વડોદરા : સ્માર્ટસિટી વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા વિવિધ તળાવોના બ્યુટીફીકેશન બાદ સારસંભાળ નહીં લેવાતા તળાવોની દયનિય હાલત બનવા પામી છે. તળાવોમાં અસહ્ય ગંદકી તેમજ જળચર જીવોના મોત થઈ રહ્યા છે. પરંતુ પાલિકાના સત્તાધીશો પોતાની આળસ નહીં મરોડતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. વડોદરાના મહારાજા શ્રીમત સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના નગરજનોની સુખાકારી તથા પર્યાવરણને ધ્યાનમાં રાખીને શહેરમાં વિવિધ જગ્યાએ તળાવોનું નિર્માણ કર્યું હતું.
પરંતુ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે પાલિકા દ્વારા શહેરના તળાવોનું લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. પરંતુ તે તળાવોની જાળવણી અને નિભાવણી કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. જેના કારણે અવારનવાર શહેરના સુરસાગર તળાવ, લાલબાગ, સરસિયા, કમલાનગર, વારસિયા, બાપોદ, ખોડિયારનગર તળાવ સહિતના તળાવોમાં ગંદકીના કારણે જળચર જીવો માછલીઓ તથા કાચબાઓના મોત થઈ રહ્યાં છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી શહેરના સિદ્ધનાથ તળાવની પણ દુર્દશા જોવા મળી રહી છે.
અહીં પાણી માટેનો બોર પણ બંધ છે. તળાવ પાણી વિના સુકાઈ જતાં જળચર જીવો પણ મૃત્યુ પામ્યા છે. સાથે જ અહીં મોર્નિંગ વોકર્સ માટે બનાવવામાં આવેલ તળાવ ફરતેના ફૂટપાથ પાસે લાઈટો પણ બંધ છે.જ્યારે જળચર જીવોના અસ્તિત્વ પર પણ જોખમ ઉભું થયું છે.ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલર દ્વારા અનેકવાર આ બાબતે સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં પણ કોઈ યોગ્ય કામગીરી નહીં થતા તંત્રની તળાવો પ્રત્યે ઉદાસીનતા જોવા મળી છે.
ઐતિહાસિક તળાવ મહાનગર પાલિકા તંત્રના ભોગે મૃતપ્રાય બની રહ્યા છે
દુષિત,દુર્ગંધ વાળું પાણી,જંગલી બાવડ લીલ અને ગંદકીના કારણે તળાવની આસપાસના સ્થાનિકો પરેશાન છે જ પરંતુ તળાવમાં વસવાટ કરતા જળચર જીવો સામે પણ જોખમ ઊભું થયું છે. સરસિયા તળાવમાં એક મહાકાય કાચબો મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.સરસિયા તળાવએ લોકોની આસ્થાનું કેન્દ્ર છે,તમામ સમાજના લોકો અહીં પોતાની ધાર્મિક વિધિ કરતા હોય છે.આ તળાવ ચારે બાજુથી ગંદુ થઈ ગયું છે.ગટર લાઈન પણ અંદર જોડાણ કરવાથી દુષિતમય વાતાવરણ ઊભું થયું છે.પરંતુ શાસક પક્ષ કે સ્થાનિક કોર્પોરેટરો ધ્યાન આપતા નથી.વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીં રેલિંગ નાખવામાં આવી નથી.