SURAT

સુરતમાં 30 કરોડના ખર્ચે આ વિસ્તારમાં નવી કલેક્ટર કચેરી બનાવાશે, સરકારે મંજૂરી આપી

સુરત(Surat): શહેરના પીપલોદ (Piplod) વિસ્તારના લેકવ્યુ (Lake View) ગાર્ડન (Garden) સામે 900 ચોરસમીટર જમીન ઉપર નવી કલેકટર (Collector Office) કચેરી માટે વહીવટી મંજૂરી (Permission) આવી ગઇ છે. 30 કરોડની કલેકટર ઓફિસ અને 26 કરોડની મામલતદાર ઓફિસ માટે ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) કન્સેપ્ટ સાથે ગ્રીન બિલ્ડિંગ (Green Building) સાકાર કરવાનું કલકેટરે સપનું સેવ્યું છે.

  • 30 કરોડના ખર્ચે સાકાર થનારી સુરતની નવી ક્લેક્ટર કચેરી ઇકો ફ્રેન્ડલી બનશે : આયુષ ઓક
  • 26 કરોડના ખર્ચે 3 નવી મામલતદાર કચેરી પણ બનાવાશે

સુરત શહેરમાં અઠવાલાઇન્સ ખાતે આવેલા જિલ્લા સેવાસદનની કલેકટર કચેરીને નજીકના દિવસોમાં નવું સરનામું મળી જશે. આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા જિલ્લા કલકેટર આયુષ ઓકે કહ્યું હતું કે, નજીકના દિવસોમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂરી થયા બાદ નવી અલાયદી કલકેટર કચેરી સાકાર થશે. આ માટે રાજય સરકારે બજેટરી જોગવાઇ કરી વહીવટી મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં લેકવ્યુ ગાર્ડન સામે આવેલી સર્વે નંબર-44-1, ટીપી સ્કીમ નંબર-5ના ફાઇનલ પ્લોટ નંબર 96ની 9332 ચોરસમીટર જમીન ઉપર નવી કલેકટર કચેરીનું નિમાર્ણ થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નવી કલેકટર કચેરીના બેઝમેન્ટમાં મિનિમમ ટુ લેયર પાર્કિંગ બનાવાશે. જેથી કચેરી બહાર એકપણ કાર કે બાઇક જોવા નહીં મળે. નવી કલેકટર કચેરીને ગ્રીન કન્સેપ્ટ સાથે સાકાર કરાશે. કુદરતી હવા ઉજાસ મળી રહેવા સાથે વરસાદી જળના સંચય કરી વપરાશમાં લઇ શકાય તેવી સિસ્ટમ સેટ કરાશે. કચેરીની ટેરેસ ઉપર સોલારરૂફ ટોપ લગાડાશે. જેથી સરકારને વીજબીલને ખર્ચ નહીંવત થાય. તે ઉપરાંત કચેરીના વેન્ટિલેશન સહિત પેસેજ અને ઓફિસ વિન્ડો એવી રીતે ડિઝાઇન કરાવાશે કે જેથી દિવસ દરમિયાન વીજળીનો ઉપયોગ શકય તેટલો ઓછો કરી શકાય. કલેકટરે આ માટે સારા આકિર્ટેકટ રોકવા માટે પણ કોશિશ ચાલુ કરી છે.

અડાજણ, ઉધના અને પૂણા મામલતદાર કચેરી પ્રાંત કચેરી સાથે બનશે
જિલ્લા કલેકટર આયુષ ઓકે કહ્યું હતું કે, અલગ અલગ વિસ્તારને લગતી મામલતદાર કચેરીઓ પણ જે તે વિસ્તારમાં શિફ્ટ કરાશે. જેથી લોકોને પોતાના કામ માટે એક ખૂણેથી બીજા ખૂણા સુધી દોડાદોડી નહીં કરવી પડે. ઉધના માટે 7.29 કરોડ, અડાજણની 11.83 કરોડ અને પૂણા માટે 8.47 કરોડ ખર્ચે નવી મામલતદાર ઓફિસ બનશે. નવી મામલતદાર ઓફિસ સાથે સબરજિસ્ટ્રાર ઓફિસ અને સિટી સર્વે વોર્ડ ઓફિસ પણ બનાવવામાં આવશે. જેથી પ્રજાને સરળતા રહે.

સિટી પ્રાંત બાદ ભવિષ્યમાં અડાજણ પ્રાંતની ઓફિસ મળશે
સુરત શહેરની હદ વિસ્તરણ પછી હવે સુરતનો વિસ્તાર વધી ગયો છે. સુરત શહેરી વિસ્તારની સીમાઓ લાંબી થતા મહેસૂલી તાલુકાઓ પણ વિસ્તારવા પડે તેવી હાલત છે. આ માટે હાલ માત્ર એક સિટી પ્રાંત ઓફિસ છે. પરંતુ સુરત માટે ભવિષ્યમાં બે પ્રાંતની જરૂર પડશે. તે માટે નવી અડાજણ પ્રાંત માટે પણ ઓફિસ પણ બનાવી દેવાશે.

Most Popular

To Top