સુરત: માંગરોળ (Mangrol) તાલુકાના ઇસનપુર ગામે સ્થાનિક ઈસમે ગામમાં મારી મમ્મીની અનાજ કરિયાણાની દુકાન (Grocery Shop) ચાલુ છે છતાં તેં કેમ દુકાન ખોલી તેવું કહી રાજસ્થાની મારવાડી વેપારીની કરિયાણાની દુકાનને પેટ્રોલ (Petrol) છાંટી સ્થાનિક ઈસમે સળગાવી (Fire) દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં મારવાડી વેપારીના ચાર વર્ષનો પુત્ર હાથે-પગે દાઝી ગયો છે.હાલ આ ઘટનાના સંદર્ભમાં માંગરોળ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે.
- દુકાનદારનો ચાર વર્ષનો પુત્ર હાથ અને પગે દાઝી ગયો, રૂ.75 હજારનું નુકસાન
- ‘ગામમાં મારી મમ્મીની દુકાન ચાલુ છે, છતાં તેં કેમ ગામમાં દુકાન શરૂ કરી?’
મૂળ રાજસ્થાનનો વતની અને હાલ ધંધો કરવા ગુજરાતમાં આવેલા આનંદ પોકર ગુર્જર નામના મારવાડી વેપારીએ માંગરોળના ઇસનપુરમાં ડેરી ફળિયામાં કરિયાણાની દુકાન ખોલી હતી અને ધંધો કરી રહ્યો હતો. ત્યારે ઇસનપુરમાં રહેતો નિમેષ કોયા ચૌધરી મારવાડી દુકાનદાર પાસે આવ્યો હતો અને જણાવ્યું કે, આ ગામમાં મારી મમ્મીની દુકાન ચાલે છે. છતાં તે કેમ દુકાન ખોલી? તારી દુકાન તું બંધ કરી દેજે, નહીં તો રાત સુધીમાં તારી દુકાન સળગાવી દઈશ જેવી ખુલ્લી ધમકી આપી હતી અને ગાળો બોલી હતી. પરંતુ વેપારીએ ગામમાં ધંધો કરવાનો હોવાથી કોઈ ફરિયાદ કરી ન હતી.
ત્યારબાદ ફરી આ ઈસમ મારવાડીની દુકાને પેટ્રોલની બાટલી લઈને આવ્યો હતો અને દુકાન તેં કેમ બંધ કરી નથી? હવે તને તાકાત બતાવવી પડશે. એવું કહી કરિયાણાની દુકાનમાં પેટ્રોલ છાંટી દીધું હતું. આ સમયે પેટ્રોલના છાંટા વેપારીના ચાર વર્ષના પુત્ર કિશન ઉપર પણ પડ્યા હતા અને વિનંતી કરવા છતાં આ ઇસમે માચીસ વડે દુકાનમાં પડેલો સામાન સળગાવી દીધો હતો અને ફરી દુકાન નહીં ખોલવાની ધમકી આપી ત્યાંથી આ ઈસમ ચાલ્યો ગયો હતો.
આ સમયે વેપારીનો ચાર વર્ષનો પુત્ર કિશન હાથે-પગે દાઝી ગયો હતો. દુકાનદારે બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો દોડી આવે્યા હતા. અને પોતપોતાના ઘરેથી પાણી લાવી આગને બુઝાવવા પ્રયાસ કર્યો હતો. હાલ કિશનને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો છે. રૂ.60,000નો સામાન અને 15000નું ફર્નિચર મળી કુલ 75,000નું નુકસાન થયું હતું. આ ઘટના સંદર્ભે રાજસ્થાની મારવાડી વેપારી આનંદ પોકર ગુર્જર દ્વારા માંગરોળ પોલીસમથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.