તાજેતરમાં આ લખનારે જૂનાગઢની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાની મુલાકાત લીધી ત્યારે ધૂણી ધખાવીને બેઠેલા નાગા બાવાઓ સાથે પણ વાતો કરી. પોતાનું શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રોનો પણ ત્યાગ કરનારા આ દિગંબર સંન્યાસીઓના ચહેરા પર જે પ્રસન્નતા જોવા મળતી હતી તે બિરલા, ટાટા કે અંબાણીના ચહેરા પર ક્યારેય જોવા મળી નથી. કાઠિયાવાડના લોકો છકડાઓમાં જે રીતે મુસાફરી કરે છે તે જોઇને લાગે કે આ રીતે મુસાફરી તો લાચારી સિવાય થઇ શકે જ નહીં.
માલવાહક ટેમ્પો જેવા છકડામાં 15 થી 20 સ્ત્રીઓ ઊભા ઊભા મુસાફરી કરતી હોય તો પણ તેમના ચહેરા પર જે આનંદની ઝલક જોવા મળતી હતી તે મર્સિડિઝ ગાડીના મુસાફરના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે છે. આ ઉદાહરણો પરથી ખ્યાલ આવે છે કે વધુ પૈસાથી વધુ સુખ મળે છે, તેવી આપણી ધારણા ગલત છે. આ કારણે જ ભૂતાને સંપત્તિ પાછળ દોડવાનું છોડીને સાચા સુખ પાછળ દોડવાનું શરૂ કર્યું છે. નામાંકિત અર્થશાસ્ત્રીઓ આપણને દાયકાઓથી કહી રહ્યા છે કે દેશનો GDP જેમ વધારે તેમ તે દેશ વધુ વિકસિત ગણાય.
આ કારણે આપણા નેતાઓ દેશનું ઉત્પાદન વધારવાનો જ પુરુષાર્થ કરી રહ્યા છે. સરકારની દરેક નીતિના પાયામાં વધુ સંપત્તિ પેદા કરવાનું જ લક્ષ્યાંક હોય છે. વધુ સંપત્તિ પાછળની દોટમાં આપણે ક્યાંક સુખથી વંચિત રહી જઇએ છીએ, જેનો ખ્યાલ આપણને આવતો નથી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક નામની સંસ્થા દ્વારા છેલ્લાં 5 વર્ષથી વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં માનવજીવનને સુખી બનાવતાં સંપત્તિ ઉપરાંતનાં પરિબળોની ગણતરી પણ કરવામાં આવે છે. ઇ.સ.2016નાં જાહેર થયેલાં પરિણામો મુજબ હેપ્પીનેસ બાબતમાં વિશ્વના 157 દેશોમાં ભારતનો નંબર 118મો છે, પણ પાકિસ્તાન 92મા ક્રમાંકે ભારત કરતાં વધુ સુખી છે.
વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ટોચના ક્રમાંકે બિરાજતો ડેન્માર્ક દેશ દુનિયાનો સૌથી વધુ સુખી દેશ ગણાય છે. ત્યાર બાદ ક્રમશ: સ્વિત્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સ્વિડનનો નંબર આવે છે. દુનિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા અમેરિકાનો સુખની બાબતમાં 13મો, બ્રિટનનો 23મો, ફ્રાન્સનો 32મો અને ઇટાલીનો 50મો ક્રમાંક આવ્યો હતો. દુનિયાના સૌથી દુ:ખી દેશોમાં બુરૂંડી, સિરિયા, ટોગો અને અફઘાનિસ્તાનનો સમાવેશ થતો હતો.
ગેલપ નામની પોલિંગ સંસ્થા દ્વારા દુનિયાના 157 દેશોમાં સર્વે કરાવવામાં આવે છે. સર્વેમાં દરેક દેશના ઓછામાં ઓછા 3,000 નાગરિકોને આવરી લેવામાં આવે છે. તેઓ કેટલા સુખી છે કે દુ:ખી તે નક્કી કરવા માટે તેમના જીવનનાં 6 પાસાંને ગણતરીમાં લેવામાં આવે છે. પહેલું પાસું તેમની આર્થિક પરિસ્થિતિ છે, કારણ કે સુખી થવા માટેનું એક મહત્ત્વનું પરિબળ પૈસો છે તે હકીકતની અવગણના થઇ શકે તેમ નથી; પણ પૈસા સિવાયનાં 5 મહત્ત્વનાં પરિબળોની પણ ગણતરી કરવામાં આવે છે.
સુખી થવા માટેનું બીજું પરિબળ જીવનનાં કેટલાં વર્ષો નિરામય દશામાં પસાર કર્યાં છે તેને ગણવામાં આવે છે. મનુષ્ય પાસે અબજો રૂપિયા હોય પણ આરોગ્ય નષ્ટ થઇ ગયું હોય તો તે સુખી બની શકતો નથી. ત્રીજું પરિબળ સામાજિક આલંબન વ્યવસ્થાને માનવામાં આવે છે. જે માણસ પાસે સુખ-દુ:ખની વહેંચણી કરવા માટે સગાંઓ, સંબંધીઓ અને મિત્રોનું મોટું વર્તુળ હોય તે વગર પૈસે પણ સુખનો અહેસાસ કરી શકે છે. સુખી થવા માટેનું ચોથું મહત્ત્વનું પરિબળ દેશમાં અને સમાજમાં વિશ્વાસનું વાતાવરણ માનવામાં આવે છે. દરેક નાગરિકને વિશ્વાસ હોવો જોઇએ કે તે સરકારી કચેરીમાં જશે તો લાંચ લીધા વિના તેનું કામ થઇ જશે. તેવી જ રીતે વેપારીને વિશ્વાસ હોવો જોઇએ કે ધંધામાં તેને સરકારી અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં નહીં આવે.
પાંચમું પરિબળ પોતાની જિંદગીના નિર્ણયો જાતે કરવાની આઝાદી છે. જેટલી વધુ આઝાદી એટલું વધુ સુખ. છઠ્ઠું પરિબળ મનુષ્ય દ્વારા પરોપકારનાં કાર્યો માટે કેટલું દાન કરવામાં આવે છે તે છે કારણ કે જે મનુષ્ય પોતાની જાતને સુખી તેમ જ સંતુષ્ટ માનતો હોય તેનામાં જ જનકલ્યાણનાં કાર્યો માટે દાન કરવાની ઉદારતા આવે છે. કોઇ પણ દેશનો હેપ્પીનેસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે તે દેશના નાગરિકોનું આત્મવિશ્વાસનું સ્તર પણ નક્કી કરવામાં આવે છે. તે માટે નાગરિકને કહેવામાં આવે છે કે એકથી દસ પગથિયાંની સુખની સીડી ઉપર તે પોતે ક્યાં પગથિયાં પર છે તે તેણે જ નક્કી કરવાનું છે. આ બાબતમાં ડેન્માર્ક, સ્વિત્ઝર્લેન્ડ, આઇસલેન્ડ અને નોર્વેનો સરેરાશ સ્કોર 7.5નો હતો, જ્યારે ભારતનો 5.5નો હતો.
વિશ્વમાં ભૂતાન જ એક એવો દેશ છે, જેમાં દેશની પ્રગતિનું માપ જાણવા માટે GDPનો નહીં પણ GNH (ગ્રોસ નેશનલ હેપ્પીનેસ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ નક્કી કરવા માટે કુલ 9 પરિબળોને ગણતરીમાં લેવામાં આવે છે, જેમાં પણ 4 મુખ્ય છે. આ ચારમાં સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન, પર્યાવરણની જાળવણી, સુઘડ વહીવટીતંત્ર અને કુદરતી સંપત્તિની જાળવણી કરે તેવી વિકાસનીતિનો સમાવેશ થાય છે. આ નીતિને કારણે ભૂતાનની પ્રજા ઓછી સંપત્તિ છતાં વધુ સુખનો અનુભવ કરી શકે છે. આપણી સરકારે પણ આ પદ્ધતિને અપનાવી લેવા જેવી છે.