સુરત: મસાજ સ્પાના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતાં ઉમરા પોલીસે એક સાથે અલગ અલગ ત્રણ સ્થળો પર રેડ પાડીને મહિલા-પુરુષ મળીને કુલ 41 લોકોની અટકાયત કરી છે.
- પાર્લે પોંઇન્ટ, પીપલોદ અને વેસુમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો
- પોલીસે કુલ 19 થાઇ યુવતી અને 22 પુરુષની ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાની નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે ઉમરા પોલીસ દ્વારા રવિવારના રોજ પાર્લે પોઇન્ટ, પીપલોદ અને વેસુ સહિત ત્રણ વિસ્તારોમાં સ્પામાં રેડ પાડી હતી. સ્પા સેન્ટરમાં મોકલેલા ડમી ગ્રાહકે કરેલી સંજ્ઞાને આધારે પોલીસ તાત્કાલિક અંદર ઘૂસી હતી અને હાજર સ્પાના સંચાલકો, થાઇ યુવતી અને ગ્રાહકોની ધરપકડ કરી હતી. આ કુટણખાના પર પોલીસે રેડ કરી મહિલા-પુરુષોની ઝડપી પાડી આશરે 5 થી 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્પા સેન્ટરના મેનેજર, થાઇ યુવતીઓ અને ગ્રાહકો મળીને કુલ 41 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 19 મહિલા અને 22 પુરુષ વિરુધ્ધ ઉમરા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પા અને મસાજપાર્લરના નામે શહેરમાં ઠેર ઠેર કુટણખાના ધમધમી રહ્યાં છે. કુટણખાનામાંથી પોલીસ ગ્રાહકો, સંચાલકો અને લલનાઓને તો પકડે છે પરંતુ આવા ગોરખધંધા માટે દુકાનો ભાડે આપનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તેમની સામે કાર્યવાહી થશે તો જ આ બદી કાબૂમાં આવશે.
સુરતની જાણીતી ટેક્સટાઈલ માર્કેટ નજીકના કોમ્પલેક્સમાં ચાલતું કુટણખાનું પકડાયું
આ અગાઉ વરાછામાં કોમ્પ્લેક્સમાં કુટણખાનું (Prostitution) ચાલતું હોવાની વાતે પોલીસ તપાસ માટે ગઇ હતી. ત્યાં જ કોમ્પ્લેક્સમાં બે મહિલા બીભત્સ ઇશારા કરી લોકોને બોલાવી રહી હતી. પોલીસે (Police) બંને મહિલા સહિત ત્રણની ધરપકડ (Arrest) કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ કંટ્રોલમાં ફરિયાદ થઇ હતી કે, ન્યૂ બોમ્બે માર્કેટ રોડ ઉપર તાપ્તી ગંગા કોમ્પ્લેક્સમાં કુટણખાનું ચાલે છે, પોલીસનો સ્ટાફ કોમ્પ્લેક્સમાં પહોંચ્યો ત્યારે બે મહિલા લોકોને બીભત્સ ઇશારા કરી પોતાની તરફ બોલાવતી હતી. પોલીસે આ કુટણખાનામાં જઇ ઉધના હરિનગરમાં રહેતા બર્ષારાની રંજન શાહુ, પાંડેસરા ક્રિષ્નાનગરમાં રહેતી લિપીકા ક્રિષ્ના બિશ્વાસ અને ગોડાદરા ભાવના પાર્કમાં રહેતો અનિલ પુખરાજ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.