સુરત: (Surat) નેચરલ ડાયમંડમાં (Natural diamond) લેબગ્રોન ડાયમંડની ભેળસેળના (Impurity) મિત કાછડીયાના 600 કરોડના કૌભાંડ પછી જાગેલી રેવન્યુ એજન્સીએ સચિન સ્થિત સુરત સેઝમાં 50 લાખના ખર્ચે ડાયમંડ ડિટેક્શન મશીન મુકયું છે. દેશમાં પ્રથમવાર એકમાત્ર સુરત સેઝમાં ડાયમંડ નેચરલ છે કે સિન્થેટિક એની ચકાસણી કરી જ ડાયમંડ અને ડાયમંડ જવેલરી ઈમ્પોર્ટ – એક્સપોર્ટ થઈ શકશે. આ મશીન થકી વિદેશથી ઇમ્પોર્ટ થતી રફ અને એક્સપોર્ટ થતાં તૈયાર હીરા અને જવેલરી (Diamond And Jewelry) નેચરલ ડાયમંડમાંથી બની છે કે સિન્થેટિક ડાયમંડમાંથી એ જાણી શકાશે.
- દેશમાં પ્રથમ વાર સુરત સેઝમાં ડાયમંડ નેચરલ છે કે સિન્થેટિક એની ચકાસણી કરી જ આયાત-નિકાસ થઇ શકશે
- સચિન સ્થિત સુરત સેઝમાં 50 લાખના ખર્ચે ડાયમંડ ડિટેક્શન મશીન મુકાયું
- નેચરલ ડાયમંડમાં લેબગ્રોન ડાયમંડની ભેળસેળના મિત કાછડીયાના 600 કરોડના કૌભાંડ પછી ડિટેક્શન મશીન મુકાયું
સચીન સ્થિત સુરત એસઇઝેડના ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંહે જણાવ્યુ હતું કે, હીરાની ચકાસણી કરવા માટે મશીન મુકવામાં આવે તો નેચરલ અને સિન્થેટિક ડાયમંડ વચ્ચેનો ભેદ સરળતાથી જાણી શકાય છે. દેશમાં આવેલા એસઇઝેડ પૈકી સચીન એસઇઝેડમાં આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કારણકે અહીં 80 ટકા યુનિટ જેમ એન્ડ જવેલરીના છે. આ મશીન એટલા માટે જરૂરી છે કે, હીરાના જે પણ પાર્સલ યુનિટમાં ઈમ્પોર્ટ થઈ આવે છે તે સીલ પેક હોય છે. તેવી જ રીતે એક્સપોર્ટનો માલ પણ સીલ પેક હોય છે. તેને ખોલી શકાતો નથી કારણ કે તે એક્સપોર્ટ કરવાના હોય છે. હીરાના પાર્સલમાં સાચા હીરા છે કે, પછી લેબગ્રોન હીરા છે, ઘરેણામાં કયા હીરા લગાવવામાં આવ્યા છે તે પણ આ મશીનથી જાણી શકાય છે. હાલ કસ્ટમ વિભાગના અધિકારીઓ આ મશીન ઓપરેશનની ટ્રેનિંગ લઇ રહ્યા છે આગામી દિવસોમાં આ સેવા કાર્યરત કરાશે.