વલસાડ : દમણથી (Daman) દારૂ (Alcohol) ભરી લઇ જતી સુરતની (Surat) એક કાર (Car) વલસાડ (Valsad) નજીક હાઇવે નં. 48 પર ડુંગરી ગામની હદમાં પલટી મારી ગઇ હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. જોકે, કારમાં દારૂ હોય તેઓ ભાગી જતાં ત્યાંથી પસાર થતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. જેના પગલે દારૂની એક પણ બોટલ કારમાં બચી ન હતી.
- કારમાં સવાર 4 લોકોને નાની મોટી ઇજા પહોંચી, દારૂની એક પણ બોટલ કારમાં બચી નહી
દમણથી સુરત જઇ રહેલી એક હ્યુન્ડાઇની કાર (નં. જીજે 05-જેઓ-7205) ડુંગરી ઓવરબ્રિજ ઉતરતાં પલટી મારી ગઇ હતી. જેમાંથી દારૂની બોટલો બહાર પડી હતી. કારમાં દારૂ હોય કારમાં સવાર 3 થી 4 શખ્શો ભાગી ગયા હતા. બીજી તરફ અહીંથી પસાર થતાં લોકોએ બિયર અને વ્હીસ્કીની બોટલની લૂંટ ચલાવી હતી. ત્યારે અહીં ભેગા થયેલા કેટલાક લોકોએ ફોટો અને વિડિયો ઉતારી સોશ્યલ મિડિયામાં તેને વહેતા કરી દીધા હતા. જેને લઇ પોલીસની કામગીરીની ભારે કરકરી થઇ હતી.
અજરાઇથી 28 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે સગીર ઝડપાયો
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે અજરાઇ ગામેથી 28 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે સગીરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે ગણદેવી-નવસારી રોડ અજરાઇ ગામ પાસેથી એક ઈનોવા કાર (નં. જીજે-05-સીજે-6863) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 28,800 રૂપયાની વિદેશી દારૂની 540 નંગ બાટલીઓ મળી આવતા પોલીસે સગીરને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે કાર ચાલક અને સુરતના રાંદેર બસસ્ટોપ ખાટકીવાડમાં રહેતા નદીમ શેખ અને સુરતના રાંદેર લાલબાગ કબુતરખાનામાં રહેતા સાજીદ શાહ નાસી જતા પોલીસે નદીમ અને સાજીદને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 3 લાખની કાર મળી કુલ્લે 3,28,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ઝઘડિયાનો ભાગેડુ આરોપી દારૂ સાથે ઝડપાયો
ઝઘડિયા: ભરૂચ પેરોલ ફર્લોની ટીમે ઝઘડિયા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને દુબોરીદ્રા ગામે જવાના રસ્તા પરથી ઝડપી લીધો હતો.
ભરૂચ પેરોલ ફર્લો PSI ડી.આર.વસાવાને ઝઘડિયા પોલીસ મથકના ગુનાના કામના નાસતા ફરતા ઇસમની બાતમી મળી હતી. જેના આધારે તેમણે આપેલા માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો ટીમે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ઝઘડિયા પોલીસ મથકે આરોપી તરીકે નોંધાયેલા નાસતા ફરતા સુનિલભાઇ સુકાભાઇ વસાવા (મૂળ રહે. દુમાલપુર તથા હાલ રહે. ફુલવાડી તા.ઝઘડિયા)ને મુલદ ચોકડીથી અંદર દુબોરીદ્રા ગામ તરફ જવાના રસ્તા પરથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી દેશી દારૂ, મોપેડ તેમજ મોબાઇલ મળીને કુલ રૂા.51260નો મુદ્દામાલ કબજે લીધો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.