નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં લાડસ્પીકર વિવાદ (Loudspeaker controversy) વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેને (Raj Thackeray) ધમકીભર્યો પત્ર મળ્યો છે. MNS નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે રાજ ઠાકરેને એક ધમકીભર્યો પત્ર (Letter) મળ્યો છે જેમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા અંગે આપેલી ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ MNS નેતા નંદગાંવકરે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પત્રમાં હિન્દી સાથે ઉર્દૂ શબ્દો પણ સામેલ છે. જે પછી રોષે ભરાયેલા MNSએ ચેતવણી (Warning) આપી છે કે જો રાજ ઠાકરેને કંઈ થશે તો તેઓ આખા મહારાષ્ટ્રને આગ લગાવી દેશે.
ધમકીભર્યા પત્રમાં શું લખ્યુ છે?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા બાલા નંદગાંવકરે બુધવારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલને રાજ ઠાકરે દ્વારા મળેલા ધમકીભર્યા પત્રના પગલે મળ્યા હતા અને આ અંગે પગલાં લેવાની માંગ કરી હતી. નંદગાંવકરે કહ્યું કે ઠાકરેની ઓફિસને એક પત્ર મળ્યો છે, જે હિન્દીમાં લખાયેલ છે અને તેમાં ઉર્દૂના કેટલાક શબ્દો છે. તેમણે કહ્યું કે પત્રમાં ઠાકરેની ચેતવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ‘અઝાન’ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ રહેશે તો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યાર બાદ મુંબઈ પોલીસે આ અજાણ્યા પત્રના સંબંધમાં કેસ નોંધ્યો હતો.
સુરક્ષાની માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી: MNS નેતા નંદગાંવકર
નંદગાંવકરે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો MNS વડાને નુકસાન થશે તો તેના પરિણામો રાજ્યભરમાં દેખાશે. નંદગાંવકરે કહ્યું કે ગૃહમંત્રી પોલીસ કમિશનર સાથે વાત કરશે. હવે તેઓ જરૂરી પગલાં લેશે, પરંતુ જો રાજ ઠાકરેને જરા પણ નુકસાન થશે તો આખું મહારાષ્ટ્ર સળગી જશે. તેથી રાજ્ય સરકારે આ મુદ્દે ધ્યાન દોરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ પત્રને ધ્યાનમાં રાખીને મંગળવારે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને મળ્યા હતા. તેઓ MNS પ્રમુખ અને તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે જરૂરી પગલાં લેવાં જોઈએ.
મહારાષ્ટ્રમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થાય: સંજય રાઉત
રાજ ઠાકરેને મળેલ ધમકીભર્યા પત્ર પર શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે કોઈને કંઈ થવાનું નથી. આટલા વર્ષોથી મહારાષ્ટ્રમાં જ રહીએ છે. શિવસેના ભવનમાં દરરોજ આવા સેંકડો ધમકીભર્યાપત્રો આવે છે. મહારાષ્ટ્ર સુરક્ષિત છે. મહારાષ્ટ્રમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થાય.