મુંબઇનો હિન્દી ફિલ્મોદ્યોગ અત્યારે ફિલ્મ રજૂ કરતા ડરે છે. સાઉથની બે-ત્રણ ફિલ્મોએ મનોરંજનના જે સ્ટેન્ડર્ડ ઊભા કર્યા તેની સામે કેવી રીતે ઊભા રહેવું તેની તેમને મૂંઝવણ છે. જો કે બે-અઢી વર્ષથી અટકેલી ફિલ્મોને હવે રજૂ કર્યા વિના પણ છૂટકો નથી. દરેક ફિલ્મ રજૂ કરનારા નિર્માતા એવું ધારીને બેસતા હોય છે કે અમારી ફિલ્મ બોકસઓફિસનો મુકાબલો કરશે પણ એવું થાય નહીં ત્યારે તેઓ ચૂપ થઇને પોબારા ગણી જાય છે. 13મી મેએ ‘જયેશભાઇ જોરદાર’ રિલીઝ થતી હતી એટલે તેની સામે ન ટકરાવા માટે ‘અનેક’ની રિલીઝ ડેટ 27મી મે કરવામાં આવી હતી. એ સારું જ થયું. ‘જયેશભાઇ જોરદાર’ ખરેખર જોરદાર નથી પૂરવાર થઇ. જો તેની સાથે જ ‘અનેક’ રજૂ થઇ હોત તો કારણમાં આવી ગઇ હોત.
‘અનેક’ના અભિનેતા આયુષ્યમાન ખુરાના અને દિગ્દર્શક અનુભવ સિંહા જોકે વધારે કોન્ફિડન્ટ છે. આ આત્મવિશ્વાસનું કારણ આયુષ્યમાનની પ્રેક્ષકોને ચોંકાવીને ખુશ કરી દેવાની રીત છે અને અનુભવ સિંહા આયુષ્યમાન ખુરાના સાથે ‘આર્ટિકલ 15’ આપી ચૂકયા છે અને તેની ‘તથાસ્તુ’, ‘મુલ્ક’, ‘થપ્પડ’ ફિલ્મો પરથી ય વિચારી શકો કે મજબૂત વિષય અને યોગ્ય ટ્રીટમેન્ટથી જ તે ફિલ્મ બનાવે છે. મોટા સ્ટાર્સ ન હોય તો પણ તેની ફિલ્મો પ્રેક્ષકોમાં જગ્યા ઊભી કરી લે છે. આયુષ્યમાન બહુ હો-હા મચાવ્યા વિના એક સ્થાન ઊભી કરી શકયો છે.
‘વિકી ડોનર’, ‘શુભ મંગલ ઝયાદા સાવધાન’, ‘બધાઇ હો’, ‘બાલા’ જોનારા માનતા હતા કે તે વ્યંગ્યવાળી હાસ્ય ફિલ્મો માટે સારો છે પણ ‘અંધાધૂન’ અને ‘આર્ટિકલ 15’ આવી પછી તેણે ધારણા જ બદલી નાંખી. અમિતાભ સાથેની ‘ગુલાબો સિતાબો’ એકદમ જૂદી ફિલ્મ હતી. આયુષ્યમાન ધીરે ધીરે તેની પાંખો ખોલી રહ્યો છે. ‘ચંડીગઢ કરે આશિકી’ ફિલ્મ ન ચાલી પણ લોકોએ જોયું કે આયુષ્યમાન પોતાની સ્ક્રિન ઇમેજ બદલી શકે છે.‘અનેક’ એક થ્રીલર ફિલ્મ છે. અત્યારે સાઉથની રિમેક બનાવવાનો કે પછી પોતાની જ સફળ ફિલ્મોની સિકવલ બનાવવાનો ચાલ છે, પણ આ ફિલ્મ રિમેક પણ નથી સિકવલ પણ નથી. અનુભવ સિંહાએ જ તે લખી છે જેમાં એવા પોલીસ અધિકારીની વાત છે જે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના મિશન સાથે કામ કરે છે.
મતલબ કે ભારતના જ એક ક્ષેત્રની વાસ્તવિકતા રજૂ થશે. અગાઉ ‘દિલ સે’ આવી હતી તે પણ આ ક્ષેત્રની વાત કરતી હતી અને હમણાં ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે એક વાતાવરણ ખડુ કર્યું છે. લોકો હવે દેશને અજંપ રાખતા વિષયો વિશે વિચારતા થયા છે ત્યારે ‘અનેક’ ગમી જાય એ શકય છે. આ ફિલ્મમાં ‘સત્યા’ ફિલ્મવાળો ચક્રવર્તી ઘણા વખતે દેખાશે. અનુભવ સિંહા રાષ્ટ્રીય પ્રશ્નો વિશે એક ખાસ દૃષ્ટિ ધરાવે છે એટલે પ્રેક્ષકોને તેમની ફિલ્મમાં એક સચ્ચાઇનો અનુભવ થાય છે. આયુષ્યમાનની ‘શુભ મંગલ ઝયાદા સાવધાન’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મો બોકસઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. એટલે પ્રેક્ષકોમાં તે લોકપ્રિય છે.
‘અંધાધૂન’ અને ‘આર્ટિકલ 15’ પછી તે જાનદાર પાત્રોમાં સ્વીકૃતિ પામ્યો છે. જયારે અંડરકવર એજન્ટવાળા પાત્રો ધરાવતી ફિલ્મો આવી છે તો લોકોને ભૂતકાળમાં પણ ગમી છે પછી તે ધર્મેન્દ્રની ‘આંખે’ હોય કે દેવ આનંદ – વિજય આનંદની ‘જોની મેરા નામ’ હોય. ‘એક થા ટાઇગર’માં પણ સલમાન અંડરકવર એજન્ટ જ હતો અને ‘બેબી’ પણ સિક્રેટ એજન્ટની જ વાત કરતી હતી. ‘અનેક’ પર રાજનૈતિક એકશન થ્રીલર છે અને નોર્થ ઇસ્ટના અસાધારણ લોકેશન પર તેનું શૂટિંગ થયું છે. આયુષ્યમાન એકશન દ્રશ્યો પણ જોરદાર રીતે કરે છે તેની પ્રતિતી પ્રેક્ષકને થશે. તે સ્વયં કહે છે કે આ ફિલ્મ ખરા અર્થમાં એક ભારતીય હોવાની લાગણીનો ઉત્સવ મનાવે છે.
અનુભવ સિંહાએ જોશુકાના મારા પાત્રમાં શારીરિક અને માનસિક રૂપે મને એ ચીજો કરવા મજબૂર કર્યો છે જે પહેલા મેં કરી નહોતી અને મેં મારા દૃશ્યો શ્રેષ્ઠ રીતે ભજવ્યા છે. અનુભવ સિંહા પણ કહે છે કે ‘અનેક’ મારા માટે અત્યાર સુધીની સૌથી વધુ પડકારભરી ફિલ્મ રહી છે. – તો હવે જોવાનું છે કે કોણ જીતે છે? આયુષ્યમાન અત્યારે ‘એન એકશન હીરો’ અને ‘ડોકટર જી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સામે જે ફિલ્મ હોય તેની જ વાત કરવી વધારે યોગ્ય કહેવાય અને આયુષ્યમાન માને છે કે અમે સલમાન, શાહરૂખ, ઋતિક વગેરે જેવી સ્ટાર ઇમેજ ધરાવતા નથી તે સારું જ છે. તે જાણે અંડરકવર સ્ટાર છે. દરેક ફિલ્મે તેણે પ્રેક્ષકને નવા આંચકા આપ્યા છે ને અલગ રીતે મનોરંજન આપ્યું છે. આયુષ્યમાનનું એ સારું છે કે ફિલ્મજગતમાં ચાલતી લફડાબાજીથી માંડી રાજકારણથી દૂર રહે છે. તેની ફિલ્મ મોટા બજેટ વિના બનાવી શકાય છે. તેને દિપીકા પાદુકોણ કે તાપસી પન્નુ કે કિયારા અડવાણીની જરૂર નથી પડતી અને આ ફરીવાર તે ‘અનેક’થી પૂરવાર કરે એ શકય છે. •