ઇતિહાસ કોઇ વાર્તાકાર, કથાકાર, કવિ કે નવલકથાકારની કલ્પના નથી. ઇતિહાસ ઠોસ દસ્તાવેજી પુરાવાઓને આધારે લખાતો હોય છે. તેથી જ તે કાવ્ય અને નવલકથાની જેમ રસાળ નથી, પણ ‘ડ્રાય’ છે. ભલે તેમ રહ્યું. ભૃગુકચ્છ, ભરૂકચ્છ અને બારીગઝાની મેરીટાઇમ હિસ્ટ્રીને જાણવા માટે લેખિત તેમ જ સિક્કાઓના સ્વરૂપમાં માહિતી પ્રાપ્ત થાય છે. તે મુજબ જયારે મેસડોનીયાના મહાન ગ્રીક વિજેતા એલેકઝાન્ડરે (ઇ.પૂ. 336-ઇ.પૂ. 323) ઇ.પૂ. 326માં પંજાબના રાજા પોરસને હરાવ્યો તે સમયે પણ ભરૂચ ધીકતું બંદર હતું. મૌર્ય યુગ (ઇ.પૂ. 322-ઇ.પૂ. 185), ઇન્ડો-ગ્રીક / ગ્રીકો બેક્ટ્રિયન સમય (ઇ.પૂ. 185 – ઇ.પૂ. 78, ક્ષત્રપ સમય (ઇ.સ. 78-398), ગુપ્ત સમય (ઇ.સ. 320-470) અને મૈત્રક સમય (ઇ.સ. 470-788) માં ભરૂચ ધીકતું બંદર હતું. તેના પુરાવાઓ અર્ધમાગધીમાં રચાયેલ જૈન સ્ત્રોતો, પ્રાકૃત અને પાલી ભાષામાં રચાયેલા બૌધ્ધ ગ્રંથો, ફાહિયાન (ઇ.સ. 399-414) અને હ્યુમેન – ત્સંગ (ઇ.સ. 629-640) જેવા ચીની વિદ્વાનોના અહેવાલો, ઉપરાંત સ્ટ્રે, બો, પ્લીની અને પેરીપ્લસ ઓફ ધી ઇરેથીયન સી’ જેવા પહેલી સદીના ગ્રીક અને રોમન અહેવાલોમાંથી પ્રાપ્ત થાય છે.
તે મુજબ ભરૂચ બંદર 1000 વર્ષ સુધી ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. સુરત બંદર તો અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયનું (1572-1707). કયાં મધ્યકાલીન સુરત અને કયાં મૌર્ય સમયનું ભરૂચ ! બન્ને બંદરોની પ્રવૃત્તિઓ અને જાહોજલાલી વચ્ચે ખાસ્સું 700-800 વર્ષનું અંતર છે. આ ફરક ઉપરાંત જો આપણે પ્રાદેશિક દૃષ્ટિએ જોઇએ તો આ બન્ને મહાન બંદરીય નગરો દક્ષિણ ગુજરાતની ભૂમિમાં પ્રવર્તમાન હતા. કવિની પાંખે ઊડીને કહેવું હોય તો કહી શકાય છે ભૃગુકચ્છ એ ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણકય, ડીમિત્રીસ, એપોલોડોટસે, મીનેન્દ્ર, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત, કાલિદાસ, વીશાખદત્ત (‘મુદ્રારાક્ષસ’ નાટકનો કર્તા), સિધ્ધરાજ જયસિંહ અને 12 મા સૈકાના મહાન જૈન તપસ્વી અને વિદ્વાન આચાર્ય હેમચંદ્રાચાર્યના સમયનું, હિંદુ સમયનું પ્રતીક હતું.
સુરત અકબર, જહાંગીર અને શહાજહાંનાં સમયનું એટલે કે મુઘલ યુગ અને જાહોજલાલીનું પ્રતીક હતું. માત્ર સમયનો ફેર હતો. બન્ને ઔરંગઝેબે સુરતના ચાર હિંદુ અને જૈન વેપારીઓને વટલાવીને સુરત બંદરનો વિનાશ સજર્યો. તેથી શિવાજીએ સુરતને બબ્બે વખત લૂંટયું હતું. ભૃગુકચ્છની બાબતમાં આવું કશું જ થયું નહોતું. હિંદુ રાજાઓ હતા. હિંદુ જૈન અને બૌધ્ધ ધર્મ પ્રવર્તતા હતા. તે એટલે સુધી કે ડીમિત્રીસ (ઇ.પૂ. 200-ઇ.પૂ. 167), એપોલોડોટસે (ઇ.પૂ. 180-ઇ.પૂ. 160) અને મિનેન્દ્ર (ઇ.પૂ. 155-ઇ.પૂ. 130) જેવા ઇન્ડો-ગ્રીક ઉર્ફે બેક્ટ્રિયન શાસકોએ ગ્રીક દેવ – દેવીઓ એથેના, મીયસ અને એપોલો (ઓલેમ્બીયન દેવ)ની પૂજા ચાલુ રાખીને બૌધ્ધ અને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેઓ બુધ્ધ ઉપરાંત વિષ્ણુ અને શિવના ભકતો હતા. ‘પેરિપ્લસ’ માં ઇન્ડો-બેક્ટ્રિયન રાજાઓના ભરપટ્ટે ઉલ્લેખો કર્યા છે.
પણ સૌ પ્રથમ આપણે હિંદુ અને જૈન સ્ત્રોતો જોઇશું. પ્રાચીન જૈન ગ્રંથ ‘આવશ્યક સૂત્ર નિરૂકિત’ને આધારે ઇતિહાસકાર કાશીપ્રસાદ જયસ્વાલે પ્રતિપાદિત કર્યું છે કે ઇન્ડો-ગ્રીક શાસક નહાપાનની (ઇ.પૂ. 92-ઇ.પૂ. 58) રાજધાની ભૃગુકચ્છ હતી. આ ઉપરાંત ‘નિલોય પણ્ણતિ’ હરિવંશ પુરાણકથા અને મેરૂ તુંગાચાર્યકૃત વિચારશ્રેણીમાંથી (ઇ.સ. 1350) ભૃગુકચ્છ બંદરના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે મુજબ દ્વારકા, વેરાવળ અને શુર્પારક (સોપારા) બંદરો પણ પ્રવૃત્ત હતા. ઇસવીસનના 7 મા સૈકામાં રચાયેલ ગ્રંથ ‘નિશિથ ચૂર્ણી’ મુજબ તે સમયે ભરૂકચ્છમાં વેપારીઓના 500 કુટુંબો રહેતા હતા અને તેમનો સંબંધ સુર્પારક ઉપરાંત જાવા, સુમાત્રા અને બાલી સાથે હતો. વળી આ જ સમયે (ઇસ્વીસનનો 7મો સૈકો) આવેલ ચીની મુરાદર હ્યુએન ત્સંગે નોંધ્યું છે કે ભૃગુકચ્છમાં 17 બૌધ્ધ મઠો છે અને તેમાં 300 સાધુઓ વસવાટ કરે છે. તે સમયે ગ્રીક વેપારીઓની પણ તેમાં મોટી વસાહત હતી.
હિંદુ, જૈન અને ચીની અહેવાલોને ‘પેરીપ્લસ ઓફ ધી ઇરેથીયન સી’ ગ્રંથ દ્વારા સમર્થન પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ ઇસ્વીસનના પહેલા સૈકામાં એક અજાણ્યા ગ્રીક વહાણવટી અને વેપારીએ લખ્યો હતો અને તેણે બારીગાઝા ઉપરાંત ‘સુરાષ્ટ્રીન’ (સૌરાષ્ટ્ર) ની પણ મુલાકાત લીધી હતી. તે મુજબ ભરૂચ એક ‘ઇન્ટરનેશનલ એમ્પોરિયમ’ હતું અને તેનો વેપાર ઇજીપ્ત, પર્શીયન ગલ્ફ, સીરિયા, કોન્સ્ટન્ટીનોપલ ઉપરાંત અગ્નિ એશિયાના જાવા અને સુમાત્રા સાથે હતો. ગ્રીક વહાણવટીએ એના ગ્રંથમાં ઇન્ડો-ગ્રીક (બેકિટ્રયન) શાસકોનો ઉલ્લેખ કર્યો છે અને તેને હિંદુ-જૈન ગ્રંથો દ્વારા પૂરું સમર્થન મળે છે. પેરીપ્લસ મુજબ ‘આજ સુધી ગ્રીક લખાણવાળા અને એલેકઝાન્ડર પછી ગાદીએ આવનાર એપોલોડોટસ અને મિનેન્દ્રની મુદ્રાવાળા ચલણો બારીગાઝા અને દેશ-પરદેશમાં ચાલે છે.’ આ ઇન્ડો-ગ્રીક બેકિટ્રયનોનું શાસન મધ્ય એશિયામાં આવેલા બેક્ટ્રિયા, અફઘાનિસ્તાન, મથુરા અને છેક પશ્ચિમ ભારત સુધી પ્રવર્તતું હતું.
પ્રાચીન ભૃગુકચ્છનો ગ્રીસ અને રોમ સાથેનો સંબંધ ઇ.પૂ. 326 માં એલેકઝાંડર (સિકંદર) અને પોરસ વચ્ચે લડાયેલા યુદ્ધ બાદ શરૂ થયો હતો. તેમાં એલેકઝાંડરની જીત થઇ હતી. ત્યાર બાદ એના સેનાપતિ સેલ્યુકસ નીકેટરે હિંદ ઉપર હુમલો કર્યો પણ એને ચંદ્રગુપ્ત મૌર્યે હરાવ્યો. ત્યાર બાદ ઉપર દર્શાવ્યા છે તેવા ઇન્ડો-ગ્રીક શાસકોએ રાજય કર્યું. ડીમીત્રીસનું ભારતીય નામ દળયત્ર હતું. તેના પછી એપોલોડોટસે શાસન કર્યું. ગ્રીક-બેકિટ્રયન રાજા એપોલોડોટસ એટલે જ ભારતમાં પ્રખ્યાત બનેલાં અપલદત્ત. ત્યાર બાદ મીનેન્દ્ર નામનો ગ્રીક -બેકિટ્રયન રાજા મીનેન્દ્ર થઇ ગયો. તેને પાલી સાહિત્યમાં ‘મિલિન્દો’ તરીકે વર્ણવ્યો છે. આ ત્રણે ઇન્ડો-ગ્રીક શાહ શાસકોના સિકકાઓ ભરૂચ અને તેની આસપાસના પ્રદેશોમાંથી પ્રાપ્ત થયા હતા. ‘પેરીપ્લસ’માં તેનાં ભરપટ્ટે વર્ણનો છે. પાલી ભાષામાં રચાયેલ બૌધ્ધ ગ્રંથ મુજબ મીનેન્દ્રોસ ઉર્ફે મીનેન્દ્રા ઉર્ફે મિલિન્દોએ બૌધ્ધ ધર્મ અપનાવ્યો હતો.
ઇન્ડો- બેકિટ્રયન શાસકોના સમયમાં પ્રવર્તમાન સિકકાઓ ‘ડ્રરમ (દ્રમ) તરીકે ઓળખાતા. સોના, ચાંદી અને તાંબાના આ સિક્કાઓ ભરૂચ બંદર ઉપરાંત અન્ય પ્રદેશોમાં પ્રચલિત હતા. તેમાંથી નમૂનારૂપે એપોલોદત્ત અને મીનેન્દ્રના સિકકાઓ અત્રે રજૂ કર્યા છે. તે ઉપરથી ભરૂચનું આંતરરાષ્ટ્રીય બંદર તરીકે મહત્ત્વ સમજાશે. ભૃગુકચ્છનો વૈભવ છેક 11 મા સૈકા સુધી ચાલ્યો હતો. તે દરમિયાન ‘સ્તંભતીર્થ’ (ખંભાત) બંદરનો ઉદય અને વિકાસ થયો હતો. ત્યાર બાદ ભરૂચ ઝડપથી આથમી ગયું. તેમ છતાં તે ‘ભાંગ્યું, ભાંગ્યું તો યે ભરૂચ’ હતું!