાંજ પડતા જ ગરમીથી શહેરીજનોને આંશિક રાહત રહી હતી. દક્ષિણ પશ્વિમ દિશામાંથી ફુંકાતા દરિયાઇ પવનોને કારણે સાંજના સમયે બફારા અને ઉકળાટથી રાહત અનુભવાઇ રહી છે.
બારડોલીમાં ગ્લોબલ વોર્મિંગની કેરી પર અસર : ધુમ્મસ અને કમોસમી વરસાદે સિઝન બગાડી
બારડોલી: ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે. જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે કેરીના મોરને નુકસાન થવાથી કેરીની સિઝન મોડી શરૂ થઈ છે. હાલ બજારમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં કેરી જોવા મળી રહી છે. બીજી તરફ બે દિવસ પહેલા પડેલા વરસાદી ઝાપટાંને કારણે ખેડૂતોની પણ ચિંતિત બન્યા છે.
ફળોના રાજા કેરી લોકોને ખાવા માટે તો દુર્લભ થઈ છે. પરંતુ વેપારી અને ખેડૂતોને પણ રડાવી રહી છે. ખાસ કરીને વેપારીઓ આંબા પર મોર આવવાની શરૂઆત થાય ત્યારે જ આંબાવાડી ભાડે રાખી લેતા હોય છે. મોરને જોઈને ભાવ નક્કી કરી ખેડૂતોને ચૂકવી દેવામાં આવે છે. આ વખતે આંબા પર મોર સારા પ્રમાણમાં આવતા ખેડૂતો અને વેપારીઓને પર કેરીની સિઝન સારી રહેવાની આશા બંધાઈ હતી. પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું.
તેમ છતાં દવાનો છંટકાવ કરી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધુમ્મસ અને વરસાદને કારણે મોર નીચે ખરી પડ્યો હતો. તો કેટલીક જગ્યાએ મોર કાળો પડી જવાથી કેરીના પાકને મોટું નુકસાન થયું હતું. કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે કેરીનું ફળ પણ મોડું થતાં મેનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો હોવા છતાં ખૂબ જ ઓછી માત્રામાં કેરી બજારમાં આવી છે. જેને કારણે લોકોને કેરી ખાવા મળી શકી નથી. વરસાદ અને ધુમ્મસને કારણે પાકી કેરી બગડવાની પણ શક્યતા વધી ગઈ છે. પાકી કેરીમાં ઈયળ પડતાં તે ખાવાલાયક પણ રહી નથી. બજારમાં પણ ઘણી કેરીનો ભાવ વધુ હોવાથી આ વખતે કેરી ખાવું સામાન્ય લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.