વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું રેઢિયાળ તંત્ર અનેક અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલું જોવા મળે છે.બીજી તરફ સત્તાધ્ધિશો દ્વારા કરવામાં આવતા વાયદા અને વચનો પુરા કરવામાં આવતા નથી.કલ્યાણનગર, ઈન્દિરાનગર હોય કે સંજયનગર સહિતના આવસો તોડી પાડ્યા બાદ ભાડું અને મકાનો ફાળવવામાં આવશે તેવી બાંહેધરી લાભાર્થીઓને આપવામાં આવી હતી.પરંતુ આજે પણ આ આવસોના લાભાર્થીઓ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.ત્યારે મંગળવારે વધુ એક વખત તરસાલી બાયપાસ ધનિયાવી નવીનગરીના દબાણો દૂર કર્યા બાદ લાભાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશેની બાંહેધરી આપવામાં આવી હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ધનિયાવી નવીનગરી ખાતે મકરપુરા પોલીસ,એમજીવીસીએલ, ફાયરબ્રિગેડ,સ્ટ્રીટલાઈટ તેમજ ટીપી જમીન મિલ્કત શાખાના અધિકારીઓને સાથે રાખી દબાણો દૂર કરવા માટે પહોંચી હતી.
જ્યાં 12 મીટર ડીપી રસ્તામાં આવતા 39 જેટલા મકાનો, દુકાનો,શેડ ,ગોડાઉન સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.જેને લઈ બે ઘર બનેલા સ્થાનિક રહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને ઉગ્ર સુત્રોચાર કરી હોબાળો મચાવતા અધિકારીઓ સાથે ચકમક પણ ઝરી હતી.જ્યારે પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.જોકે સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.નોંધનીય છે કે વર્ષ 2019 માં નવીનગરી વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થયો છે.આ નવીનગરી વસાહત છેલ્લા 40 વર્ષ ઉપરાંતના સમયથી છે.આ વિસ્તારમાં એક અંદાજ મુજબ 300 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે અને તેમાં 950 થી વધુ લોકો પરિવાર સાથે રહે છે.તાજેતરમાં જ કોર્પોરેશનના ટાઉનપ્લાનીંગ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ ફટકારી હતી.જે બાદ મંગળવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ગરીબોની નજર સમક્ષ પોતાના મકાનો તૂટતા ઘટનાસ્થળે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે આ મામલે ગરીબોની વ્હારે આમ આદમી પાર્ટી અને શિવસેના આવી હતી.
ભાજપની સરકારે હવે ગરીબો પર બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી દીધી છે
તરસાલી નવીનગરી ખાતે ગરીબોના ઝુંપડા તોડ્યા છે.એક બાજુ રાજ્ય સરકારે યલો એલર્ટ જાહેર કર્યું છે એનો મતલબ એવો કે આજે ઘરની બહાર નીકળવું ન જોઈએ પુષ્કળ ગરમી છે આવા સંજોગોની અંદર કાળઝાળ ગરમીમાં ઝૂંપડા તોડી વડોદરા મહાનગર પાલિકાએ જે મહાન કામ કર્યું છે. ખરેખર આમ આદમી પાર્ટી દુઃખની લાગણી વ્યક્ત કરે છે આ બાબતે મ્યુનિ.કમિને રજૂઆત કરી છે કે આ ઝુંપડા રોડ ઉપર આવતા હોય તો તમે તોડો.પરંતુ એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને કોઈ જગ્યા પર એમને એક રૂમ રસોડાનું મકાન આપો આ બાબતે રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશ્નરે અમે આપીશું તેમ જણાવ્યું છે.પરંતુ આ જો અને તો ની સ્થિતિ છે.
આજના દિવસથી આ પરિવાર ક્યાં રહેશે કારણકે નાના નાના બાળકો છે.યુવાન દીકરીઓ છે.આજે રોડ ઉપર હાઈવે ઉપર રહેવાનું એ કેટલીક કપરી પરિસ્થિતિ છે.આ ગરીબો સાથે અમે હંમેશા લડત આપીશું.કમિશનર પાસે સમય નથી કારણકે કમિશનરને એસી ઓફિસમાં બેસી રહેવાનું, માલેતુજાર બિલ્ડર આવે અગોરાનો બિલ્ડર આવે તો જાજમ પાથરી દેવાની,કોઈ એમએલએ,એમપી સાથે બેસવાનું હોય.પરંતુ ગરીબ પ્રજા પોતાનું દુઃખ લઈને આવતી હોય તો એમની પાસે સમય નથી.ત્યારે ખાસ કહેવાનું કે તમને જે પગાર મળે છે તે વડોદરા શહેરના નગરજનોના વેરામાંથી મળે છે નહીં કે ભારતીય જનતા પાર્ટી માંથી તમારો પગાર આવતો હોય. : વીરેન રામી, પ્રમુખ ,આપ