વલસાડ(Valsad) : પારસી (Parsi) સમાજ દ્વારા લગ્નની (Marriage Card ) કંકોત્રીમાં એક કાર્ડ અલગ આવે છે. જેમાં કેટલા લોકો લગ્નમાં આવશે તેની સંખ્યા લખીને અગાઉથી આપવાની હોય છે. જેના કારણે ભોજનનો (Food) બગાડ ન થાય. આ પ્રકારની કંકોત્રી વલસાડના એક અનાવિલ (Anavil) પરિવારે છપાવી એક નવો ચિલો ચિતરવાનો પ્રયાસ કર્યો છે. જેના થકી લગ્ન સમારંભમાં અન્નનો બગાડ અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
- ‘કેટલા માણસો લગ્નમાં આવશે’ ભોજનનો બગાડ અટકાવવા કાર્ડ પણ અલગ છપાવ્યો
- લગ્ન સમારંભમાં અન્નનો બગાડ અટકાવવા પારસી સ્ટાઇલે છપાઈ અનાવિલ સમાજની કંકોત્રી
વલસાડના હાલરમાં રહેતા અને વાપીમાં એન્જિનિયરીંગ વ્યવસાય સાથે જોડાયેલા ભદ્રેશભાઇ દેસાઇએ પોતાની પુત્રી બંસરીના લગ્નની કંકોત્રીમાં એક કાર્ડ એકસ્ટ્રા છપાવ્યો છે. આ કાર્ડમાં તેમણે પારસી સમાજને ટાંકી જણાવ્યું કે, આજની કાળઝાળ મોંઘવારીમાં અન્નનો બગાડ ઘટાડવાની વાત છે. આપણા સમાજમાં તેના શું પ્રત્યાઘાત પડશે એ ખબર નથી, આ એક પ્રયાસ છે.
આગામી 21મી મે ના રોજ વલસાડમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં યોજાનાર લગ્ન સમારંભમાં કેટલા વ્યક્તિ હાજરી આપશે, તેની જાણકારી 18મી મે સુધી આ કાર્ડમાં લખીને આપવાની રહેશે. આ કંકોત્રી હાલ અનાવિલ સમાજમાં ચર્ચાના એરણે ચઢી છે. ભદ્રેશભાઇનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. તેમના આ પ્રયાસ થકી અન્યો પણ પ્રેરણા લે એ જરૂરી બન્યું છે. જેના થકી લગ્ન સમારંભોમાં અન્નનો બગાડ થતો અટકી શકે એમ છે.
વલસાડના અનાવિલ પરિવારે શુભ હેતુ સાથે છપાવેલી આ લગ્નની આમંત્રણ પત્રિકાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચા જગાવી છે. જો ખરેખર દરેક વ્યક્તિ આ રીતે શુભ-અશુભ પ્રસંગે ભોજનનો બગાડ થતો અટકાવવા માટે આગળ આવે તો ખૂબ સારું કાર્ય થશે. આજે પણ આપણા દેશમાં હજારો-લાખો લોકો ભૂખ્યા સૂવા મજબૂર થતા હોય ત્યારે અનાવિલ સમાજની પહેલ ખરેખર સરાહનીય છે.