સુરત: (Surat) વરાછામાં રહેતી મહિલાને (Lady) પ્રથમ સંતાનમાં પુત્રી (Girl) જન્મ્યા બાદ પતિની સામે ઠગાઇની ફરિયાદ અને પતિને જેલમાં રહેવાનો વારો આવતા આ પતિ અને સાસરિયાઓએ મહિલાને ‘પુત્રી હિયા અપશુકનીયાળ છે’ કહી ત્રાસ (Harassment) આપ્યો હતો. આ ઉપરાંત મહિલાના પિતાની માલિકીની મિલકત ઉપર લોન લઇને હપ્તા ભરાયા ન ભરાતા તેમજ મહિલાના 988 ગ્રામ સોનાના દાગીના પરત આપવામાં નહીં આવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે. વરાછા પોલીસે હીરાના વેપારી સંજય તંતી સહિત તેના પરિવારજનોની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછામાં રહેતી હીનાબેનના (નામ બદલ્યુ છે) લગ્ન વરાછામાં હીરાની પેઢી ચલાવતા અને વરાછા લંબેહનુમાન રોડ ઉપર પંચરત્ન ટાવરમાં રહેતા સંજય ગોવિંદભાઇ તંતીની સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો, જેની હાલમાં પાંચ વર્ષની ઉંમર છે. પુત્રીના જન્મ બાદ સાસરીયાઓ દ્વારા પુત્રીની કુંડળી કઢાવવામાં આવી હતી જેમાં હીનાબેનને કહેવાયું કે, તેની પુત્રી હિયાને ગ્રહદોષ છે, દિકરીનો ભાર તેના પિતા પર છે કહીને મહેણાટોણા મારતા હતા. ત્યારબાદ હીનાબેન પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતા ઘરસંસાર તૂટે નહીં તે માટે હીનાબેનના પિતાએ પોતાની માલિકીની મિલકત ઉપર 38 લાખની લોન લઇ આપી હતી, આ લોનના હપ્તા શરૂઆતમાં સંજય તંતી ભરતો હતો, પરંતુ બાદમાં લોનના હપ્તા ભર્યા ન હતા. બેંકના કર્મચારીએ મિલકત સીલ કરી દેતા હીનાબેનના પિતાએ તમામ લોન ભરપાઇ કરી હતી.
આ ઉપરાંત સંજય તંતની સામે મુંબઇમાં ઠગાઇની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને સંજયની ધરપકડ કરી હતી. આ દરમિયાન સાસરીયાઓએ હીનાબેનને કહ્યું કે, હિયા અપશુકનીયાળ છે કહી ઘરમાંથી કાઢી મુકી હતી. ત્રણ મહિના બાદ જેલમાંથી બહાર આવેલો સંજય હિનાબેન પાસે ગયો હતો, અને પાંચ વર્ષિય હિયાને બળજબરીથી કાપોદ્રા નજીક તાપી કિનારે શિવભગવાનના મંદિર પાસે લઇ જઇને તાંત્રિક વિધી પણ કરવામાં આવી હતી. બાદમાં સાસરીયાઓએ હિનાબેનના 988 ગ્રામ દાગીના ઉપર અંદાજીત 14.99 લાખની લોન લઇને આ લોન બારોબાર ભરપાઇ કરી દાગીના વેચીદીધા હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બનાવ અંગે વરાછા પોલીસે સંજય તંતી તેમજ તેના સાસરીયાઓની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.