રાજકોટ: રાજકોટના (Rajkot) પ્રેમીપંખીડાઓને પરિવારજન એક નહીં થવા દેશે તેવો ડર લાગતાં સુરત (Surat) આવીને પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રમીયુગલે સુરતમાં આવીને લગ્ન કર્યા હોવાની જાણ થતા યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. દોઢ મહિના પછી યુવતીના પરિવારજનોએ ગુરૂવારે સુરતથી આ પ્રેમીયુગલનું અપહરણ (Kidnapped) કર્યુ હતું. તેમજ બંનેને માર પણ માર્યો હતો. એટલું જ નહિ જામનગર રોડ (Jamnagar road) પર ઘંટેશ્વર નજીક યુવક પર પેટ્રોલ છાંટી જાનથી મારી નાંખવાની ધમકી (Threaten) પણ આપવામાં આવી હતી. યુવકને રોડ પર મૂકી યુવતીને તેના પરિવારજનો સાથે લઇ ગયા હતા. હાલ આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આ યુવકની ઓળખ યોગેશ રામજીભાઇ ભૂત તરીકે થઇ છે. તે રાજકોટના મોરબી રોડ પરની તિરુપતિ સોસાયટીમાં રહે છે. ગુરૂવારે સાંજે આ યુવક જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ યોગેશે કહ્યું હતું કે રાજકોટમાં તે જ્યાં કામ કરતો ત્યાં યુવતી અને તેની વચ્ચે પ્રેમ થયો હતો.
યુવતી અને યોગેશ બંને એક જ કારખાનામાં કામ કરતા હતા. યુવતીના પરિવારજન એક નહીં થવા દે તેવુ લાગતા બંનેએ ભાગી જવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ બંનેએ સુરત આવીને પ્રેમલગ્ન કરી લીધા હતા. આ ઘટનાની જાણ યુવતીના પરિવારને થતાં તેઓ તાત્કાલિક સુરત આવી પહોંચ્યા હતા. ગુરૂવારે સુરતથી બંનેને બળજબરીપૂર્વક ઉઠાવી લઇ અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા. તેમજ રસ્તામાં બંનેને માર પણ માર્યો હતો.
રાજકોટ લઇ જતાં વચ્ચે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક યુવકના માથે રિવોલ્વર તાકી પેટ્રોલ છાંટ્યું હતું. એટલું જ નહિ અપહરણ કરનારની સાથે બે વકીલ પણ આવ્યા હતા અને મારપીટ કરી યુવક પાસેથી લખાણ પણ કરાવવામાં આવ્યુ હતું. ત્યાર બાદ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ યુવતીને લઇને નાસીપાસ થઇ ગયા હતા. જો કે હાલ આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી લાખા ગોલતર, ભુપત ગોલતર, જીવણ ગોલતર અને સંજય ગોલતરની ધરપકડ કરી છે. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.