નવસારી : વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે લગ્નમાં (Marriage) મળેલી ભેટ (Gift) બ્લાસ્ટ (Blast) થતાં વરરાજા અને તેના ભત્રીજાને શરીરે (Body) અને આંખમાં ઈજાઓ થતા સારવાર અર્થે નવસારીની (Navsari) ખાનગી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે નવસારી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.
વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે માળા ફળિયામાં રહેતા લતેશ ભાયકુભાઈ ગાવિત અને ગંગપુર ગામે રહેતી સલમાબેનના ગત 13મી મેના રોજ લગ્ન થયા હતા. આ લગ્ન પ્રસંગમાં લતેશ અને સલમાબેનના સગાં-સબંધીઓ અને મિત્ર વર્તુળો હાજર રહ્યા હતા. લગ્નમાં હાજર રહેલા ઘણા લોકોએ લતેશ અને સલમાબેનને ભેટ આપી હતી. જોકે લગ્નના દિવસે લતેશ અને સલમાબેને મળેલી ભેટો જોઈ ન હતી.
મંગળવારે સવારે લતેશ તેના ૩ વર્ષીય ભત્રીજા જિયાંશ સાથે લગ્નમાં મળેલી ભેટ જોઈ રહ્યો હતો. લતેશે ભેટમાં મળેલું રમકડું ચાર્જમાં મુકવા જતાં જ બ્લાસ્ટ થઇ ગયો હતો. ઘરના બારી બારણાના કાચો તૂટી ગયા હતા, જેથી ગામજનો દોડી આવ્યા હતા. અને ઘવાયેલા લતેશ અને ભત્રીજા જિયાંશ પંકજભાઈ ગાવિતને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં લતેશને આંખ, માથા અને મોઢાના ભાગે તેમજ ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો થઇ ગયો હોવાનું ફરજ પરના ડોક્ટરોએ જણાવ્યું હતું. જયારે જિયાંશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. હાલ લતેશ અને જિયાંશની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ રહસ્યમય વિસ્ફોટની ઊંડાણપૂર્વક તપાસ કરવા ગ્રામજનોની માંગ
આ ઘટનાને પગલે વાંસદાના પી.એસ.આઈ. વી.એન. વાઘેલાએ સ્થળ પર ઘટનાની તપાસ માટે એફ.એસ.એલની ટીમ બોલાવી તપાસ આરંભી છે. આ રહસ્યમય વિસ્ફોટની ઊંડાણ પૂર્વક તપાસ કરવા પોલીસને સરપંચ સહિત ગ્રામજનોએ અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગંગપુર કન્યાના ઘરે મોટી દીકરીના સાથે લીવ ઈનમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે ભેટ આપી હોવાનું જાણવા મળ્યું હતું.
દીકરીએ ફોન કરતા જ હું તાત્કાલિક ઘરે પહોંચી ગયો હતો : હરીશચંદ્રભાઈ
સલમાના પિતા હરીશચંદ્રભાઈએ જણાવ્યું હતું કે, સવારે સાડા આઠ વાગ્યે દીકરી સલમાનો ફોન આવ્યો હતો. ઘરે જલ્દી આવો બ્લાસ્ટ થયો છે. લતેશને ખુબ વાગ્યું છે. એટલે હું તરત જ ઘરે પહોંચી ગયો હતો. જ્યાં જઇને મે જોતા લતેશ લોહી લુહાણ હાલતમાં હતો. શરીરે અને મોઢાના ભાગે ઈજાઓ થઇ હતી. ડાબો હાથ કાંડામાંથી તૂટી ગયો હતો. આંખના ભાગે પણ ઈજાઓ થઇ હતી. આ બાબતે હું વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીશ.