અમદાવાદ: સહકારી બેંકો, દૂધ સંઘો અને અન્ય સહકારી સંસ્થામાં મોટાપાયે સગા-વ્હાલા-મળતિયાને બારોબાર ભરતી – ગરરીતિ, લેવડ દેવડ કૌભાંડો સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં ૧૧૧ જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની ફરિયાદ સહકાર મંત્રી અને સહકાર સચિવ સહિતને લેખિતમાં રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
પ્રદેશ કોગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને મહેસાણા નગરપાલિકાના કાઉન્સિલર અમિત પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકે ૧૧૧ કર્મચારીઓની ભરતી કરી તેમાં જાહેરાતમાં બેંકનું નામ ન છાપી પહેલાથી ભ્રષ્ટાચાર કરવાના બદઈરાદાથી તથા સગાવાદના ઈરાદાથી જાહેરાત આપી તે ખુલ્લું પડી ગયું છે. મહેસાણા અને પાટણ જિલ્લાના રોજગાર કચેરીમાંથી બેરોજગારોના નામોની યાદી મંગાવી નથી તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી બેરોજગારની યાદી મંગાવી નથી. ભરતી પ્રક્રિયામાં પ્રાઈવેટ એજન્સી કો.ઓપ. બેંકના ડિરેક્ટરની જ હતી. બેંકના ડિરેક્ટરના સગા-સંબંધીઓએ પરીક્ષા આપી તથા ઈન્ટરવ્યુમાં કો.ઓપ. ડિરેક્ટરની પોતાની કંપનીમાં અમદાવાદ ખાતે ઈન્ટરવ્યુ લીધા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે પરીક્ષાનું પરિણામ કોમ્પ્યુટરમાં લીધું હોવા છતાં ૩૦ દિવસનો સમયગાળો વિતાવ્યા પછી પરિણામની પોતાના મળતીયાઓને ઈ-મેઈલથી જાણ કરી મૌખિક ઈન્ટરવ્યુમાં બોલાવ્યા છે. કંપનીની વેબસાઈટ અને બેંકની વેબસાઈટ પર આજદિન સુધી પરિણામ જાહેર કરાયું નથી. તમામ ડિરેક્ટરોના નજીકના સગા-સંબંધી જેવા કે, ભત્રીજા, ભત્રીજી, કાકા-કાકીના દિકરા, ભાણી, ભાણીયા તથા સાળા તથા સાળીની દીકરીઓ તથા પુત્રવધુ અને પુત્રીની નજીકથી ભરતી કરી છે. જાહેરાતમાં જે ઉંમર દર્શાવેલી હતી તે ઉંમરની ઉપરના ઉમેદવારોને નિમણુંક આપી છે. તે જાહેરાતના નિયમોનો ભંગ કર્યો છે. આ ભરતી કરેલી એજન્સી સરકાર માન્ય ન હોવા છતાં લાખો રૂપિયાનું બીલ ચૂકવવામાં આવ્યું છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે.
મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમાં ૧૦૪ વર્ષના ઈતિહાસમાં આજદિન સુધી ડાયરેક્ટ એકાઉન્ટન્ટની જાહેરાત આપી ભરતી કરવામાં આવી નથી તેમ છતાં એમના મળતીયાઓને ડાયરેક્ટ બ્રાન્ચ એકાઉન્ટન્ટ બનાવી ચાલુ કર્મચારીઓને પ્રમોશનનું નુકસાન પહોંચાડ્યું છે. બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બંધારણ મુજબ ડિરેક્ટરોની કમિટી બનાવી નથી. ડિરેક્ટરોના તથા બેંકના કર્મચારીઓના નજીકના સગાઓની ભરતી કરી કાયદાની કલમ નં. ૭૬-બી તથા ૮૬નો ભંગ કર્યો છે તો તેમને સત્તા પર રહેવાનો અધિકાર રહેતો નથી. રાજ્ય રજીસ્ટ્રાર, જિલ્લા રજીસ્ટ્રારને તથા સહકાર મંત્રીને લેખિત જાણ કરી છે. મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેંકના ૧૧૧ કર્મચારી ભરતી કૌભાંડ અંગે કેમ સમગ્ર તંત્ર મૌન છે ?