ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી તેના પ્રચાર પ્રસારની ખાસ જરૂર છે. આજકાલ બેંકો તથા સરકારી કચેરીઓમાં અન્ય રાજયોના અન્ય ભાષી વ્યકિતઓ નોકરી કરે છે. તેઓ હિંદી અથવા અંગ્રેજીમાં બોલતા હોય છે. ગુજરાતીઓ પણ હિંદીમાં વાતચીત કરે છે. ગુજરાતમાં અન્ય ભાષી વ્યકિતઓ ધંધાર્થે આવ્યા છે તેઓએ પોતાની માતૃભાષાની જાળવણી માટે પોતાની માતૃભાષાના માધ્યમવાળી પાઠશાળા ખોલી છે અને આપણે ગુજરાતીઓ અંગ્રેજી માધ્યમવાળી પ્રા.શાળા મા. શાળા અને કે.જી. પ્રિ પ્રાથ. શાળાઓ ખોલી રહ્યા છે. મારા દિકરાનો દિકરો અંગ્રેજી માધ્યમમાં ભણી રહ્યો છે એવું કહી આપણે સૌ ગૌરવ લઇએ છીએ. આપણા બાળકો અંગ્રેજીમાં ભણે છે પરંતુ તેઓ ગુજરાતી ભાષામાં નબળા થયા છે. એક સારો પત્ર કે અરજી કરી શકતા નથી એ હકીકત છે.
કેટલીક વખતે એ ગુજરાતી વિદ્યાર્થી નહીં ઘરનો અને નહીં ઘાટનો થાય છે. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ભારેખમ લાગતા તે અભ્યાસ છોડી પણ દે છે. નાના બાળકો ગુજરાતી ભાષામાં ઝડપથી ગ્રહણ કરી શકે છે કારણ ગુજરાતી એ દૂરભાષી છે એ બાળકને ગુજરાતી ભાષા શીખવવી પડતી નથી એ ઘરની વ્યકિત જે વાતચીત કરે છે તે જોઇને અને સાંભળીને બા, બા, મા, મા વગેરે શબ્દ બોલતા બોલતા ગુજરાતી ભાષા શીખી જાય છે. ગુજરાતી ભાષામાં અભ્યાસ કરેલી વ્યકિત પણ ડોકટર, ઇજનેર, વકીલ વગેરે બની શકે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મા. અબ્દુલ કલામ આઝાદે એમની માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી વૈજ્ઞાનિક બન્યા હતા. જે ભાષા વપરાતી બંધ થાય તે ધીરે ધીરે લુપ્ત થાય છે એવી ઘણી ભાષાઓ લુપ્ત થઇ છે એ હકીકત છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.