આજકાલ મેદાનોમાં ભવ્ય લગ્નો યોજાય અને આકાશમાં ઊડતા ડ્રોન દ્વારા વીડિયો શૂટિંગ થાય. કોણ કોણ પધાર્યું હતું અને ચાંદલો કર્યા વગર જતા રહ્યા તેની પાછળથી નોંધ લેવાય. આ તો રમૂજની વાત છે. પણ ડ્રોન પાસે ઘણાં મહત્ત્વનાં અને અઘરાં કામો કરાવાય છે અને હજી વધુ અઘરાં કામો થશે. યુક્રેનના નગરોની ગલીઓમાં અને બહાર અરણ્યમાં રશિયન ટેન્કો પર યુક્રેનના ડ્રોન વિમાનોએ નજીક પહોંચી ગ્રેનેડો પડતી મૂકી અને સેંકડો રશિયન ટેન્કો અને હજારો સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો. ત્યાં સુધી રશિયનોએ યુક્રેનના પાટનગર કીવ પરની ચડાઇ લગભગ બે મહિનાના યુધ્ધ પછી પડતી મૂકવી પડી અને રશિયાની સરહદ નજીકના પૂર્વ યુક્રેનના લુગાન્સ્ક અને મારિયાપોલ શહેરના સીમિત વિસ્તારમાં કેન્દ્રિત થવું પડયું.
રશિયાના બેટલ શીપો કાળા સમુદ્રમાં મિસાઇલો દ્વારા તોડી પડાયા. તેમાં ડ્રોન વડે થયેલી જાસૂસી કારગર નીવડી. પણ નાના કે મોટા ડ્રોન વિમાનોની એક સામાન્ય તકલીફ એ છે કે તે જે બેટરીની ઊર્જા પર ઊડે છે તે પ્રમાણમાં જલ્દી વપરાઇ જાય. એટલે દૂરના લાંબા સમયના મિશનમાં તેઓને જોતરી શકાતા નથી. પરંતુ વર્તમાન ટેકનોલોજિસ્ટોએ તેનો પણ ઉકેલ શોધી કાઢયો છે. સામાન્યપણે એક ડ્રોનની બેટરી ચાર્જ કર્યા પછી તે 20 મિનિટ સુધી ઊડી શકે છે. લડાઇ પહેલા નજીક નજીકના સક્રિય યુધ્ધમાં આ 20 મિનિટ પૂરતી થઇ પડે. પણ કોઇ વિસ્તાર, શહેરના માર્ગો, ચોક કે પ્રસિધ્ધ કે ખાનગી સ્થળ ખાતે ચાલી રહેલી ગતિવિધિઓની જાસૂસી કરવી હોય અથવા એક સ્થળ પર લાંબો સમય ટકી રહેવાનું હોય તો શું કરવું?
જો તે ક્ષણે સક્રિયપણે કોઇક ઘટના પર નિગેહબાની રાખવામાં આવે તો શકય છે કે ઊડતા ડ્રોનના રાઉટર(પંખા)ના અવાજથી નીચેના લોકો સાવધ થઇ જાય. ડ્રોનને તોડી પણ પાડે. વધારે તો તેઓ પોતાની પ્રવૃત્તિઓને અટકાવીને સુરક્ષિત સ્થળે જતા રહે. હમણાં કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઘાત લગાવવાની અને ગોળીબાર કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમને આકાશમાં ઊડતા ડ્રોન કેમેરાએ ટ્રેસ કરી લીધા હતા અને ભારતીય સેનાએ તેઓને ‘ખૂબ મોટા સ્તનોવાળી બોંતેર પરીઓ(હુર્ર)’ સાથે મોજમજા માણવા જન્નતમાં મોકલી આપ્યા હતા.
આ કમાલ ડ્રોને કરી હતી. પણ એ પાંચ મિનિટનું કામ હતું અને આતંકીઓને ખબર પડી ગઇ કે ઉપર ડ્રોન સર્વેલન્સ કરી રહ્યું છે પણ તેઓ ભાગીને બીજે કશે છુપાઇ શકે એવો મોકો સેનાએ તેઓના માટે છોડયો ન હતો. પણ આ થઇ એક એવા ઓપરેશનની વાત જેમાં ડ્રોનને ત્રાસવાદીઓથી ગુપ્ત રાખવાની જરૂર ન હતી. વધુમાં વધુ કદાચ તેઓ ડ્રોનને તોડી પાડે. પણ જયાં ડ્રોનની હાજરી ગુપ્ત રાખવી જરૂરી હોય તે પ્રવૃત્તિઓ માટે તંત્ર વિજ્ઞાનીઓ ડ્રોનમાં એક સાદી સિસ્ટમ જોડી રહ્યા છે.
ડ્રોનની શકિત તેના ઊડવામાં વપરાઇ જાય. તેના બદલે કોઇ ઊંચી ઇમારત, કોઇ ઝાડ કે પહાડની ટોચ પર જઇને ગોઠવાઇ જાય તો! જેમ કે નકસલીઓની આવવાજવાની કેડીઓના કાંઠે ઊભેલા ઊંચા વૃક્ષની ટોચ પર ગોઠવાઇને કેમેરા દ્વારા એ કેડીઓ પર વોચ રાખે તો? જો ડ્રોન પોતાની રીતે આવી કોઇક મહત્ત્વની જગ્યાએ ગોઠવાઇ જાય અને પોતાના પંખા (રાઉટર) બંધ કરી દે તો અવાજ કર્યા વગર ચૂપકે ચૂપકે કલાકો સુધી લાઇવ કેમેરા વડે જાસૂસી કરી શકે. તેની જરૂરી કામ માટે, વીડિયોગ્રાફી માટે, વીજળી બાળવાની ક્ષમતા 12 ગણી વધી જાય છે અને ભવિષ્યમાં તેમાં હજી વધારો થશે. કોઇ બહુમાળી મકાનની ઊંચી દીવાલ પર નાનકડું ડ્રોન ચીટકીને બેસી જાય એવી ટેક્નિક ઇજાજ કરવામાં આવી રહી છે.
ન્યૂ યોર્ક યુનિવર્સિટીના જેફરી માઓ અને એમના સાથીદારોએ હાલમાં બજારમાં મળતાં સાધનો ઉપયોગમાં લઇને એ પ્રકારના ડ્રોન તૈયાર કર્યા છે પણ તેમાં ટેકનોલોજીની કોઇ મોટી ધાડ નથી. કારણ કે હાલમાં ડ્રોન સાથે વેલક્રોની પટ્ટી જોડવામાં આવે છે. આ સિસ્ટમમાં તકલીફ એ છે કે તમે દીવાલ પર જયાં ડ્રોન ગોઠવવા માગતા હોય ત્યાં અગાઉથી વેલક્રો ચીટકાડીને સપાટી તૈયાર રાખવી પડે કારણ કે વેલક્રોને ચીટકવા માટે બીજી વેલક્રોની પટ્ટી જોઇએ એ આપણે જાણીએ છીએ.
પરંતુ, આ પધ્ધતિમાં તકલીફ એ છે કે બધી ઘટનાઓ કે બનાવો પૂર્વનિર્ધારિત સ્થળે ઘટતા નથી. ઘણી વખત તેની જાણ અમુક મિનિટો પહેલાં જ થતી હોય. બીજી મોટી સમસ્યા એ છે કે દુશ્મનોના પ્રદેશ કે એનિમી ટેરિટરીમાં જઇને આ પ્રકારના વેલક્રો ચીટકાડવાનું શકય હોતું નથી. ઘણી વખત દુશ્મનો સાવધ બની જાય. તો તે માટે જરૂરી છે કે ડ્રોન કશી પૂર્વ તૈયારી વગર દીવાલ કે બીજી કોઇ સપાટી પર જઇને ચીટકી જાય. કુદરતે જગતમાં ગરોળીનું સર્જન કરીને એક નવી પધ્ધતિ શીખવી છે. ગરોળીના પગમાં કોથળીઓ હોય છે.
ગરોળી તેને દીવાલ પર મૂકે એટલે કોથળીમાંની હવા નીકળી જાય અને પગના તળિયામાં શૂન્યાવકાશ સર્જાય. પરિણામે બહારની હવા તે કોથળીઓ પર દબાણ કરે અને ગરોળીના પગ દીવાલ સાથે ચીટકી રહે. આ કારણથી ગરોળી છત પર ઊંધી રહીને પણ ભાગી શકે છે. આ વિજ્ઞાન પ્રાથમિક કક્ષાનું છે અને સાત કે આઠ ભણેલા દરેક જણ આ જાણે છે. આપણે અમુક વેપારી મેળાવડા અને પ્રદર્શનોમાં જઇએ ત્યારે આ પ્રકારની બાથરૂમની દીવાલની ટાઇલ્સ પર ચીટકી જતી પ્લાસ્ટિક અને રબ્બરમાંથી બનાવેલી સાબુદાની, હેંગરની ખીલીઓ વગેરે મળે છે.
તમે એ ખરીદો પછી બે – ચાર દિવસ બાથરૂમમાં ચીટકી રહે. પછી સાબુ મૂકો એટલે નીચે ખરી પડે અને બે દિવસ પછી પોતાના વજનથી જ ખરી પડે. એટલે આવી ચીજો દુકાનદારો વેચતા નથી. મેળામાં વેચાય. કારણ કે ત્યાં કોઇ કાયમી ગ્રાહકો આવતા નથી અને જવાબ આપવો પડતો નથી. મતલબ કે વિજ્ઞાનનો નિયમ અને પધ્ધતિ સાચા છે પણ તેનો કાયમ માટે વપરાશ કરી શકાય એવું મટિરિયલ હજી વિજ્ઞાને વિકસાવ્યું નથી.
જે સામાન્ય માનવીને પરવડી શકે એવી કિંમતમાં વેચી શકાય. પણ અમુક મટિરિયલ્સ મિલિટરીના કામ માટે લેવાના જરૂરી હોય તો તે જરૂર વિકસાવાય છે અને અહીં તેની પડતરની કિંમત ગણવામાં આવતી નથી. હવે સંશોધકોનું કહેવું છે કે ગરોળીના પગમાં હોય છે, તેને મળતું મટિરિયલ વિકસાવીને તેઓ વેલક્રોની મર્યાદા દૂર કરવામાં સફળ થશે. છતાં હજી અહીં એક સંભવિત વિક્ષેપ છે. ગરોળીના પગ જેવું મટિરિયલ પણ કાચ, ટાઇલ્સ જેવી એકદમ સપાટ સપાટી પર ચીટકી શકે. જો સપાટી ખાડા – ખડિયા ધરાવતી હોય તો રબ્બરની બેગ અથવા પગમાં બાજુમાંથી હવા ઘૂસી જવાની સંભાવના રહે છે. પણ તેઓ ડ્રોનના પાયામાં એકને બદલે અનેક કોથળીઓ મૂકશે. તેથી ખૂણાની એકાદ કોથળીમાં હવા ઘૂસી જાય તો ભલે ઘૂસી જાય. ખાસ ફરક ન પડે. કાનખજૂરાનો એક પગ તૂટી જાય તો શો ફરક પડે?
અમેરિકાના લશ્કરી સંશોધનોમાં એ પ્રકારના ડ્રોન અને અન્ય સાધનો તૈયાર કરવામાં આવી રહ્યા છે જે કોઇ એક ઝાડ પર જઇને લટકી જાય. તેનો રંગ અને આકાર પણ ઝાડની ડાળોએ અને પાનના આકાર અને રંગમાં હોય તેથી તે સાધન (ડ્રોન વગેરે) પોતે જ કેમોફલેજ થઇ જાય. પર્વતો પર કે રસ્તાના કાંઠે આ પ્રકારના સાધનોને પથ્થરોનો ઘાટ અને રંગ અપાશે જેથી કોઇ પકડી ન શકે.
ગરોળી શૈલીના નાનકડા ડ્રોન કોઇ દરિયાઇ જહાજની દીવાલ સાથે પણ ચીટકાડી શકાશે. જે તેની કઇ દિશામાં ગતિ થઇ રહી છે તેની ઉપગ્રહને જાણ કરી શકશે. જો કે આ કામ હવે એટલું મુશ્કેલ નથી અને અન્ય સાધનો દ્વારા પણ આસાનીથી મોટા જહાજોને ટ્રેક કરી શકાય છે. અમેરિકાએ ઉપગ્રહો દ્વારા મેળવેલા ડેટા યુક્રેનની સેનાને પૂરા પાડયા હતા અને તેનો લાભ લઇ રશિયાનું ‘મોસ્કોવા’ નામનું યુધ્ધ જહાજ યુક્રેન સેનાએ તોડી પાડયું હતું. જો કે અમેરિકાએ જાસૂસી કરી તેમાં અત્યાધુનિક ડ્રોનનો પણ ઉપયોગ થયો હતો. ન્યૂયોર્કની ટીમ જે ડ્રોન તૈયાર કરી રહી છે તે ખૂબ ટચૂકડાં હોઇ શકે અને કોઇ બોસની કેબિનની બારી નજીક નજરે ન ચડે તેમ ચીટકી જઇને બોસની ટેલિફોનિક વાતચીત વગેરેની જાસૂસી કરી શકે. એ રીતે દીવાલો, પર્વતો, ઝાડ અને ઊંચી ઇમારતોને આંખ અને કાન બંને હશે.
પણ હજી એક નાનકડું તાંત્રિકી વ્યવધાન છે. ડ્રોન ઊડતું હોય કે કોઇ એક સપાટી પર ગોઠવી દીધું હોય ત્યારે સ્થિર હોય એ રીતે રેકોર્ડિંગ અને બીજા કામો કરી શકે. પરંતુ ઊડતાં ઊડતાં કોઇ સપાટી પર બેસવાની તૈયારી કરે અથવા બેઠેલું હોય ત્યાંથી ઊડવાની તૈયારી કરે એ સ્થિતિ પડકારરૂપ છે. એક ઊંચી દીવાલ કે અન્ય કોઇ સપાટી પર બેસવાનું હોય ત્યારે ડ્રોન અને દીવાલ વચ્ચેનું અંતર ઝડપથી ચોક્કસપણે માપી લેવું પડે. જેથી બારી કે દીવાલ સાથે જોરથી અફળાયા વગર અને કોઇ નુકસાન કર્યા વગર જરૂર હોય તો અવાજ કર્યા વગર હળવેકથી ચીટકી જાય. આ માટે એક ખાસ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે.
ડ્રોને કેટલા અંશનો ખૂણો જાળવીને કેટલી ઝડપે ઊડવાનું, ઊતરવાનું છે તે આ સોફટવેર દ્વારા ગણિત માંડીને નક્કી થાય છે. જોરથી અફળાય અથવા આડું – ત્રાંસુ રહીને લેન્ડિંગ કરે તો ડ્રોનને પોતાને નુકસાન થાય. સામાન્યપણે પ્રથમ જરૂરી ઝડપ હાંસલ કરવા માટેનો રાઉટર વાપરે છે અને બાદમાં લેન્ડિંગ કરવા માટે મિનિટના 120 ચક્કર કાપતા પંખા ચાલુ કરીને લેન્ડિંગ કરે છે. આ લેન્ડિંગની પ્રક્રિયામાં નુકસાનકારક ભૂલ થવાની શકયતા વધુ રહે છે. તેને ધીમું પાડીને ઉતરાણ લાયક સપાટી પર લઇ જવાનું મુશ્કેલ હોય છે. હજી વિકસતી ટેકનોલોજી છે પણ કેટલીક આશાસ્પદ અને રોમાંચકારી શકયતાઓથી ભરપૂર છે.