પંજાબ: પંજાબ(Punjab)ના અમૃતસર(Amritsar)ની ગુરુ નાનક હોસ્પિટલ(Hospital)માં આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો હોસ્પિટલમાં ફેલાઈ ગયો હતો. જેથી દર્દીઓએ બહાર નીકળવામાં તકલીફ પડી હતી. જો કે ભારે જહેમત બાદ હોસ્પિટલના વોર્ડમાં દાખલ 650 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પાછળ આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી
ઓપીડીની પાછળની બાજુએ એક્સ-રે યુનિટની નજીક બે ટ્રાન્સફોર્મર છે. જે સમગ્ર હોસ્પિટલને વીજળી પહોંચાડે છે. બપોરે આ ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. વળી આ ટ્રાન્સફોર્મરની ઉપર જ સ્કીન વોર્ડ છે. જ્યાં ધુમાડો એટલો બધો પહોંચી ગયો હતો કે વોર્ડના દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવા પડ્યા હતા. આગનાં પગલે લોકોને ગૂંગળામણ થતા તેઓ હોસ્પિટલની બહાર રોડ તરફ દોડી ગયા હતા. જોકે આ દરમિયાન નાસભાગના કારણે અનેક દર્દીઓને બારીઓના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી
હોસ્પિટલના વિવિધ વોર્ડમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા, જેઓ આગના પગલે બહાર દોડી આવ્યા હતા અને શેરીઓમાં સૂઈ ગયા હતા. દર્દીઓના જણાવ્યા અનુસાર, આગના ધુમાડાને કારણે તેને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો, પરંતુ કોઈએ તેની મદદ ન કરી અને તેણે જાતે જ બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમના કારણે આગને કાબૂમાં લાવવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી ઈન્સ્પેક્ટરે તરત જ ટ્રાન્સફોર્મર તરફ ફાયર બોલ્સ ફેંક્યા હતા. અત્યારે તો દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ બિલ્ડીંગમાંથી ધુમાડો ઓછો થતાં જ દર્દીઓને ફરીથી વોર્ડમાં ખસેડવામાં આવશે.
મંત્રીએ તપાસના આદેશ આપ્યા
ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં ઈમારત સંપૂર્ણપણે બળી ગઈ હતી. કેબિનેટ મંત્રી હરભજન સિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.