આણંદ : નડિયાદના શખસે નોકરી અપાવવાની લાલચમાં નાગપુરની ત્રણ મહિલાને બોલાવ્યા બાદ તેને વડતાલ એક ઘરમાં રાખી હતી. જોકે, બે – ચાર દિવસ બાદ પણ નોકરી સંદર્ભે યોગ્ય જવાબ ન મળતાં મહિલાઓને શંકા ઉઠી હતી. આથી, તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં અને ફરતા ફરતા કોઇની સલાહ મુજબ અભયમની મદદ લીધી હતી. જેથી ટીમ સ્થળ પર પહોંચી આ મહિલાઓની આપવિતિ સાંભળી સુરક્ષિત સ્થળે મોકલી આપી હતી.
મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતી ત્રણ બહેનોને કોરોના કાળ દરમિયાન રોજગારી છીનવાઇ ગઈ હતી. આથી, આર્થિક સંકડામણ અનુભવતા નવી રોજગારી માટે તલાસ કરતાં હતાં. આ દરમિયાન સોશ્યલ મિડિયા પર તેમને સંપર્ક ગુજરાતમાં એક વ્યક્તિ સાથે થઇ હતી. આ વ્યક્તિએ તેમને નોકરી આપવાની વાત કરી હતી. આ નોકરીમાં તેમને મહિને રૂ.15 હજારનો પગાર પણ નક્કી કર્યો હતો. ગુજરાતમાં સારી નોકરીની આશા જાગતા ત્રણેય બહેનો નાગપુરથી નડિયાદ આવ્યાં હતાં. જોકે, તેમને બાદમાં વડતાલ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં રાતવાસો કર્યો હતો. આ ત્રણેય બહેનો ગુજરાતી ભાષા જાણી ન હોવાથી ઘરમાં તેમના વિશે શું વાત થાય છે ?
તે કળી શકી નહતી. પરંતુ બે દિવસ રહ્યા બાદ તેમણે કામ માટે પુછપરછ શરૂ કરી હતી. જેમાં ઘરમાં રહેતી મહિલાએ કહ્યું કે પુરૂષો આવશે. તે તમને વારા ફરતી લઇ જશે. આ સાંભળ્યા બાદ બહેનોને દાળમાં કંઇક કાળુ લાગ્યું હતું. આથી, તેઓ ફરવા જવાનું બહાનું કરી ઘરમાંથી નિકળી ગઈ હતી. વડતાલની બજારમાં ફરતા સમયે તેમને કોઇએ 181 અભયમની મદદ લેવાની સલાહ આપી હતી. આથી, તેઓએ અભયમમાં જાણ કરતાં કાઉન્સેલીંગ માટે રીટાબહેન ભગત સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. કાઉન્સેલીંગ દરમિયાન તેમની આપવિતિ સાંભળી સખી વન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. જ્યાં જરૂરી કાર્યવાહી બાદ સલામત સ્થળે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
દાદી સાસુ ડાકણ હોવાના વ્હેમથી દોઢ વર્ષના પુત્રને લઇ જમાઇ ભાગ્યાં
ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામમાં દાદી સાસુ ડાકણ હોવાની શંકા જતાં જમાઇ પ્રસંગ છોડી ભાગી ગયો હતો. મીઠાના મુવાડાની યુવતીના લગ્ન બે વર્ષ પહેલા થયાં હતાં. સાસરિમાં તેને સારી રીતે રાખતાં હતાં. આ દરમિયાન તેને બાળકનો જન્મ પણ થયો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેનો પતિ દારૂ પીવા લાગ્યો હતો. આ દરમિયાન પિયરમાં લગ્ન પ્રસંગ હોવાથી બન્ને પતિ – પત્ની આવ્યાં હતાં. જ્યાં કોઈએ તેને દાદી સાસુ ડાકણ હોવાનું કહેતા તે ભડક્યો હતો અને તેના બાળકને લઇ તાત્કાલિક ઘરે જતો રહ્યો હતો. આ બાબતે સમજાવટ છતાં તેણે કોઇ વાત કાને ધરી નહતી. આખરે અભયમને બોલાવતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળક તેની માતાને સોંપ્યું હતું.