સુરત: (Surat) સુરતથી દહેજ અને ઘોઘા રો-રો ફેરી (Ro Ro Ferry) સર્વિસ કંપની સાથે કોઇ અજાણ્યાએ શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને રૂા. 67 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે કંપની દ્વારા બીજીવાર પેમેન્ટની માંગણી કરવામાં આવતા શીપયાર્ડ (Shipyard) કંપની સાથે ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- રો-રો ફેરી સર્વિસની સાથે અજાણ્યાએ બોગસ મેઇલ મોકલાવીને 67 લાખ ટ્રાન્સફર કરાવી લીધા
- ફેરી સર્વિસ દ્વારા પહેલા જ રૂા. 140 કરોડ ચૂકવી દેવાયા હતા અને બાકીના 67 લાખ આપવાના બાકી હતા, ત્યારે શિપયાર્ડ કંપનીનો બોગસ મેઇલ બનાવી ઠગાઇ કરી
પ્રાપ્ત વિગતો મુજબ વેસુના આભવા રોડ ઉપર ટાઇમ્સ લક્ઝરીયામાં રહેતા સમકીત નટવરલાલ મહેતા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આપતી ડેટોક્ષ કંપનીમાં નોકરી કરે છે. તેઓનું એમ.કોચીન શીપયાર્ડ કંપની સાથે ટાયપ છે અને બંને વચ્ચે વ્યવહાર પણ છે. આ વ્યવહારના અંદાજીત બે કરોડ રૂપિયા એમ.કોચીન શીપયાર્ડ કંપનીને લેવાના નીકળતા હતા. શરૂઆતમાં ડેટોક્ષ કંપની દ્વારા રૂા. 1.40 કરોડ આપી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન ડેટોક્ષ કંપનીને કોઇ અજાણ્યાએ રૂપિયાની ઉઘરાણી માટે શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને એકાઉન્ટ નંબર પણ મોકલી આપ્યો હતો. શીપયાર્ડ કંપનીએ મેઇલ જોયા વગર જ સીધા જ રૂા. 67.79 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડા દિવસ બાદ શીપયાર્ડ કંપની દ્વારા મેઇલ કરીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ડેટોક્ષ કંપની દ્વારા મેઇલ ચેક કરવામાં આવતા તેમાં બીજા મેઇલ આઇડી મોકલાવીને રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને પોલીસ ફરિયાદ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ડેટોક્ષ કંપની દ્વારા બંને મેઇલ આઇડી ચેક કરવામાં ઠગાઇ બહાર આવી
મુંબઇમા આવેલી એમ શીપયાર્ડ કંપનીના ઓફિશ્યલ મેઇલ આઇડીમાં પાછળની તરફ ડોટ.ઇન લખ્યું છે, જ્યારે અજાણ્યાએ જે મેઇલથી મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા. તેમાં સીજીથ.એમકોચીનશીપયાર્ડ લખીને પાછળની તરફ એટ્ધરેટ જીમેઇલ ડોટ.કોમ લખ્યું હતું. સુરતની ડેટોક્ષ કંપનીએ પણ એમકોચીન શીપયાર્ડ નામ જોતા જ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ જ્યારે કંપનીના બંને મેઇલ આઇડીને ચેક કરતા ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું હતું.