Vadodara

દાહાેદમાં રાહુલ ગાંધીએ જાહેર સભા સંબોધી

દાહોદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે.  રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરાયું હતું.

હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે.

કોંગ્રેસ આ મુદ્દાઓ આગળ ધરશે
રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે, જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ એક્ટ 2019 રદ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા 1996માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના PESA કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા તેમજ એમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ લડત આપશે.

આદિવાસી પ્રજાને હેરાન કરવાના કાવતરાં ભાજપ દ્વારા થઇ રહ્યાં છે – રઘુ શર્મા
સભાને સંબોધતાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે આ રેલી નથી, સત્યાગ્રહની શરૂઆત છે, કોંગ્રેસ 125 વિધાનસભાની બેઠક જીતશે. આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજાને હેરાન કરવાના કાવતરાં ભાજપ દ્વારા થઇ રહ્યાં છે. કોંગ્રેસના આગેવાનોએ આદિવાસી હોય કે નોન આદિવાસી હોય, તેમણે બધાએ ગુજરાતના આદિવાસીઓની લડતને પોતાની લડત બનાવવાનું નક્કી કર્યું છે. જ્યારે અમે રાહુલ ગાંધી સાથે આ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે કહો ગુજરાત કે નૌજવાન આદિવાસીઓસે, મેં ગુજરાત આઉંગા ઇનકી લડત કો સમર્થન કરુંગા અને એના ભાગરૂપે તેઓ અહીં આવ્યા છે.

ચાલીસે ચાલીસ સીટ કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર બનાવીશું : જગદીશ ઠાકોર
જગદીશ ઠાકાેરે રાહુલ ગાંધીને સંબોધીને જણાવ્યું હતું કે આ આદિવાસી સમાજ તમને વચન આપે છે કે 27 ટ્રાઇબલ સીટ તો અમે આપીશું જ, પરંતુ એની સાથે જ 13 આદિવાસી પ્રભાવિત વિધાનસભા સીટ એમ ચાલીસે ચાલીસ સીટ કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર બનાવીશું.

કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપારે 2 વાગ્યે બેઠક કરશે
દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. તેઓ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. આ રેલી થકી રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયમાં વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો જાહેર કરશે.

Most Popular

To Top