નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના નાગરિક નલિની શ્રીહરન, મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગી છે. રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી હતી.
પેરારીવલનની સુપ્રીમ કોર્ટમાં અરજી
પેરારીવલને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તમિલનાડુ સરકારે તેમને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજ્યપાલે ફાઈલ લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યા બાદ રાષ્ટ્રપતિને ફાઈલ મોકલી દીધી હતી. તે બંધારણની વિરુદ્ધ છે. 11 મેના રોજ થયેલી સુનાવણીમાં કેન્દ્રએ પેરારીવલનની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવાના તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયનો બચાવ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં વિલંબ અને રાજ્યપાલની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા
એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજાએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચને કહ્યું હતું કે કેન્દ્રીય કાયદા હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિની માફી, અને દયાની અરજી પર માત્ર રાષ્ટ્રપતિ જ નિર્ણય લઈ શકે છે. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો આ દલીલ સ્વીકારવામાં આવે તો રાજ્યપાલો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી છૂટ અમાન્ય બની જશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો રાજ્યપાલ પેરારીવલનના મુદ્દે રાજ્ય કેબિનેટની ભલામણ સ્વીકારવા તૈયાર ન હોય તો તેમણે ફાઇલને પુનર્વિચાર માટે કેબિનેટને પાછી મોકલવી જોઈતી હતી.
પેરારીવલન પર હતો આ આરોપ
21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને 11 જૂન 1991ના રોજ પેરારીવલનની ધરપકડ કરવામાં આવી હતી. પેરારીવલન હત્યા કેસમાં બોમ્બ વિસ્ફોટો માટે વપરાયેલી 9-વોલ્ટની બે બેટરી ખરીદવા અને માસ્ટરમાઇન્ડ શિવરાસનને સોંપવા બદલ દોષી સાબિત થયો હતો. ઘટના સમયે પેરારીવલન 19 વર્ષનો હતો અને છેલ્લા 31 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છે. પેરારીવલનને 1998માં ટાડા કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. 1999માં સુપ્રીમ કોર્ટે સજાને યથાવત રાખી હતી, પરંતુ 2014માં તેને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી.